Saturday, May 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકોંગ્રેસી ધારાસભ્યના જમાઈએ બાઈક અને રિક્ષા સાથે કાર અથડાવતાં 6નાં મોત: આણંદની...

    કોંગ્રેસી ધારાસભ્યના જમાઈએ બાઈક અને રિક્ષા સાથે કાર અથડાવતાં 6નાં મોત: આણંદની ઘટના, ગુનો દાખલ

    સોજીત્રાના ડાલી નજીક કાર, રિક્ષા અને બાઈક વચ્ચેના ટ્રિપલ અકસ્માતમાં કુલ 6 લોકો મૃત્યુ પામ્યા હતા.

    - Advertisement -

    આણંદના સોજીત્રા તાલુકાના ડાલી ગામે ગુરુવારે સાંજના સમયે એક કાર, રિક્ષા અને બાઈક વચ્ચે સર્જાયેલા ટ્રિપલ અકસ્માતમાં છ વ્યક્તિઓનાં મોત થયાં છે. અકસ્માત સર્જનાર કાર સોજીત્રાના કોંગ્રેસી ધારાસભ્ય પૂનમભાઈ માધાભાઇ પરમારના કૌટુંબિક જમાઈની હોવાનું સામે આવ્યું છે. પોલીસે ધારાસભ્યના જમાઈ કારચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરીને ધરપકડ કરી લીધી છે. 

    બનાવની વિગતો એવી છે કે, તારાપુરથી રીક્ષા મુસાફરોને લઈને આણંદ તરફ આવી રહી હતી. દરમ્યાન, ડાલી ગામ નજીકથી પસાર થતી વખતે પૂર ઝડપે આવી રહેલી કારના ચાલકે ગફલતભરી રીતે હંકારી પાછળથી રીક્ષા અને બાઈકમાં અથડાવી દીધી હતી. ત્રણેય વાહનો અથડાતાં રીક્ષાચાલક અને બાઈક સવાર યુવકો મળીને કુલ 6નાં મોત થયાં હતાં. 

    અકસ્માત બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી, તેમજ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી શરૂ કરી હતી તેમજ મૃતદેહોનો કબજો લઇ સરકારી દવાખાનામાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા તેમજ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જાણવા મળ્યા મુજબ, પરિવારના સભ્યો રક્ષાબંધન ઉજવીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત નડ્યો હતો.

    - Advertisement -

    આ કાર સોજીત્રાના કોંગ્રેસી ધારાસભ્ય પૂનમભાઈ પરમારના કૌટુંબિક જમાઈ કેતન પઢિયારની હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે તેની સામે આઇપીસીની કલમ 304 હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરી લીધી છે તેમજ આગળની કાર્યવાહી શરૂ કરી છે. દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ, અકસ્માત થયા બાદ કારચાલક લથડિયાં ખાતો જોવા મળ્યો હતો. બીજી તરફ, મૃતકોના પરિજનો પણ તે નશામાં હોવાનો આક્ષેપ કરી રહ્યા છે.

    આ બનાવ અંગે આણંદના જિલ્લા પોલીસ વડા અભિષેક ગુપ્તાએ જણાવ્યું કે, “કાર, બાઈક અને રીક્ષા વચ્ચે સાંજે સાતેક વાગ્યે અકસ્માત થયો હતો, જેમાં છ લોકોનાં મોત થયાં છે. ઓટોરિક્ષામાં સવાર ચાર લોકો અને બે બાઈક સવાર મૃત્યુ પામ્યા છે. કાર ચાલક હાલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે. પોલીસની તપાસ ચાલી રહી છે.”

    અકસ્માત થતાં ચાર લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા, જ્યારે બાકીના બેએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. મૃતકો સોજીત્રા અને બોરીયાવી ગામના રહેવાસીઓ હતા. પોલીસે જણાવ્યું કે, ધારાસભ્યના જમાઈ આરોપી સામે આઇપીસી 304 હેઠળ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી લેવામાં આવી છે તેમજ મૃતકોની પણ વિગતો મેળવી લેવામાં આવી છે. 

    પોલીસે કારની નંબર પ્લેટ જપ્ત કરી લીધી હતી તેમજ લિકર ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. એક રિપોર્ટ અનુસાર, કાર પર ગુજરાત MLA પણ લખવામાં આવ્યું હતું. આ મામલે ધારાસભ્ય પૂનમભાઈ પરમારે કહ્યું હતું કે, મારા જમાઈ શ્રાવણમાં દારૂ પીતા નથી. તેમને બચાવવાનો કોઈ પ્રયત્ન નથી. પોલીસની તપાસમાં સહયોગ આપીશ. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં