Wednesday, October 16, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટએક તરફ રેપ કેસના આરોપી મંત્રીપુત્રને શોધી રહી છે પોલીસ, બીજી તરફ...

    એક તરફ રેપ કેસના આરોપી મંત્રીપુત્રને શોધી રહી છે પોલીસ, બીજી તરફ ચિંતન શિબિરમાં જોવા મળ્યા કોંગ્રેસ સરકારના મંત્રી 

    રાજસ્થાનના મંત્રી મહેશ જોશીના પુત્ર રોહિત જોશી પર બળાત્કારનો આરોપ છે અને મહેશ જોશી પોલીસને મદદ કરવાને બદલે કોંગ્રેસના ચિંતન શિબિરમાં વ્યસ્ત છે.

    - Advertisement -

    રાજસ્થાન કોંગ્રેસ સરકારના મંત્રી મહેશ જોશીના પુત્ર રોહિત જોશી પર એક 23 વર્ષીય મહિલાએ દુષ્કર્મની ફરિયાદ કર્યા બાદ આ મામલે દિલ્હીમાં કેસ દાખલ થયો હતો. જે બાદ દિલ્હી પોલીસની 15 સભ્યોની એક ટીમ રોહિતની અટકાયત માટે ગઈકાલે રાજસ્થાનના જયપુર પહોંચી હતી. એક તરફ જ્યાં બળાત્કાર કેસની તપાસ કરતી દિલ્હી પોલીસ મંત્રીપુત્રની શોધખોળ કરી રહી છે ત્યાં બીજી તરફ રાજસ્થાન સરકારના મંત્રી આજે કોંગ્રેસની ચિંતન શિબિરમાં જોવા મળ્યા હતા.

    રાજસ્થાન કોંગ્રેસ સરકારના મંત્રી અને બળાત્કાર કેસના આરોપી મંત્રી પુત્ર રોહિત જોશીના પિતા મહેશ જોશી આજે ઉદયપુર ખાતે આયોજિત ચિંતન શિબિરમાં જોવા મળ્યા હતા. અહીં નોંધનીય છે કે તેમને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના નજીકના અને વિશ્વાસપાત્ર માનવામાં આવે છે. 

    ગઈકાલે દિલ્હી પોલીસની ટીમ મંત્રી મહેશ જોશીના બે નિવાસસ્થાનોએ પહોંચી હતી પરંતુ આરોપી રોહિત જોશીનો પત્તો મળ્યો ન હતો. જે બાદ પોલીસે દીવાલ પર નોટિસ ચોંટાડીને આરોપીને 18 મૅ સુધીમાં પોલીસ મથકે હાજર રહેવા માટે ફરમાન કર્યું હતું. 

    - Advertisement -

    આ મામલે રાજસ્થાન સરકારના મંત્રી મહેશ જોશીએ ઇન્ડિયા ટૂડે સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, “મને જણાવવામાં આવ્યું છે કે દિલ્હી પોલીસ જયપુર પહોંચી છે. કાયદાનું પાલન થવું જ જોઈએ અને સત્ય બહાર આવવું જ જોઈએ. પરંતુ આમાં મીડિયા ટ્રાયલને સ્થાન ન હોવું જોઈએ. તેમણે દાવો કરતા કહ્યું કે દિલ્હી પોલીસે તેમનો સંપર્ક કર્યો નથી અને જો કરશે તો તેઓ બળાત્કાર કેસની તપાસમાં મદદ કરશે. જોકે, તેમનો પુત્ર જયપુરમાં છે કે નહીં તે અંગે તેમણે કંઈ જણાવ્યું ન હતું. 

    જોકે, આ સમગ્ર બાબતમાં કોંગ્રેસના મંત્રી ઉદયપુરમાં બેસીને તપાસમાં મદદરૂપ થવાની તૈયારી બતાવે એ હકીકત હાસ્યાસ્પદ છે. ઉપરાંત તે કોંગ્રેસ ઈકોસિસ્ટમ અને તેની માનસિકતા વિશે પણ ઘણું બધું કહી જાય છે. એક તરફ કોંગ્રેસના મંત્રીના પુત્ર પર બળાત્કાર જેવા ગંભીર ગુનાનો આરોપ લાગ્યો છે અને બીજી તરફ અનેક વખત મહિલાઓ અંગે વિવાદાસ્પદ ટિપ્પણીના કારણે વિવાદોમાં રહેલી પાર્ટીના સભ્ય તેના પિતા બેફિકર જણાઈ રહ્યા છે અને તપાસને પ્રાધાન્ય આપવાને બદલે કે તેમના રેપ કેસના આરોપી પુત્રને શોધવામાં મદદ કરવાને બદલે કોંગ્રેસ નેતા પાર્ટી દ્વારા આયોજિત ત્રણ દિવસીય કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગયા છે. 

    પ્રિયંકા ગાંધીનું લડકી હૂં, લડ સકતી હૂં અભિયાન 

    પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને તેમના બહેન અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અનેક વખત મહિલા સશક્તિકરણ પર ભાષણો આપી ચૂક્યા છે. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન પ્રિયંકા ગાંધી વાડ્રાએ મહિલા સશક્તિકરણ મુદ્દે ચૂંટણી લડવા માટે ‘લડકી હૂં, લડ સકતી હૂં’ અભિયાન પણ લૉન્ચ કર્યું હતું. 

    જોકે, ઉત્તર પ્રદેશ મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ અને પ્રિયંકા ગાંધીના આ અભિયાનનો મુખ્ય ચહેરો રહેલા ડૉ. પ્રિયંકા મૌર્યએ પણ પ્રિયંકા ગાંધીના આ અભિયાનને એક દેખાડો ગણાવ્યું હતું. તેમણે કોંગ્રેસ પાર્ટીને મહિલા વિરોધી અને ઓબીસી વિરોધી ગણાવીને કહ્યું હતું કે, આ અભિયાન તેમની પાર્ટી દ્વારા તેમને આપવામાં આવેલ એક લૉલીપૉપથી વિશેષ કંઈ ન હતું. 

    કોંગ્રેસ અને મહિલા સશક્તિકરણના દેખાડા 

    એક તરફ કોંગ્રેસ પાર્ટી મહિલા સશક્તિકરણની વાતો કરતી રહે છે પરંતુ બીજી તરફ પાર્ટીએ મહિલાઓનું અપમાન કર્યું હોય તેવા અનેક કિસ્સાઓ છાશવારે બહાર આવતા રહે છે. ગત વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે હરિયાણા કોંગ્રેસ નેતા ભુપિન્દર સિંઘ હુડ્ડાની આગેવાનીમાં રાજ્ય સરકારના વિરોધમાં એક માર્ચ યોજાઈ હતી. આ ‘ટ્રેકટર માર્ચ’માં મહિલા કોંગ્રેસ નેતાઓ જાતે ટ્રેકટર ખેંચતા દેખાયા હતા. 

    થોડા વર્ષો અગાઉ, કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંઘે મધ્યપ્રદેશ કોંગ્રેસના પાર્ટી સેક્રેટરી મીનાક્ષી નટરાજનના વખાણ કરતી વખતે તેમના માટે ક્ષોભજનક અને બીભત્સ શબ્દો વાપર્યા હતા. ઉપરાંત, અનેક વખત તેઓ ભાજપ નેતા સ્મૃતિ ઈરાની માટે પણ મહિલા વિરોધી અને અશોભનીય શબ્દો વાપરી ચૂક્યા છે. 

    મહિલાઓ અંગે ટિપ્પણી કરવામાં રાહુલ ગાંધી પણ પાછળ રહ્યા નથી. એકવાર તેમણે ટિપ્પણી કરતા કહ્યું હતું કે, શું તમે ક્યારેય RSS માં કામ કરતી મહિલાઓને ટૂંકા વસ્ત્રો પહેરતી જોઈ છે? તદુપરાંત, 2019 લોકસભા ચૂંટણી પહેલાં રાહુલ ગાંધીએ રાજસ્થાનમાં એક ખેડૂત રેલી સંબોધતા કહ્યું હતું કે, “56 ઇંચની છાતીની વાતો કરતા વડાપ્રધાન જનતાની અદાલતમાં (સંસદમાં) જતા નથી. અમે રક્ષામંત્રીના ભાષણનો વિરોધ કર્યો તો 56 ઇંચની છાતીવાળા વડાપ્રધાને પોતાનો બચાવ કરવા માટે એક મહિલાને આગળ ધરી દીધા.”

    એક મહિલાએ આપેલા જવાબનું રાહુલ ગાંધીને એવું દુઃખ પહોંચ્યું હતું કે તેમણે સ્વતંત્ર ભારતના પહેલા મહિલા રક્ષામંત્રી નિર્મલા સીતારમણને માત્ર એક ‘મહિલા’ ગણાવીને તેમનું અપમાન કર્યું હતું. એક તરફ રાહુલ ગાંધી પોતે જ નિવેદન આપી ચૂક્યા છે કે, “ભાજપની વિચારસરણી છે કે, જ્યાં સુધી મહિલા કંઈ બોલે નહીં ત્યાં સુધી ઠીક છે, જેવી એ અવાજ ઉઠાવે કે તેને ચૂપ કરાવો.” પરંતુ હવે જ્યારે એક મહિલાએ તેમને જવાબો આપ્યા તો રાહુલ પરેશાન થઇ ગયા હતા.

    વધુ એક કિસ્સામાં, ગત વર્ષે ડિસેમ્બરમાં કોંગ્રેસે યૌન ઉત્પીડનના આરોપી કોંગ્રેસ કાર્યકર્તા રણજિત મુખર્જીને બહાલ કરીને ત્રણ રાજ્યો ત્રિપુરા, નાગાલેન્ડ અને સિક્કિમના સચિવ બનાવી દીધા હતા. 

    કોંગ્રેસ અને મહિલાઓ સાથે થતા ગુનાઓ પર થતું રાજકારણ 

    ટૂંકમાં પાર્ટીને બળાત્કાર પીડિતો પ્રત્યે પણ બહુ સહાનુભૂતિ નથી. અમુક જ મામલાનો વિરોધ કરવો અને અમુકમાં ચૂપ રહેવાની તેમની માનસિકતા પ્રજાથી છુપી રહી નથી. 

    ઉત્તરપ્રદેશના બે કમનસીબ બનાવો હાથરસ અને લખીમપુર મામલે પણ કોંગ્રેસે રાજકીય ફાયદો મેળવવાના ખૂબ પ્રયત્નો કર્યા હતા. રાહુલ અને પ્રિયંકા ગાંધીએ મીડિયામાં પ્રસારિત કરવા માટે પીડિતો સાથે ફોટા પડાવવાની એકેય તક જતી કરી ન હતી. યુપી ચૂંટણી પહેલાં પ્રિયંકા ગાંધી વાડ્રાની સોશિયલ મીડિયા ટાઈમલાઈન આવાં જ રાજકીય ગતકડાંથી ભરેલી હતી. 

    બીજી તરફ, તેમની પાર્ટી દ્વારા જ શાસિત રાજસ્થાનમાં વધતા જતા ક્રાઇમ રેટને પાર્ટી સતત નજરઅંદાજ કરતી આવી છે. નવેમ્બર 2021માં ઑપઇન્ડિયાએ કોંગ્રેસ શાસિત રાજ્ય રાજસ્થાનમાં મહિલાઓ સાથે થયેલા દુષ્કર્મો અને અન્ય ગુનાઓ અંગે વિગતો પ્રસારિત કરી હતી. પરંતુ ઉત્તર પ્રદેશની દુઃખદ ઘટનાઓમાં રાજકારણ રમવામાં વ્યસ્ત થઇ ગયેલા રાહુલ અને પ્રિયંકા ગાંધીએ એ તરફ ધ્યાન પણ આપ્યું ન હતું.. 

    એ વાત પણ બહુ દુર્ભાગ્યપૂર્ણ છે કે કોંગ્રેસ નેતાઓએ ન માત્ર મહિલાઓ સાથે થઇ રહેલા ગુનાઓને નજરઅંદાજ કર્યા છે, પરંતુ કેટલાકે તેની ઉપર ગર્વ પણ લીધો છે. આ જ વર્ષે માર્ચ મહિનામાં વિધાનસભામાં સંબોધન કરતી વખતે સંસદીય કાર્ય મંત્રી શાંતિ ધારીવાલ કહ્યું કે, રાજસ્થાન રેપ કેસમાં પહેલા નંબરે છે કારણ કે આ હંમેશા મર્દોનું ક્ષેત્ર રહ્યું છે. એટલું જ નહીં, યૌન ઉત્પીડન પર ધારીવાલની આ ટિપ્પણી પર તેમના સાથી કોંગ્રેસ સભ્યો હાંસી ઉડાવી રહ્યા હતા અને કોઈએ તેમનો વિરોધ પણ કર્યો ન હતો. 

    રાજસ્થાન સરકારના મંત્રીના પુત્ર પર 23 વર્ષીય મહિલાના ગંભીર આરોપો 

    પીડિતાએ ફરિયાદમાં કહ્યું કે, તેઓ બે વર્ષ પહેલાં ફેસબુક થકી મિત્રો બન્યાં હતાં. જે બાદ આરોપીએ લગ્નની લાલચ આપીને પીડિતા સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાએ ફરિયાદમાં આરોપીએ તેની ઉપર હુમલો કર્યો હોવાનું અને તે ગર્ભવતી બની ગઈ ત્યારે ગર્ભપાત કરાવવા માટે દબાણ કર્યું હોવાનું જણાવ્યું હતું. 

    ​​પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું કે, ગત આઠ જાન્યુઆરીએ રોહિત તેને સવાઈ માધોપુર ખાતે તેના એક મિત્રના ઘરે લઇ ગયો હતો. ત્યાં તેણે પીડિતાને માદક દ્રવ્યો પીવડાવી બળાત્કાર કર્યો હતો અને જ્યારે એ બેભાન થઇ ગઈ હતી ત્યારે તેની નગ્ન તસવીરો લઇ લીધી હતી.

    પીડિતાની ફરિયાદના આધારે 9 મૅના રોજ આ મામલે ગુનો નોંધવામાં આવ્યો હતો. રોહિત જોશી વિરુદ્ધ રેપ, અપ્રાકૃતિક સૅક્સ, મારપીટ અને બ્લૅકમેલિંગ સહિતના આરોપસર સાત ધારાઓ હેઠ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં