કોંગ્રેસ નેતા મણિશંકર ઐયરે ફરી એકવાર ભારત વિરોધી નિવેદનો આપીને પાકિસ્તાનની પ્રશંસા કરી છે. કોંગ્રેસ નેતા એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે પાકિસ્તાનમાં સ્થિત લાહોર ગયા હતા. જ્યાં તેમણે પાકિસ્તાનની ભરપૂર પ્રશંસા કરી હતી. સાથે તેમણે ભારત વિરોધી નિવેદન પણ આપ્યા હતા. એ ઉપરાંત તેમણે વડાપ્રધાન મોદીની પણ ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભારત પાસે સર્જીકલ સ્ટ્રાઈક કરવાની હિંમત છે, પણ બેસીને વાત કરવાની હિંમત નથી. આ ઉપરાંત તેમનો પાકિસ્તાન પ્રેમ પણ ઝળકીને બહાર આવ્યો હતો. તેઓ પાકિસ્તાનની આગતા-સ્વાગતાથી ઓળઘોળ થઈ ગયા હતા.
રવિવાર (11 ફેબ્રુઆરી) કોંગ્રેસ નેતા મણિશંકર ઐયર પાકિસ્તાન પહોંચ્યા હતા. જ્યાં તેમણે લાહોરના અલહમરામાં ફૈઝ મહોત્સવમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે ત્યાં સંબોધન પણ કર્યું હતું. મણિશંકર ઐય્યરે સંબોધન દરમિયાન પાકિસ્તાનની ભરપૂર પ્રશંસા કરી હતી. બીજી તરફ તેમણે વડાપ્રધાન મોદી અને ભારતની ટીકા પણ કરી હતી. સાથે તેમણે પાકિસ્તાનીઓને ભારતની સૌથી મોટી સંપતિ ગણાવી હતી. તેમણે સંબોધનમાં કહ્યું કે, “મારા અનુભવથી પાકિસ્તાની એવા લોકો છે, જે કદાચ બીજા પક્ષ પર જરૂરતથી વધુ પ્રતિક્રિયા કરે છે. જો આપણે મૈત્રીપૂર્ણ હશું તો તેઓ પણ દોસ્તાના હશે. જો આપણે તેના દુશ્મન બનશુ તો તેઓ પણ ગાઢ દુશ્મન બનશે.”
પાકિસ્તાનના આતિથ્યની પ્રશંસા કરતાં મણિશંકર ઐયરે કહ્યું કે, “હું ક્યારેય એવા દેશમાં નથી ગયો જ્યાં મારુ આવી રીતે ખુલ્લા હાથે સ્વાગત કરવામાં આવ્યું હોય જેવી રીતે પાકિસ્તાનમાં થયું. આવું સ્વાગત ક્યાંય નથી જોયું.” પાકિસ્તાની અખબાર ડૉન અનુસાર, મણિશંકરે પાકિસ્તાન સાથે વાતચીત નહીં કરવાને વડાપ્રધાન મોદીની ‘સૌથી મોટી ભૂલ’ ગણાવી હતી.
‘ભારત પાસે વાત કરવાની હિંમત નથી’- ઐયર
મણિશંકર ઐયરે વધુમાં કહ્યું કે, “છેલ્લા 10 વર્ષોમાં અમે જે સૌથી મોટી ભૂલ કરી છે તે પાકિસ્તાન સાથે વાતચીત કરવાનો ઇનકાર છે. ભારત પાસે તમારી વિરુદ્ધ સર્જીકલ સ્ટ્રાઈક કરવાની હિંમત છે. પરંતુ અમારી સાથે બેસીને વાત કરવાની હિંમત નથી.” જોકે, આ પહેલીવાર નથી કે મણિશંકર ઐયરનો પાકિસ્તાન પ્રત્યેનો પ્રેમ ઝળકયો હોય. ઓગસ્ટ, 2023માં તેમણે કહ્યું હતું કે, “વડાપ્રધાન મોદી પહેલાં દરેક પ્રધાનમંત્રીએ પાકિસ્તાન સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હવે તો તે સદંતર બંધ છે.”
તેમણે કહ્યું કે, જ્યારે તેઓ કરાચીમાં કોન્સ્યુલ જનરલ તરીકે હતા, ત્યારે દરેક પાકિસ્તાની તેમની અને તેમના પત્નીની સંભાળ રાખતા હતા. તેમણે ઉમેર્યું કે, તેમના પુસ્તક ‘મેમોયર્સ ઓફ અ મેવરિક’માં તેમણે આવી ઘટનાઓ વિશે લખ્યું છે, જે પાકિસ્તાનને ભારતીયોની કલ્પના કરતાં સંપૂર્ણપણે અલગ દેશ તરીકે દર્શાવે છે. ઐયરે કહ્યું કે, “પાકિસ્તાન પ્રત્યે સદભાવનાની જરૂર હતી, પરંતુ 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પહેલીવાર સરકાર બની ત્યારથી છેલ્લા 10 વર્ષમાં સદભાવનાને બદલે વિપરીત પરિસ્થિતિ સર્જાઈ છે.”