તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિનના સનાતન ધર્મ વિશેના આપત્તિજનક નિવેદનને લઈને ભારે વિવાદ સર્જાયો છે. બીજી તરફ, કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમે પણ સનાતન ધર્મ પર ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે, સનાતન બીજું કંઈ નથી પરંતુ જાતિઓના ભાગલા આધારિત સમાજ છે.
ઉદયનિધિની ટિપ્પણીઓને લઈને ચાલતા વિવાદ વચ્ચે કાર્તિ ચિદમ્બરમે X (અગાઉનું ટ્વિટર) પર પોસ્ટ કરીને લખ્યું, ‘સનાતન ધર્મ જાતિઓના વિભાજન માટેના નિયમો વિવાય કશું જ નથી. તેની વકાલત કરનારા તમામ આ જૂના દિવસો માટે ઉત્સુક હોય છે. જાતિ ભારત માટે અભિશાપ છે.’ આગળ અન્ય એક ટ્વિટમાં કહ્યું કે, તમિલનાડુમાં સામાન્ય વ્યવહારમાં ‘સનાતન ધર્મ’નો અર્થ જાતિ આધારિત સમાજ છે. એવું શા માટે છે કે જેઓ સનાતનની વકીલાત કરે છે તેઓ વિશેષાધિકાર પ્રાપ્ત વર્ગમાંથી આવે છે અને આ જ પ્રણાલીના લાભાર્થીઓ છે. કોઈની વિરુદ્ધ કોઈ નરસંહારનું આહવાન કરવામાં આવ્યું ન હતું આ એક ગેરમાર્ગે દોરવા થયેલી વાત છે.
In the common parlance of TN “ Sanathana Dharma” means Caste Hierarchical Society. Why is that everyone who is batting for “SD” comes from the privileged segment who are beneficiaries of the “Hierarchy” There was no call for “Genocide” against anyone, this is a mischievous spin.
— Karti P Chidambaram (@KartiPC) September 3, 2023
ઉલ્લેખનીય છે કે કાર્તિ ચિદમ્બરમ એ જ નેતા છે જેમની ઉપર ભ્રષ્ટાચારના અનેક કેસ નોંધાયેલા છે. ઇડીએ ઓક્ટોબર, 2019માં તેમની ધરપકડ પણ કરી હતી. તેમની ઉપર પિતા ચિદમ્બરમના મંત્રી રહેતાં અનેક કંપનીઓ પાસેથી પૈસા લઈને તેમને ફાયદા પહોંચાડવાનો આરોપ છે. આરોપ છે કે વર્ષ 2007માં INX મીડિયા સમૂહને 305 કરોડનું વિદેશી નાણું પ્રાપ્ત કરવા માટે FIPBની મંજૂરી આપવામાં આવી હતી, જેમાં અનિયમિતતા દાખવવામાં આવી હતી. જેનો આરોપ ચિદમ્બરમ પર છે. CBIએ આ મામલે 15 મે, 2017ના રોજ FIR દાખલ કરી હતી. ત્યારબાદ 2017માં જ ઇડીએ આ મામલે મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો.
એ પણ નોંધવું જોઈએ કે આ જ કાર્તિ ચિદમ્બરમ સપ્ટેમ્બર, 2021માં જ્યારે કાશ્મીર ગયા તો ત્યાં હઝરતબલ દરગાહ પહોંચીને સજદા કર્યા હતા. જેનો ફોટો પણ ટ્વિટર પર પોસ્ટ કર્યો હતો અને સાથે લખ્યું હતું કે, કાશ્મીરમાં ‘હઝરતબલ’માં શુક્રવારની નમાઝ અદા કરી. કહેવાય છે કે ઇસ્લામના પયગમ્બર મોહમ્મદની દાઢીનો વાળ અહીં રાખવામાં આવ્યો છે. 1963-64માં અહીં મૂ-એ-મુકદ્દસ (પયગમ્બરની દાઢીનો વાળ) ચોરી થઇ ગયો હતો, જોકે પછીથી રહસ્યમય રીતે મળી પણ ગયો. ત્યારથી આ દરગાહ ચર્ચિત થઇ ગઈ.