Sunday, May 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકોંગ્રેસના દિગ્વિજય સિંહ અને દિલ્હી યુથ કોંગ્રેસે લોચા માર્યા, ટ્વિટર પર ‘હેપ્પી’...

    કોંગ્રેસના દિગ્વિજય સિંહ અને દિલ્હી યુથ કોંગ્રેસે લોચા માર્યા, ટ્વિટર પર ‘હેપ્પી’ ગુડ ફ્રાઈડેની શુભેચ્છાઓ આપી: જાણીએ કેમ આ દિવસે આવી શુભેચ્છા અપાતી નથી

    કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે એક તસ્વીર પોસ્ટ કરીને ‘હેપ્પી ગુડ ફ્રાઈડે’ લખી દીધું હતું. સાથે લખ્યું કે, આ પવિત્ર દિવસ આપણા સૌના જીવનમાં ખુશી અને સમૃદ્ધિ લાવે તેવી પ્રાર્થના. જોકે, પછીથી તેમણે ટ્વિટ ડિલીટ કરી દીધું હતું.

    - Advertisement -

    નેતાઓ ટ્વિટર ઉપર ક્યારેક એવી ભૂલો કરી નાંખે છે જેનાથી ભારે ફજેતી થઇ જતી હોય છે. તાજેતરના કિસ્સામાં કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ અને દિલ્હી યુથ કોંગ્રેસ સાથે આવું બન્યું. આજે ખ્રિસ્તીઓનો તહેવાર ‘ગુડ ફ્રાઈડે’ છે. જેની શુભકામનાઓ આપવા માટે કોંગ્રેસ નેતા અને પાર્ટીના હેન્ડલ ટ્વિટ્સ કર્યાં હતાં, પરંતુ તેમાં ગડબડ કરી નાંખી હતી. 

    કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે એક તસ્વીર પોસ્ટ કરીને ‘હેપ્પી ગુડ ફ્રાઈડે’ લખી દીધું હતું. સાથે લખ્યું કે, આ પવિત્ર દિવસ આપણા સૌના જીવનમાં ખુશી અને સમૃદ્ધિ લાવે તેવી પ્રાર્થના. જોકે, પછીથી તેમણે ટ્વિટ ડિલીટ કરી દીધું હતું.

    દિગ્વિજય સિંહનું ડિલીટ થયેલું ટ્વિટ

    ત્યારબાદ દિલ્હી યુથ કોંગ્રેસે આવું જ એક ટ્વિટ કર્યું. પાર્ટીના ટ્વિટર હેન્ડલ પરથી પણ એક તસ્વીર પોસ્ટ કરીને લખવામાં આવ્યું- ‘Happy Good Friday.’

    - Advertisement -
    દિલ્હી યુથ વિંગનું ડિલીટ થયેલું ટ્વિટ

    કોંગ્રેસે આ પોસ્ટ્સ કરવા પહેલાં થોડું ઘણું પણ સંશોધન કરીને જાણી લીધું હોત તો લોકોમાં ફજેતી થતી બચી જાત. કારણ કે ‘ગુડ ફ્રાઈડે’ કોઈ ઉજવણી કરવાનો દિવસ નથી કે તેમાં ‘Happy’ જેવું કશું જ નથી. ખરેખર તો આ ખ્રિસ્તીઓ માટે શોક પાળવાનો દિવસ છે. 

    શું છે ગુડ ફ્રાઈડેનું મહત્વ?

    ઈસ્ટર પહેલાંના શુક્રવારને દર વર્ષે ‘ગુડ ફ્રાઈડે’ તરીકે મનાવવામાં આવે છે. માનવામાં આવે છે કે આ દિવસે જ ઈસુ ખ્રિસ્તને શૂળી પર ચડાવવામાં આવ્યા હતા. જેથી આ દિવસ કોઈ ઉજવણી નહીં પરંતુ શોકનો દિવસ છે. તેને ‘હોલી ફ્રાઈડે’ કે ‘બ્લેક ફ્રાઈડે’ પણ કહેવાય છે. 

    ઈસુ ખ્રિસ્તના પોતે ઈશ્વરના પુત્ર હોવાના દાવાના કારણે તેમની ઉપર ઇશનિંદાનો આરોપ લગાવવામાં આવ્યો હતો અને તેમના આ દાવાથી નારાજ થઈને યહૂદી ધર્મસંસ્થાઓએ તેમને રોમનોને સોંપી દીધા હતા. ત્યારબાદ રોમના ગવર્નરે તેમને શૂળી પર ચડાવવાનો આદેશ આપ્યો હતો. પછીથી ઈસુને પકડી લેવામાં આવ્યા અને શૂળી પર ચડાવાયા હતા. 

    જેથી આ દિવસે ખ્રિસ્તીઓ ઈસુ ખ્રિસ્તના બલિદાનને અને તેમણે સહન કરેલી પીડાઓ અને તેમનાં કષ્ટોને યાદ કરી તેમનું સન્માન કરે છે. 

    આ દિવસને ‘ગુડ ફ્રાઈડે’ કેમ કહેવાય તે પાછળનું કારણ એવું માનવામાં આવે છે કે અંગ્રેજીમાં ‘ગોડ’ તરફ ઈશારો કરે છે જ્યારે એક માન્યતા એવી પણ છે કે તે ઈસુ ખ્રિસ્તના બલિદાનની સારી બાજુ (Goodness)ના સંદર્ભમાં વપરાય છે. 

    આ દિવસે ઘણા ખ્રિસ્તીઓ ઉપવાસ રાખે છે તો ચર્ચ અને ઘરોમાં સજાવટની ચીજવસ્તુઓને ઢાંકી દે છે. ઈસુ ખ્રિસ્ત પાસે તેમના ગુનાઓની માફી માંગે છે તેમજ તેમના અંતિમ સાત વાક્યોની ચર્ચા કરે છે, પરંતુ ‘હેપ્પી ગુડ ફ્રાઈડે’ કહેતા નથી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં