સુરત અને ઈન્દોર લોકસભા બેઠકો બાદ હવે ઓડિશાની પુરી લોકસભા બેઠક પર કોંગ્રેસ માટે મુશ્કેલી ઉભી થઈ છે. અહીંથી પાર્ટીનાં ઉમેદવાર સુચરિતા મોહંતીએ ફન્ડિંગની સમસ્યાનું કારણ ધરીને ટિકીટ પરત કરી દીધી છે. તેમણે પાર્ટી મહાસચિવ કે. સી વેણુગોપાલને પત્ર મોકલીને આ બાબતની જાણ કરી હતી. ભાજપ તરફથી અહીં પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા લડી રહ્યા છે.
કોંગ્રેસ મહાસચિવ કે. સી વેણુગોપાલને મોકલેલ પત્રમાં સુચરિતા મોહંતીએ જણાવ્યું કે, પાર્ટીએ ફન્ડિંગ માટે ના પાડી દીધી હોવાના કારણે પુરી લોકસભા બેઠક પર પ્રચારમાં અસર પડી રહી છે. AICCના ઓડિશા ઇન્ચાર્જ ડૉ. અજય કુમારજીએ મને મારી જાતે જ ફન્ડિંગ એકઠું કરવા માટે કહ્યું છે.” તેમણે આગળ કહ્યું કે, “હું એક પત્રકાર હતી અને 10 વર્ષ પહેલાં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. મેં પુરીમાં પ્રચાર કરતી વખતે બધું જ આપી દીધું છે અને લોકોનો સહયોગ લેવાના પણ પ્રયાસ કરી જોયા, પરંતુ સફળતા મળી રહી નથી. મેં કેમ્પેઈનનો ખર્ચ ઘટાડવાના પણ પ્રયાસ કર્યા છે.”
Congress’ puri candidate withdraws – says no money for funding polls given by party pic.twitter.com/d3g2PsBUaY
— pallavi ghosh (@_pallavighosh) May 4, 2024
તેમણે આગળ કહ્યું કે, “હું મારી જાતે ફંડ એકઠું કરી શકતી નથી અને પાર્ટીના શીર્ષ નેતૃત્વ સમક્ષ પણ રજૂઆતો કરી ચૂકી છું અને પુરીમાં અસરકારક પ્રચાર થઈ શકે તે માટે ફન્ડિંગ આપવાની વિનંતી કરી છે. સ્પષ્ટ છે કે ભંડોળના અભાવના કારણે જ પુરીમાં જીતથી અંતર વધતું ચાલ્યું છે. પાર્ટી ફન્ડિંગ વગર પુરીમાં પ્રચાર થઈ શકે તેમ નથી, જેથી હું કોંગ્રેસની ટીકિટ પરત કરી રહી છું.”
ઓડિશાની સ્થાનિક મીડિયા ચેનલ OTV સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, “પાર્ટી મને ફંડ આપી રહી નથી. વધુમાં મારી લોકસભા બેઠક હેઠળ આવતી સાત વિધાનસભામાં જાણીજોઈને નબળા ઉમેદવારો ઉતારવામાં આવ્યા છે. મેં ચાર બેઠકો પર ઉમેદવારો બદલવા માટે રજૂઆત પણ કરી હતી. પરંતુ પાર્ટીએ મને મારી રીતે જ ચૂંટણી લડવા કહ્યું છે, પરંતુ હું ફંડ વગર ચૂંટણી લડી શકું તેમ નથી.”
નોંધનીય છે કે ઓડિશામાં પુરી લોકસભા બેઠક અને તેની હેઠળ આવતી 7 લોકસભા સીટ પર 25 મેના રોજ મતદાન યોજાનાર છે. આ માટે ફોર્મ ભરવાની અંતિમ તિથિ 6 મે છે. એટલે કે હવે માત્ર 2 જ દિવસ રહ્યા છે. અહીંથી BJDના અરૂપ પટનાયક અને ભાજપના સંબિત પાત્રા ઉમેદવાર છે, જેઓ બંને ફોર્મ ભરી ચૂક્યા છે. કોંગ્રેસ ઉમેદવારે હજુ સુધી ફોર્મ ભર્યુ નથી.