પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં શરૂ થયેલી ‘ભારત જોડો યાત્રા’ માટે દાન ઉઘરાવવા ગયેલા કોંગ્રેસી કાર્યકરોએ ધીંગાણું કર્યું હોવાની જાણકારી મળી રહી છે. કેરળમાં એક શાકભાજીની દુકાને જઈ દાન માંગતા દુકાનદારે 500 રૂપિયા જ આપતાં ગુસ્સે થઇ ગયેલા કોંગ્રેસી કાર્યકરોએ તોડફોડ કરી હતી અને વેરવિખેર કરી નાંખ્યું હતું.
આ ઘટના કેરળના કોલ્લમ વિસ્તારની છે. અહીં કોંગ્રેસના કાર્યકરો પાર્ટીએ તાજેતરમાં જ શરૂ કરેલી ‘ભારત જોડો યાત્રા’ માટે દાન ઉઘરાવવા નીકળ્યા હતા. દરમિયાન કોલ્લમના એક શાકભાજી વેચતા વ્યક્તિ પાસે જઈને દાન માંગ્યું હતું. જે બાદ તેણે પાંચસો રૂપિયા આપ્યા હતા. જોકે, કોંગ્રેસી કાર્યકરોને આ રકમ ઓછી લાગતાં તેઓ ભૂરાયા થયા હતા અને ધમાલ શરૂ કરી દીધી હતી.
#DangaForDonation
— TIMES NOW (@TimesNow) September 16, 2022
As #BharatJodoYatra resumes today, #Congress activists attack shops in #Kollam over paltry donation, caught on camera threatening and assaulting vegetable vendor.@prathibhatweets and @anchoramitaw share details. pic.twitter.com/Ejrr3nu0II
આ ઘટનાના સામે આવેલ વિડીયોમાં કેટલાક માણસો એક દુકાનદાર સાથે દાનની બાબતમાં માથાકૂટ કરતા દેખાય છે. આ માણસો કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો હોવાનું જણાવવામાં આવ્યું છે.
ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીત કરતાં દુકાનના માલિક એસ ફવાઝે જણાવ્યું હતું કે, કોંગ્રેસી કાર્યકરોનું એક જૂથ દુકાનમાં આવ્યું અને ભારત જોડો યાત્રા માટે દાનની માંગણી કરી. મેં તેમને 500 રૂપિયા આપ્યા પરંતુ તેમણે 2 હજાર રૂપિયા માંગ્યા. ત્યારબાદ તેમણે વજન કાંટાને નુકસાન કર્યું અને શાકભાજી પણ ફેંકી દીધાં હતાં. જોકે, કેટલાક અહેવાલોમાં આ દુકાનદારનું નામ અનસ હોવાનું પણ કહેવાયું છે.
A group of Congress workers reached the shop and asked for donations for ‘Bharat Jodo Yatra’. I gave Rs 500 but they demanded Rs 2000. They damaged weighing machines, and threw away vegetables: S Fawaz, shop owner pic.twitter.com/Rmstle68DG
— ANI (@ANI) September 16, 2022
જોકે, કોંગ્રેસી કાર્યકરોએ શાકભાજીની દુકાને કરેલી ધમાલ બાદ તેમના આવા કૃત્યથી પાર્ટીએ કિનારો કરી લીધો છે અને સસ્પેન્ડ કરી દીધા છે. કોંગ્રેસે કહ્યું કે, આ કાર્યકરો તેમની વિચારધારા ધરાવતા નથી અને તેમનું કૃત્ય માફ કરી શકાય તેમ નથી. જોકે, કોંગ્રેસ નેતાએ દાન ઉઘરાવવાનું સમર્થન કર્યું હતું અને કોર્પોરેટ ડોનેશન સાથે સરખામણી કરીને કહ્યું કે તેઓ પણ સ્વૈચ્છિક દાન ઉઘરાવી રહ્યા છે.
કોંગ્રેસ પાર્ટીએ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ‘ભારત જોડો યાત્રા’ શરૂ કરી છે. જે દક્ષિણે કન્યાકુમારીથી નીકળીને ઉત્તરમાં કાશ્મીરના શ્રીનગર સુધી જશે. 150 દિવસની આ યાત્રા દરમિયાન કોંગ્રેસ નેતાઓ પગપાળા યાત્રા કરી રહ્યા છે. અત્યાર સુધી તો રાહુલ ગાંધી પણ તેમની સાથે જોડાયા છે. દરરોજ તેઓ બે જૂથમાં વહેંચાઈને થોડું-થોડું અંતર કાપે છે.
આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધી અને તેમના સાથી કોંગ્રેસ નેતાઓ-કાર્યકરોના રાત્રિરોકાણ માટે કન્ટેનરોની સુવિધા છે. જોકે, આ કન્ટેનરો સામાન્ય કન્ટેનરો નથી. તેમાં એસી, બેડ, સોફા સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. આવાં કુલ 59 કન્ટેનરોમાં 118 કોંગ્રેસી કાર્યકરો રહે છે.