Thursday, March 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતા હવે કોંગ્રેસ મંદિરો તરફ ભાગી: આ પહેલા...

    ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતા હવે કોંગ્રેસ મંદિરો તરફ ભાગી: આ પહેલા પણ અનેક ચૂંટણીઓ પહેલા કોંગ્રેસ દ્વારા સોફ્ટ હિંદુત્વનું કાર્ડ ખેલાયું છે

    ગુજરાતનાં શહેરોમાં મજબૂત થવા માટે કોંગ્રેસે મંદિર, ભજન, સુંદરકાંડ, સત્યનારાયણની કથા, મહાઆરતી અને સંતો - મહંતોનું શરણ લેવાનું નક્કી કર્યું છે.

    - Advertisement -

    ગુજરાતમાં જેમ જેમ 2022ની વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ તમામ રાજકીય પક્ષો પોતાની રણનીતિ ઘડી રહ્યા છે. રાજ્યમાં કોંગ્રેસ છેલ્લા 27 વર્ષથી સત્તાથી દૂર છે જે હવે સત્તા મેળવવા અધીરી બની છે અને દર ચૂંટણીની જેમ આ વખતે પણ સોફ્ટ હિંદુત્વવાળા મંદિર પોલિટિક્સ તરફ વળી છે.

    ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં શહેરી વિસ્તારની અલગથી અને આક્રમક રણનીતિ ઘડવા રાહુલ ગાંધીએ ગુજરાતનાં નેતાઓને સૂચન કરેલ હતું. જેના સંદર્ભે ગુજરાત કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે શુક્રવારે 8 મહાનગરોના 250 જેટલા આગેવાનો સાથે મંથન કર્યું હતું. આ મંથનમાં શહેરી લોકોમાં કોંગ્રેસની છાપ સુધારવા અંગે ચર્ચા થઈ હતી કારણકે, શહેરી વિસ્તારના લોકોમાં એવી માન્યતા છે કે ભાજપ એટલે હિંદુત્વવાદી પાર્ટી અને કોંગ્રેસ એટલે ઇસ્લામવાદી પાર્ટી, આ માન્યતાના કારણે કોંગ્રેસને શહેરી અને અર્ધશહેરી વિસ્તારમાં નુકશાન થઈ રહ્યું છે. સૌ પ્રથમ કોંગ્રેસની આ છાપ સુધારવી અત્યંત આવશ્યક છે તે વાત ઉપર બેઠકમાં ઉપસ્થિત મોટાભાગના આગેવાનોએ સુર વ્યક્ત કર્યો હતો.

    ગુજરાતનાં શહેરોમાં મજબૂત થવા માટે કોંગ્રેસે મંદિર, ભજન, સુંદરકાંડ, સત્યનારાયણની કથા, મહાઆરતી અને સંતો – મહંતોનું શરણ લેવાનું નક્કી કર્યું છે. 27 મેં શુક્રવારના રોજ  8 મહાનગરોના આગેવાનો સાથેની ચર્ચામાં શહેરી વિસ્તારની અંદર મજબૂત થવા માટે કોંગ્રેસના આગેવાનોએ મંદિરે જવાનું વધારવાનું નક્કી કર્યું છે. આ ઉપરાંત જ્યારે કોંગ્રેસના આગેવાનો મંદિર અને સંતોને મળે ત્યારે સામાન્ય જનતા પણ સાથે હોય તે પ્રકારના આયોજનો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમ 2017ની ચૂંટણી સમયે રાહુલ ગાંધી મંદિરે મંદિરે દર્શન કરવા ગયા હતા તેમ કોંગ્રેસના આગેવાનો આવનારા સમયમાં 8 મહાનગરોમાં મંદિરે મંદિરે ફરશે.

    - Advertisement -

    આ બેઠકમાં ચર્ચા કરવામાં આવેલા મુદ્દાઓ અનુસાર કોંગ્રેસ રાજ્યના 8  મહાનગરોના શહરોમાં આવેલા મંદિરોમાં મહાઆરતીનું આયોજન કરશે. શહેરી વિસ્તારમાં રહેતા નામાંકીત સંતો અને મહંતોની મુલાકાત કરશે, સાથે સત્યનારાયણની કથાઓનું આયોજન કરશે. ઉપરાંત જાહેરમાં – સોસાયટીઓમાં સુંદરકાંડના પાઠ કરશે. કોંગ્રેસ જાહેરમાં અને ખુલ્લી જગ્યામાં ભજનના કાર્યક્રમોનું આયોજન કરશે.

    2017 ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસનું મંદિર પોલિટિક્સ

    આ પહેલી વાર નથી કે ગુજરાત કોંગ્રેસે કોઈ ચૂંટણી પહેલા સોફ્ટ હિંદુત્વ કાર્ડ કાઢીને મંદિરોના પ્રવાસ શરૂ કર્યા હોય. ભૂતકાળમાં 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા પણ કોંગ્રેસે આ જ રીતે મંદિરોના પગથિયાં ગણવાનુ શરૂ કર્યું હતું. રાહુલ ગાંધીએ 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા મંદિર પોલિટિક્સ અંતર્ગત ગુજરાતમાં દ્વારકા મંદિરે માથું ટેકવીને પોતાની નવસર્જન યાત્રાની શરૂઆત કરી હતી. રાહુલે 4 વખત ગુજરાતનો પ્રવાસ ખેડ્યો હતો અને અંદાજે 20 મંદિરમાં દર્શન કર્યાં જેમાં દ્વારકા, ખોડલધામ, વિરપુર, ચોટીલા, દાસી જીવણ મંદિર, સંતરામ મંદિર, ડાકોર, ભાથીજી મહારાજ મંદિર, પાવાગઢ, ઉનાઈ માતા, અક્ષરધામ, બહુચરાજી વગેરેનો સમાવેશ થાય છે.

    2017ની ચૂંટણીનાં પ્રચાર વખતે સોમનાથ મંદિરમાં આશીર્વાદ લેતા રાહુલ ગાંધી (ફોટો: The Indian Express)

    2017ની વિધાનસભા ચૂંટણીમાં ભૂંડી હાર બાદ એ જ મંદિરો આ જ કોંગ્રેસનાં મોઢા જોવા માટે તરસતા હતા. હવે લાગે છે કે 5 વર્ષ બાદ હવે એ મંદિરોને કોંગ્રેસ નેતાઓના દર્શન થશે. હવે જોવાનું એ થાય છે કે આ વખતે કોંગ્રેસ સંગઠન અને રાહુલ ગાંધી ગુજરાતનાં કયા કયા મંદિરોમાં વોટ માટે દર્શને જાય છે.

    કોંગ્રેસ માટે ચૂંટણી સમયે ટેમ્પલ રન નવું નથી

    2018ની કર્ણાટક ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ ભરપૂર મંદિર પોલિટિક્સ રમયું હતું. પોતાના રાજકીય લાભ માટે રાહુલ ગાંધી કર્ણાટકના અનેક મંદિરોમાં અને ખાસ કરીને લિંગાયત મઠોમાં ફર્યા હતા. પરંતુ કર્ણાટકના હિન્દુઓ એમની વાતમાં આવ્યા ન હતા અને કોંગ્રેસને ત્યાં હારનો સામનો કરવો પડ્યો હતો.

    2018ની વિધાનસભા ચૂંટણી વખતે કર્ણાટકમાં ટેમ્પલ રન રમતા રાહુક ગાંધી (ફોટો: PTI)

    આ પહેલા પણ દરેક ચૂંટણી વખતે રાહુલ ગાંધીને પોતાનો ધર્મ હિન્દુ હોવાનું યાદ આવે છે અને મંદિર પોલિટિક્સ સાથે સાથે કોંગ્રેસ પાર્ટીએ ઓફિસિયલ સ્ટેટમેન્ટ આપીને જાહેર કરવું પડે છે કે રાહુલ ગાંધી માત્ર હિન્દુ નહીં પરંતુ જનેઉધારી હિન્દુ છે.

    નોંધનીય છે કે હવે મોટા ભાગના હિન્દુઓમાં સામાન્ય ભાવના એવી જાગી છે કે રાહુલ ગાંધી અને તેમની કોંગ્રેસ પાર્ટીને ચૂંટણીનાં સમયે જ મંદિરો અને હિન્દુ ધર્મની યાદ આવે છે. એ સિવાય તો એમણે લઘુમતીઓના તારણહાર બનીને ફરતા હોય છે. અને આ હાથીના દાંત જેવી કથની અને કરણીને કારણે જ હાલ દેશમાં અને ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીની સ્થિતિ આવી દયનીય થવા પામી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં