Sunday, April 21, 2024
More
  હોમપેજરાજકારણગઠબંધનની જાહેરાત બાદ પણ AAP-કોંગ્રેસ વચ્ચે ખટરાગ યથાવત: આમ આદમી પાર્ટીને I.N.D.I.Aમાં...

  ગઠબંધનની જાહેરાત બાદ પણ AAP-કોંગ્રેસ વચ્ચે ખટરાગ યથાવત: આમ આદમી પાર્ટીને I.N.D.I.Aમાં સામેલ કરવાને લઈને કોંગી નેતાએ કહ્યું- જંગલમાં શિયાળ પણ રહેતા હોય છે 

  આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આમ તો I.N.D.I.A ગઠબંધનનો ભાગ છે પરંતુ જે રીતે બંને પાર્ટીઓ વર્તન કરી રહી છે તેને જોતાં તેમની વચ્ચેનું આ ‘ગઠબંધન’ કેટલુંક ટકશે તે ચર્ચાનો વિષય છે.  

  - Advertisement -

  2024ની લોકસભા ચૂંટણીમાં PM મોદી અને ભાજપને હરાવવા માટે મોટા ઉપાડે ગઠબંધનની જાહેરાત કર્યા બાદ પણ વિપક્ષી પાર્ટીઓ વચ્ચે નાનાં-મોટાં શાબ્દિક યુદ્ધો ચાલુ જ રહ્યાં છે. અગાઉ કોંગ્રેસ અને TMC બાખડ્યાં હતાં તો હવે આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસના નેતાઓએ એકબીજા પર પ્રહારો કરવાના શરૂ કર્યા છે. 

  આમ આદમી પાર્ટીને I.N.D.I.A ગઠબંધનમાં સ્થાન આપવાને લઈને પૂછવામાં આવતાં દિલ્હી કોંગ્રેસના નેતા સંદીપ દીક્ષિતે AAPની સરખામણી શિયાળ સાથે કરી હતી. તેમણે કહ્યું, “જ્યારે મોટું ગઠબંધન થાય તો એમાં આવા બધા પણ જોડાય જતા હોય છે….જંગલમાં સિંહ રહે છે, હાથી રહે છે ત્યાં શિયાળ પણ રહે છે. બે-ચાર તો આવતા રહે છે, એમાં શું મોટી વાત છે. 

  ‘શું તેઓ આમ આદમી પાર્ટીની સરખામણી શિયાળ સાથે કરી રહ્યા છે?’ તેમ પૂછવામાં આવતાં કોંગ્રેસ નેતાએ કટાક્ષ કરતાં કહ્યું કે, “શિયાળ સાથે પણ નહીં કરીએ, તેઓ તો બિચારામાં ઘણી સારી ગુણવત્તાઓ હોય છે. તેનું પણ પ્રકૃતિમાં ઘણું યોગદાન હોય છે.”

  - Advertisement -

  ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રીએ પણ કેજરીવાલ સરકારની ફજેતી કરાવી હતી. તેઓ દિલ્હીના મહોલ્લા ક્લિનિકની મુલાકાતે ગયા હતા, જેને લઈને અરવિંદ કેજરીવાલ અને તેમના નેતાઓએ બહુ માહોલ બનાવવાના પ્રયાસ કર્યા હતા. કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું હતું કે, આ જ રીતે રાજ્ય સરકારોએ એકબીજા પાસેથી શીખવું જોઈએ. તેમના મંત્રી સૌરભ ભારદ્વાજે પણ ખૂબ વખાણ કર્યાં હતાં. પરંતુ મુલાકાત બાદ કર્ણાટકના કોંગ્રેસ નેતાએ એવું ટ્વિટ કર્યું કે આ બધા પર પાણી ફરી ગયું હતું. 

  કર્ણાટકના મંત્રી દિનેશ ગુંડુ રાવે ટ્વિટમાં કહ્યું હતું કે, મહોલ્લા ક્લિનિકમાં ઝાઝા માણસો ન હતા તેમજ વધુ સુવિધાઓ પણ ન હતી, જેનાથી વધુ સારી સુવિધાઓ તો કર્ણાટકમાં છે. તેમણે એમ પણ કહ્યું કે, દિલ્હીના મહોલ્લા ક્લિનિક ‘ઓવરહાઈપ્ડ’ છે અને તેમને આ મુલાકાતથી નિરાશા સાંપડી છે. 

  આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસ આમ તો I.N.D.I.A ગઠબંધનનો ભાગ છે પરંતુ જે રીતે બંને પાર્ટીઓ વર્તન કરી રહી છે તેને જોતાં તેમની વચ્ચેનું આ ‘ગઠબંધન’ કેટલુંક ટકશે તે ચર્ચાનો વિષય છે.  

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં