Monday, May 20, 2024
More
    હોમપેજદેશ‘પરિવારજનોના જીવનમાં આવેલો સકારાત્મક બદલાવ જ અમારી સૌથી મોટી ઉપલબ્ધિ’: PM મોદીએ...

    ‘પરિવારજનોના જીવનમાં આવેલો સકારાત્મક બદલાવ જ અમારી સૌથી મોટી ઉપલબ્ધિ’: PM મોદીએ દેશવાસીઓને લખ્યો પત્ર, કહ્યું- રાષ્ટ્રનિર્માણ માટે સતત પ્રયાસો ચાલુ રાખીશું, આ મોદીની ગેરેન્ટી છે

    PM મોદીએ પત્રમાં લખ્યું કે, "વિકસિત ભારતના નિર્માણ માટે જે સંકલ્પ સાથે દેશ આગળ વધી રહ્યો છે, તેની પૂર્તિમાં મને તમારા વિચારો, સૂચનો, સાથ અને સહકારની આવશ્યકતા છે. મને વિશ્વાસ છે કે, તમારો આશીર્વાદ અને સમર્થન અમને નિરંતર મળતા રહેશે. રાષ્ટ્રનિર્માણ માટે અમારા પ્રયાસો, અટક્યાં વિના, થાક્યા વિના, અવિરતપણે ચાલુ રહેશે. આ મોદીની ગેરંટી છે."

    - Advertisement -

    લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. તે પહેલાં ચૂંટણી અગાઉ PM મોદીએ દેશવાસીઓને સંબોધીને એક પત્ર લખ્યો છે. તેમણે લખેલા આ પત્રમાં દેશના કરોડો લોકોને પરિવારજનો તરીકે સંબોધિત કર્યા છે. આ ઉપરાંત દેસવાસીઓના સાથ-સહકાર અને વિશ્વાસ માટે તેમણે આભાર પણ પ્રગટ કર્યો છે. મોદી સરકારનો એક દાયકો પૂર્ણ થવા પર જે મહત્વના કાર્યો પૂર્ણ થયાં છે, તેનો ઉલ્લેખ પણ વડાપ્રધાને પોતાના પત્રમાં કર્યો છે.

    PM મોદીએ દેશવાસીઓના નામે એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે, “મારા 140 કરોડ પરિવારજનો સાથે વિશ્વાસ, સહયોગ અને સમર્થનથી જોડાયેલા આ મજબૂત સંબંધ મારા માટે કેટલા મહત્વના છે તેને શબ્દોમાં વર્ણન કરવા મારા માટે મુશ્કેલ છે.” તેમણે કહ્યું કે, “છેલ્લા 10 વર્ષોમાં મારા પરિવારજનોના જીવનમાં આવેલો બદલાવ જ અમારી સરકારની સૌથી મોટી મૂડી અને સૌથી મોટી ઉપલબ્ધિ છે.”

    વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને લખેલો પત્ર

    વડાપ્રધાન મોદીએ તેમના પત્રમાં લખ્યું કે, “આપણો સાથ હવે એક દાયકો પૂર્ણ કરવા જઈ રહ્યો છે. મારા પરિવારજનોના જીવનમાં આવેલા હકારાત્મક પરિવર્તન જ છેલ્લા 10 વર્ષોમાં અમારી સરકારની સૌથી મોટી મૂડી અને સૌથી મોટી ઉપલબ્ધિ છે. પોતાની દરેક નીતિ, નિર્ણયો દ્વારા ગરીબો, ખેડૂતો, યુવાનો અને મહિલાઓના જીવન સ્તરને સુધારવા અને તેમને સશક્ત બનાવવા માટે કૃતસંકલ્પિત સરકારે જે, પ્રામાણિક પ્રયાસો કર્યા છે, તેનાં સાર્થક પરિણામો આજે આપણી સામે છે.”

    - Advertisement -

    ‘તમારો ભરોસો, વિશ્વાસ મારી સાથે’

    PM મોદીએ પત્રમાં લખ્યું કે, “પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાકા મકાન, તમામ માટે વીજળી, પાણી, ગેસની વ્યવસ્થા, આયુષ્યમાન ભારત યોજના હેઠળ સારવારની વ્યવસ્થા, ખેડૂત ભાઈઓ-બહેનોને આર્થિક મદદ, માતૃ વંદના યોજના હેઠળ માતાઓ-બહેનોને સહાયતા, આવા અનેક પ્રયાસો માત્ર અને માત્ર એટલે ફળીભૂત થયા છે, કારણ કે તમારો ભરોસો, તમારો વિશ્વાસ મારી સાથે હતો.”

    છેલ્લા એક દાયકામાં આવ્યા પરિવર્તન

    વડાપ્રધાને પત્રમાં વધુમાં લખ્યું કે, “વિકાસ અને વિરાસતને સાથે લઈ આગળ વધતાં ભારતે છેલ્લા એક દાયકામાં જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અભૂતપૂર્વ નિર્માણ જોયાં તો બીજી તરફ આપણે આપણી સમૃદ્ધ સંસ્કૃતિ તથા રાષ્ટ્રીય ધરોહરોના પુનરુત્થાનના સાક્ષી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. આપણાં સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને પરંપરાને સાથે લઈને આગળ વધી રહેલા દેશ પ્રત્યે આજે દરેક દેશવાસીને ગર્વ છે.”

    તેમણે લખ્યું કે, “એ તમારો વિશ્વાસ અને સમર્થન જ હતું જે GST લાગુ કરવો, કલમ 370 દૂર કરવી, ત્રણ તલાક અંગે નવો કાયદો બનાવવો, સંસદમાં મહિલાઓ માટે નારી શક્તિ વંદન અધિનિયમ, નવા સંસદ ભવનનું નિર્માણ, આતંકવાદ તથા નક્સલવાદ સામે કઠોર કાર્યવાહી જેવા અનેક ઐતિહાસિક અને મોટા નિર્ણયો લેવાનું અમે ચૂક્યા નથી.”

    તેમણે ઉમેર્યું કે, “લોકતંત્રની સુંદરતા જનભાગીદારી અને જનસહયોગમાં છે. દેશહિત માટે મોટા નિર્ણયો લેવાની, મોટી યોજનાઓ બનાવી અને તેને વ્યવસ્થિત રીતે લાગુ કરવાની શક્તિ અને ઉર્જા મને તમારા વિશ્વાસ અને સહયોગથી જ પ્રાપ્ત થઈ છે. વિકસિત ભારતના નિર્માણ માટે જે સંકલ્પ સાથે દેશ આગળ વધી રહ્યો છે, તેની પૂર્તિમાં મને તમારા વિચારો, સૂચનો, સાથ અને સહકારની આવશ્યકતા છે. મને વિશ્વાસ છે કે, તમારો આશીર્વાદ અને સમર્થન અમને નિરંતર મળતા રહેશે. રાષ્ટ્રનિર્માણ માટે અમારા પ્રયાસો, અટક્યાં વિના, થાક્યા વિના, અવિરતપણે ચાલુ રહેશે. આ મોદીની ગેરંટી છે.”

    સાથે વડાપ્રધાન મોદીએ પત્રના અંતમાં દેશના કરોડો લોકોના ઉજ્જવળ ભવિષ્યની કામના પણ કરી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં