ઇસ્લામિક આતંકવાદની નગ્ન વાસ્તવિકતા ઉજાગર કરવાવાળી ફિલ્મ ’72 Hoorain’ તેનું ટીઝર આવ્યા બાદ સતત ચર્ચામાં છે. તેવામાં રિલીઝ પહેલા જ 72 Hoorain ફિલ્મના નિર્માતાઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદ કરનાર સૈયદ આરિફઅલીએ ફિલ્મ સાથે જોડાયેલા લોકો પર ઇસ્લામનું અપમાન કરવા, મુસ્લિમ સમુદાયની છબીને ખોટી રીતે દર્શાવવાના આરોપ લગાવ્યા છે.
સામે આવેલા મીડિયા અહેવાલો અનુસાર સૈયદ આરિફઅલી નામના વ્યક્તિએ મુંબઈના ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં 72 Hoorain ફિલ્મના નિર્માતાઓ અને ડાયરેક્ટર્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવડાવી છે. સૈયદ આરિફઅલીના વકીલ આસિફઅલી ખાન દેશમુખે ફરિયાદમાં જણાવ્યું છે કે, “ફિલ્મના ડાયરેક્ટર સંજય પૂરણ સિંહ ચૌહાણ તેમજ ફિલ્મ મેકર અશોક પંડિત, ગુલાબસિંહ તંવર, અનિરુધ્ધ તંવર અને કિરણ ડાગરે મારા અસીલ સૈયદ આરિફઅલી મહેમુદ અલીના ધર્મનું અપમાન કર્યું છે. આ કૃત્ય IPCની કલમ 153A, 153A, 1538, 295A, 298, 500, 505(2) અંતર્ગત આવે છે.”
Mumbai, Maharashtra | A man, Saiyad Arifali Mahemmodali files a complaint at Goregaon Police Station against the director and producer of the film, 72 Hoorain for "insulting and disrespecting his religion, promoting communal disharmony, discrimination, hatred and maligning the… pic.twitter.com/QgvfDcBX0u
— ANI (@ANI) July 4, 2023
વકીલે આગળ જણાવ્યું હતું કે, “ફિલ્મ ’72 હુરે’ સાંપ્રદાયિક વૈમનસ્ય, ભેદભાવ અને ઘૃણાને વેગ આપી રહી છે. આ ફિલ્મ મોટાપાયે સાર્વજનિકરૂપે મુસ્લિમ સમુદાયની છબીને ખરાબ ચીતરી રહી છે. ફિલ્મનો ઉદ્દેશ્ય ધાર્મિક દ્રષ્ટિકોણનો ઉપયોગ કરીને પ્રોપગેંડા ફેલાવી પૈસા કમાવાનો છે.”
ઉલ્લેખનીય છે કે ફિલ્મ ’72 Hoorain’ રિલીઝ થાય તે પહેલાથી જ વિવાદોમાં સપડાઈ છે. ફિલ્મના ડાયરેક્ટર સંજય પૂરણ સિંહ ચૌહાણને કટ્ટરપંથીઓ ગાળો આપી રહ્યા છે અને તેમની માતાનો બળાત્કાર કરવાની ધમકીઓ આપી રહ્યા છે. ઑપઇન્ડિયાએ આ મામલાને મોટાપાયે ઉઠાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ પહેલા ફિલ્મને લઈને અફવાહ ફેલાવવામાં આવી રહી હતી કે સેન્સર બોર્ડે ફિલ્મને સર્ટીફીકેટ આપવાની ના પાડી દીધી હતી. જોકે બાદમાં સેન્સર બોર્ડે પોતે નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે ફિલ્મ 72 હુરોને “A સર્ટીફીકેટ” આપવામાં આવ્યું છે.
નોંધનીય છે કે ફિલ્મ ’72 હુરે’ શુક્રવાર (7 જુલાઈ 2023)ના રોજ આખા દેશના સિનેમાઘરોમાં એક સાથે રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ IMDB પર 29.5% રેટિંગ સાથે મોસ્ટ અવેટેડ ફિલ્મોની સૂચિમાં ટોપ પર છે. રસપ્રદ વાત તો તે છે કે આ ફિલ્મે સન્ની દેઓલની આવનારી ફિલ્મ ‘ગદર-2’ ને પણ પાછળ છોડી દીધી છે.