Tuesday, September 10, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ65 લાખનું રોકાણ કરાવીને પૈસા પરત ન આપ્યા: ગુજરાતી ફિલ્મો ‘નાડીદોષ’ અને...

    65 લાખનું રોકાણ કરાવીને પૈસા પરત ન આપ્યા: ગુજરાતી ફિલ્મો ‘નાડીદોષ’ અને ‘રાડો’ના પ્રોડ્યુસર સામે છેતરપિંડીની ફરિયાદ, ત્રણની ધરપકડ

    સુરતની એક મહિલાએ શહેર ક્રાઇમ બ્રાન્ચમાં આ બાબતની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.

    - Advertisement -

    તાજેતરમાં જ રિલીઝ થયેલી ‘નાડીદોષ’ અને ‘રાડો’ જેવી ગુજરાતી ફિલ્મોના પ્રોડ્યુસર પ્રદીપ શુક્લા ઉર્ફે મુન્ના શુકુલની ધરપકડ કરવામાં આવી છે. તેમની અન્ય સાથીદારો સાથે મળીને કંપનીમાં મહિને 4 ટકા વ્યાજ આપવાનો વાયદો આપી લાખો રૂપિયાનું રોકાણ કરાવીને પછીથી મહિને પ્રોફિટ આપવાનું બંધ કરી રોકેલા પૈસા પણ પરત ન આપી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. 

    સુરતની એક મહિલાએ શહેર ક્રાઇમ બ્રાન્ચમાં આ બાબતની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. FIRની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. 

    FIR અનુસાર, ફરિયાદી મહિલાએ જણાવ્યું કે ચારેક વર્ષ પહેલાં કલ્પેશ પટેલ નામનો વ્યક્તિ તેમના સંપર્કમાં આવ્યો હતો અને તેણે મહિલાને ‘મની ફાઉન્ડર’ નામની કંપની વિશે જાણકારી આપી તેમાં રોકાણ કરવાથી મહિને 4થી 5 ટકા નફો મળવાની વાત કરી હતી. તેમણે રસ લેતાં કલ્પેશ પટેલે ઘરે આવી મહિલા અને તેમના ભત્રીજાને સ્કીમ વિશે સમજાવ્યું હતું અને વધુ વિગતો માટે વેસુ ખાતે આવેલ કંપનીની ઓફિસે સંપર્ક કરવા માટે કહ્યું હતું. 

    - Advertisement -

    ત્યારબાદ મહિલાએ ઓફિસે જઈને સંપર્ક કરતાં ત્યાં વિમલ પંચાલ અને મયુર નાવડિયા નામના શખ્સો સાથે તેમનો પરિચય થયો હતો. તેમણે શુકુલ ગ્રુપ ઑફ કંપની વિશે માહિતી આપતાં કહ્યું હતું કે તેની અલગ-અલગ કંપનીઓ પૈકીની શુકુલ વેલ્થ ક્રિએટર એલ. એલ પી કંપનીએ ‘મની ફાઉન્ડર’ નામની સ્કીમ લોકોના હિતમાં શરૂ કરી છે. તેમજ કંપનીના પ્રમુખ પ્રદીપ શુકલા (મુન્ના શુકુલ) છે અને તેઓ બંને કંપનીનું કામકાજ સંભાળે છે તેમ જણાવ્યું હતું. 

    આ બંનેએ મહિલા અને તેમના ભત્રીજાને PPT પ્રેઝેન્ટેશન આપી રોકાણ અંગે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે 1 યુનિટ એટલે 10 હજાર રૂપિયાનું રોકાણ ગણાશે અને જે યુનિટ ખરીદે તેની ઉપર 3 ટકા એન્ટ્રી ફી આપવાની રહેશે જે યુનિટ પરત લેવામાં આવે ત્યારે યુનિટ ખરીદેલ હોય તેના 3 ટકા બાદ કરીને આપવામાં આવશે. ઉપરાંત અનલોક યુનિટ અને લોક યુનિટની સિસ્ટમ સમજાવીને જેઓ 10 થી 100 યુનિટનું રોકાણ કરે તેમને વિદેશના હોલિડે પેકેજ આપવાની પણ વાતો કરી હતી. 

    મહિલા અનુસાર, તેમણે જાન્યુઆરી 2019માં 13 યુનિટ (1,30,000), ફેબ્રુઆરીમાં 4 યુનિટ (40,000) એપ્રિલમાં 3 યુનિટ (30,000) અને 5 યુનિટ (50,000) એમ કુલ અઢી લાખનું રોકાણ કર્યું હતું. 

    ત્યારબાદ કોરોના સમય સુધી ICICI બેન્કના એક અકાઉન્ટ પરથી ખાતામાં 4 ટકા લેખે પ્રોફિટ આપવામાં આવતો હતો પરંતુ માર્ચ 2020માં કંપનીએ મની ફાઉન્ડર સ્કીમ બંધ કરીને જુલાઈ 2020માં કંપની પ્રમુખ પ્રદીપ શુક્લા ઉર્ફે મુન્ના શુકુલ અને અન્યોએ મળીને મની ફાઉન્ડરને ડેઇલી ગેટ યુનિટ પ્લેનમાં ફેરવી નાંખ્યો હતો. 

    ત્યારબાદ મહિલાને બીજું રોકાણ કરવા માટે જણાવવામાં આવ્યું અને રોકાણકારો માટે ફેરફારો કરવામાં આવ્યા હોવાનું અને રોકાણની પદ્ધતિ બદલવામાં આવી હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ વળતરની લાલચે મહિલાએ સપ્ટેમ્બર 2020માં બીજા 8 યુનિટ એટલે કે 80 હજારનું રોકાણ કર્યું હતું. એમ કુલ 3 લાખ 39 હજારનું રોકાણ કરવામાં આવ્યું હતું. 

    ફેબ્રુઆરી 2021 સુધી રોકાણના 4થી 5 ટકા લેખે નફો આપવામાં આવ્યો અને બેન્ક ખાતામાં જમા થયો પરંતુ પછીથી સેબીએ કંપની પર દરોડા પાડીને અકાઉન્ટ સીલ કરી દીધાં હતાં અને પ્લાન પણ બંધ કરાવી દીધા હતા. આરોપ છે કે ત્યારબાદ કંપનીએ રોકાણકારોના પૈસા ચૂકવવાનું બંધ કરી દીધું હતું અને પૈસા પરત આપવાના ખોટા દિલાસા અપાતા રહેતા હતા. 

    આરોપ અનુસાર, પ્રદીપ શુક્લાએ અવારનવાર ઝૂમ મિટિંગ કરીને રોકાણકારોના પૈસા પરત આપવાની ખાતરી આપી હતી પરંતુ હજુ સુધી પૈસા પરત મળ્યા નથી. ફરિયાદી મહિલા અનુસાર, તેમના ઉપરાંત, તેમના ભત્રીજા, સબંધીઓ અને મિત્રો પાસેથી જુદા-જુદા તબક્કામાં કુલ 31 લાખ અને અન્ય લોકો મળીને કંપનીએ કુલ 65 લાખ રૂપિયાનું રોકાણ લીધું હતું, જેના પૈસા રોકાણકારો પરત મળ્યા ન હોવાનો આરોપ છે. 

    ફરિયાદના આધારે સુરત પોલીસે પ્રદીપ શુક્લા, દેવેશ તિવારી, ધનંજય બારડ અને સંદીપ પટેલ અને વિમલ પંચાલ, મયુર નાવડીયા અને હેપ્પી કાનાણી એમ સાત શખ્સો સામે આઇપીસી, જીપીએ અને વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરી ધરપકડ કરી લીધી હતી. 

    ઉલ્લેખનીય છે કે ગત વર્ષે રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મો ‘નાડીદોષ’ અને ‘રાડો’ના પ્રોડ્યુસરોમાંથી એક મુન્ના શુકુલ પણ છે. આ બંને ફિલ્મો ક્રિષ્નાદેવ યાજ્ઞિકે ડાયરેક્ટ કરી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં