Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅરવિંદ કેજરીવાલ અને મલ્લિકાર્જુન ખડગે સામે ફરિયાદ: રાષ્ટ્રપતિની જાતિનો ઉલ્લેખ કરીને ઉશ્કેરણીજનક...

    અરવિંદ કેજરીવાલ અને મલ્લિકાર્જુન ખડગે સામે ફરિયાદ: રાષ્ટ્રપતિની જાતિનો ઉલ્લેખ કરીને ઉશ્કેરણીજનક નિવેદનો આપવાનો આરોપ 

    ફરિયાદમાં કહેવામાં આવ્યું કે, નેતાઓએ વિવિધ સમુદાયો વચ્ચે દુશમનાવટ પેદા કરવાના એકમાત્ર ઉદ્દેશ્યથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની જાતિનો ઉલ્લેખ કરીને ભડકાઉ અને ઉશ્કેરણીજનક નિવેદનો આપ્યાં હતાં.

    - Advertisement -

    નવા સંસદ ભવનના ઉદ્ઘાટનને લઈને વિપક્ષો સતત વિરોધ કરી રહ્યા છે ત્યારે આ જ સંદર્ભનાં અમુક નિવેદનોને લઈને દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને અન્ય નેતાઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ સંસદ ભવન ઉદ્ઘાટન સંદર્ભે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની જાતિનો ઉલ્લેખ કરીને ઉશ્કેરણીજનક નિવેદનો આપવા બદલ કરવામાં આવી છે.

    આ ફરિયાદ સુપ્રીમ કોર્ટના એડવોકેટ વિનીત જિંદાલ દ્વારા દાખલ કરવામાં આવી છે. તેમણે સંસદ ભવનના ઉદ્ઘાટનને લઈને કેજરીવાલ, ખડગે અને અન્ય નેતાઓ પર સમુદાયો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવાનો અને પોતાના રાજકીય હેતુઓ પૂરા કરવા માટે ભારત સરકાર પ્રત્યે અવિશ્વાસ પેદા કરવાનો આરોપ મૂક્યો છે. આ ફરિયાદ કલમ 121,153A,505, અને 34 IPC હેઠળ દાખલ કરવામાં આવી છે.

    મલ્લિકાર્જુન ખડગે અને અરવિંદ કેજરીવાલની ટિપ્પણીઓને ટાંકીને ફરિયાદમાં કહેવામાં આવ્યું કે, તેમના સહિત અન્ય લોકોએ વિવિધ સમુદાયો વચ્ચે દુશમનાવટ પેદા કરવાના એકમાત્ર ઉદ્દેશ્યથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની જાતિનો ઉલ્લેખ કરીને ભડકાઉ અને ઉશ્કેરણીજનક નિવેદનો આપ્યાં છે. સાથે તેમણે ખડગેનું એક નિવેદન અને અરવિંદ કેજરીવાલનું ટ્વિટ ટાંક્યાં હતાં, જેમાં બંને નેતાઓએ સંસદ ભવનના ઉદ્ઘાટનને લઈને મોદી સરકાર પર સવાલ ઉઠાવતાં રાષ્ટ્રપતિની જાતિનો પણ ઉલ્લેખ કર્યો હતો. 

    - Advertisement -

    કોંગ્રસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએએ એક નિવેદનમાં કહ્યું હતું કે, “એવું લાગે છે કે મોદી સરકારે માત્ર ચૂંટણીલક્ષી કારણોસર દલિત અને આદિવાસી સમુદાયોમાંથી ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી કરી છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી કોવિંદને નવી સંસદના શિલાન્યાસ સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું, અને હવે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂને નવી સંસદ ભવનના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપવામાં આવ્યું નથી.”

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી હતી કે, “પ્રભુ શ્રી રામમંદિરના શિલાન્યાસ પ્રસંગે મોદીજીએ તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજીને ન બોલાવ્યા, નવા સંસદ ભવનના શિલાન્યાસ વખતે પણ મોદીજીએ શ્રી રામનાથ કોવિંદજીને ન બોલાવ્યા. હવે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન પણ તેઓ વર્તમાન રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂના હસ્તે નથી કરાવી રહ્યા. દેશભરનો SC અને ST સમાજ પૂછી રહ્યો છે કે શું અમને અશુભ માનવામાં આવે છે, એટલે નથી બોલાવતા?”

    ‘મલ્લિકાર્જુન ખડગે અને અરવિંદ કેજરીવાલે ઈરાદાપૂર્વક જાતિનો ઉલ્લેખ કર્યો’

    ફરિયાદીએ કહ્યું છે કે, “મલ્લિકાર્જુન ખડગે અને અરવિંદ કેજરીવાલે આપેલા નિવેદનોમાં ઈરાદાપૂર્વક રાષ્ટ્રપતિની જાતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને એ દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વર્તમાન સરકારે જાણીજોઈને સંસદ ભવનના ઉદ્ઘાટન માટે રાષ્ટ્રપતિને આમંત્રણ નથી આપ્યું. આ નેતાઓએ ST અને આદિવાસી સમુદાયને ઉશ્કેરવાનું કામ કર્યું છે.”

    સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ પાસે કરાવવાની માંગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

    ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પાસે કરાવવાની જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી, જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, “લોકસભા સચિવાલયે ઉદ્ઘાટન માટે રાષ્ટ્રપતિને આમંત્રિત ન કરીને બંધારણનું ઉલ્લંઘન કર્યું છે.” જોકે, કોર્ટે અરજીકર્તાને ફટકાર લગાવ્યા બાદ મામલો પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.

    20 વિપક્ષી દળોએ કર્યો છે ઉદ્ઘાટનનો બહિષ્કાર

    કોંગ્રેસ, TMC અને AAP સહિત કુલ 20 વિપક્ષી દળોએ નવા સંસદ ભવનના ઉદ્ઘાટનનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ વિના ભવનનું ઉદ્ઘાટન કરવાનો વડાપ્રધાન મોદીનો નિર્ણય રાષ્ટ્રપતિનું અપમાન છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં