પૂર્વ ભાજપ પ્રવક્તા નૂપુર શર્માએ પયગમ્બર મોહમ્મદ પર કરેલી ટિપ્પણીઓનો અધૂરો વિડીયો શૅર કરીને ઇસ્લામીઓને ભડકાવનાર મહોમ્મદ ઝુબૈરે તેને હત્યાની ધમકી મળી હોવાનો દાવો કર્યો છે. જેને લઈને તેણે બેંગ્લોર પોલીસમાં એક FIR પણ દાખલ કરાવડાવી છે. ફરિયાદમાં મોહમ્મદ ઝુબૈરે DO પોલિટિક્સના એડિટર અજિત ભારતીનો પણ ઉલ્લેખ કર્યો છે.
મોહમ્મદ ઝુબૈરે ફરિયાદમાં દાવો કર્યો છે કે, 16 ટ્વિટર હેન્ડલ્સ દ્વારા તેના ઘરનું સરનામું સાર્વજનિક કરી દેવામાં આવ્યું હતું અને તેને હત્યાની ધમકીઓ આપવામાં આવી હતી. તેણે એવો પણ દાવો કર્યો કે @cyber_Huntss નામના હેન્ડલ દ્વારા રમઝાન મહિનામાં પેટ ફૂડ ડિલિવરી વેબસાઈટના માધ્યમથી તેને પોર્ક (સુવરનું માંસ) મોકલવામાં આવ્યું હતું. ઝુબૈરની ફરિયાદના આધારે બેંગ્લોર પોલીસે અજાણ્યા લોકો વિરુદ્ધ IPCની કલમ મુજબ ફરિયાદ દાખલ કરી હતી.
@cyber_Huntss હેન્ડલે 9 એપ્રિલના રોજ એક ટ્વિટ કરીને ઝુબૈરના ઘરે પોર્ક મોકલવાની જાણકારી આપી હતી અને આરોપ છે કે તેમાં તેનું સરનામું સાર્વજનિક થઇ ગયું હતું. જોકે, પછીથી ટ્વિટ હટાવી લેવામાં આવ્યું હતું. ઝુબૈરે દાવો કરીને કહ્યું કે, મુસ્લિમો માટે વર્જ્ય પોર્ક મોકલીને મારી ઓળખને નિશાન બનાવવામાં આવી રહી છે. રમઝાન દરમિયાન આ પ્રકારે માંસ મોકલવું એ મારી મઝહબી ઓળખ પરનો હુમલો છે.
ઝુબૈરે ફરિયાદમાં એમ પણ કહ્યું કે, જેમની સામે તેણે ફરિયાદ કરી છે તેમણે ન માત્ર તેને નુકસાન પહોંચાડવા માટે ઉશ્કેરણી કરી પરંતુ તેની મુસ્લિમ ઓળખને ચિહ્નિત કરીને બે ધાર્મિક સમુદાયો વચ્ચે દુશમનાવટ પણ પેદા કરી હતી.
અજિત ભારતી સામે પણ ફરિયાદ
ફરિયાદમાં તેણે DO પોલિટિક્સના એડિટર અને જાણીતા પત્રકાર અજિત ભારતી સામે પણ આરોપો લગાવ્યા છે. ઝુબૈરે કહ્યું કે, અજિત ભારતીએ 6 માર્ચના રોજ તેની મઝહબી ઓળખને ટાર્ગેટ કરીને ‘જિસકા કટા હુઆ હૈ’ કહીને તેનું અપમાન કર્યું હતું. આગળ અજિતે તેને પોટેશિયમ ઓક્સાઇડ (રાસાયણિક સૂત્ર- K2O) કહીને સંબોધિત કર્યો હોવાનો પણ આરોપ લગાવ્યો અને કહ્યું કે, જેનો ઉપયોગ મુસ્લિમ પુરુષોને અપશબ્દો કહેવા માટે કરવામાં આવે છે.
અજિત ભારતીએ ટ્વિટ કરીને આ આરોપોનો હળવાશથી જવાબ આપવા માટે એક મીમ પોસ્ટ કર્યું હતું.
https://t.co/ZEzxFP5CWI pic.twitter.com/VBSrtynZdG
— Ajeet Bharti (@ajeetbharti) May 5, 2023
આ ફરિયાદ ગત 17 એપ્રિલના રોજ ડીજે હાલ્લી પોલીસ મથકે નોંધાઈ હતી પરંતુ મામલો તાજેતરમાં સામે આવ્યો છે. પોલીસે IPCની કલમ 505, 153A, 506 અને 504 હેઠળ કેસ દાખલ કર્યો હોવાનું રિપોર્ટ્સ મારફતે જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે ઑલ્ટ ન્યૂઝનો સહ-સ્થાપક મોહમ્મદ ઝુબૈર એ જ વ્યક્તિ છે જેણે પૂર્વ ભાજપ પ્રવક્તા નૂપુર શર્માની એક ક્લિપ શૅર કરીને ઇસ્લામીઓને તેમની વિરુદ્ધ ઉશ્કેર્યા હતા. ત્યારબાદ નૂપુરને દેશ-દુનિયામાંથી હત્યા અને રેપની ધમકીઓ મળવા માંડી હતી અને અનેક ઠેકાણે તેમની સામે કેસ પણ થયા હતા. નૂપુરનું સમર્થન કરનારાઓની પણ હત્યા થઇ હતી તો અનેકને ધમકીઓ પણ મળી હતી.