Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદુઃખ ભરે દિન બીતે રે ભૈયા!: મહારાષ્ટ્રમાં ધામધુમથી, ગણેશોત્સવ અને દહીં હાંડી...

    દુઃખ ભરે દિન બીતે રે ભૈયા!: મહારાષ્ટ્રમાં ધામધુમથી, ગણેશોત્સવ અને દહીં હાંડી જેવા ઉત્સવો ઉજવાશે; સીએમ શિંદેએ પ્રતિબંધ હટાવી દીધો

    મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ હળવી થતાં મુખ્યમંત્રી એકનાથ શિંદેએ તહેવારો પર લાગેલા તમામ પ્રતિબંધો હટાવી દેવાની આજે જાહેરાત કરી છે.

    - Advertisement -

    મહારાષ્ટ્રમાં ધામધુમથી હિંદુ તહેવાર ઉજવાશે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ગુરુવારે (21 જુલાઈ 2022) મોટો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે કોરોના મહામારી દરમિયાન તહેવારો પર લાદવામાં આવેલા હવે હટાવી લેવામાં આવ્યા છે. આનો અર્થ એ થયો કે આગામી ગણેશ ચતુર્થી, દહીં હાંડી અને અન્ય ધાર્મિક તહેવારો પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં. આ સિવાય મહોરમના જુલૂસ પર પણ કોઈ પ્રતિબંધ રહેશે નહીં. પ્રતિબંધો હટાવાયા બાદ પહેલાની જેમજ મહારાષ્ટ્રમાં ધામધુમથી હિંદુ તહેવાર ઉજવાશે.

    મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ગુરુવારે મુંબઈના સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં આગામી ગણેશોત્સવ, દહીં હાંડી અને મોહરમ જેવા ધાર્મિક તહેવારો માટે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવા માટેની બેઠક બાદ આ જાહેરાત કરી હતી. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ અન્ય વહીવટી અને પોલીસ અધિકારીઓ ત્યાં હાજર રહ્યાં હતાં.

    બેઠક બાદ સીએમ શિંદેએ કહ્યું, “ગણેશોત્સવ, મોહર્રમ અને દહીંહાંડી દરમિયાન તમામ પ્રકારના નિયમોનું પાલન કરવું જોઈએ. કોવિડ-19 દરમિયાન જે પણ પ્રતિબંધો હતા તે અમે દૂર કર્યા છે, પરંતુ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના તમામ નિયમોનું પાલન કરવું જરૂરી છે.”

    - Advertisement -

    શિંદેએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, “દર વર્ષે ગણેશ ઉત્સવ સામાજિક પ્રતિબદ્ધતા સાથે ઉજવવામાં આવે છે. નિયમોનું પાલન કરવું જોઈએ. પરંતુ વહીવટીતંત્રે નિયમોને લઈને વધુ હોબાળો ન કરવો જોઈએ અને મંડળોને સહકાર આપવો જોઈએ. રાજ્યભરમાં તહેવાર માટે એકસમાન નિયમ પુસ્તીકાઓ હશે અને જિલ્લા કલેક્ટર તેના માટે સંયોજકની નિમણૂક કરશે.

    તેમણે એમ પણ જણાવ્યું હતું કે ભગવાન ગણેશની મૂર્તિની ઊંચાઈ પર કોઈ પ્રતિબંધ નથી. શિંદેએ કહ્યું, “ગણેશ ઉત્સવ માટે સંબંધિત અધિકારીઓને કેટલીક સૂચનાઓ આપવામાં આવી છે જેથી કરીને રાજ્યમાં લોકોને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. આ વર્ષે ભગવાન ગણેશની મૂર્તિઓની ઊંચાઈ પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં.”

    જણાવી દઈએ કે માર્ચ 2020 માં કોરોના મહામારી ફેલાયા પછી, ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની તત્કાલીન મહા વિકાસ આઘાડી સરકારે ગણેશોત્સવ દરમિયાન સરઘસ કાઢવા પર પ્રતિબંધ સહિત તહેવારો પર વિવિધ નિયંત્રણો લાદ્યા હતા. ઘરમાં અને જાહેર પૂજા મંડળો દ્વારા સ્થાપિત કરવામાં આવનાર ગણેશની મૂર્તિની ઊંચાઈ બે ફૂટ સુધી મર્યાદિત હતી.

    આ પ્રતિબંધોને કારણે છેલ્લા બે વર્ષમાં ઘણા ધાર્મિક તહેવારો સાદગીપૂર્ણ રીતે ઉજવવામાં આવ્યા હતા. સીએમ શિંદેએ કહ્યું કે મહામારી દરમિયાન ધાર્મિક તહેવારો પર લાદવામાં આવેલા તમામ નિયંત્રણો હટાવી લેવામાં આવ્યા છે. લોકોએ આ તહેવારોને હકારાત્મકતા સાથે ઉજવવા જોઈએ. આ સિવાય સરકારે સંબંધિત સંસ્થાઓને સિંગલ-વિન્ડો સિસ્ટમમાં ઓનલાઈન નોંધણી કરવા, નોંધણી ફી માફ કરવા અને ગણેશોત્સવ સંસ્થાઓ તરફથી ગેરંટી લેટર આપવાનો નિર્દેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યનો સૌથી મોટો સાર્વજનિક તહેવાર ગણેશોત્સવ 31 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી ઉજવવામાં આવશે જ્યારે જન્માષ્ટમી 18-19 ઓગસ્ટ અને મોહરમ 9 ઓગસ્ટે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં