Sunday, September 15, 2024
More
    હોમપેજગુજરાત‘મેં સાંભળ્યું છે કે આ શહેર…’: ગુજરાતીમાં બોલતાં CJI ચંદ્રચૂડે અનોખી રીતે...

    ‘મેં સાંભળ્યું છે કે આ શહેર…’: ગુજરાતીમાં બોલતાં CJI ચંદ્રચૂડે અનોખી રીતે આપી રાજકોટની ઓળખ, PM મોદીએ વિડીયો શૅર કરીને કહ્યું- તેઓ શહેરને સારી રીતે સમજી ગયા છે!

    PM મોદીએ X પર પોસ્ટ કરીને લખ્યું કે, “આપણી સર્વોચ્ચ અદાલતના આદરણીય મુખ્ય ન્યાયાધીશ રાજકોટને સારી રીતે સમજી ગયા છે! ગુજરાતીમાં બોલવાનો અને લોકો સાથે જોડાવાનો તેમનો આ સરાહનીય પ્રયાસ.”

    - Advertisement -

    સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ (CJI) ડીવાય ચંદ્રચૂડ હાલ 2 દિવસ માટે ગુજરાતના પ્રવાસે હતા. શનિવારે (6 જાન્યુઆરી, 202૩) તેમણે રાજકોટ સ્થિત ન્યાયાલયના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કર્યું હતું. તે પહેલાં તેમણે દ્વારકાધીશ મંદિરે જઈને ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં શીશ પણ ઝુકાવ્યું હતું. 

    ન્યાયાલયના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન CJI ચંદ્રચૂડ દ્વારા કરવામાં આવેલું સંબોધન હાલ ચર્ચામાં છે. કારણ કે થોડી મિનિટો સુધી તેઓ ગુજરાતી ભાષામાં બોલ્યા હતા. આ દરમિયાન તેમણે રાજકોટ શહેરની ઓળખ આપી અને ગુજરાતીઓ અને રાજકોટવાસીઓને વખાણ્યા હતા. તેમનું આ સંબોધન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી પણ પહોંચ્યું. તેમણે ગુજરાતીમાં સંબોધન કરવા બદલ CJIની પ્રશંસા કરી હતી. 

    PM મોદીએ X પર પોસ્ટ કરીને લખ્યું કે, “આપણી સર્વોચ્ચ અદાલતના આદરણીય મુખ્ય ન્યાયાધીશ રાજકોટને સારી રીતે સમજી ગયા છે! ગુજરાતીમાં બોલવાનો અને લોકો સાથે જોડાવાનો તેમનો આ સરાહનીય પ્રયાસ.” સાથે તેમણે CJIનો ગુજરાતી સંબોધનનો વિડીયો શૅર કર્યો હતો. 

    - Advertisement -

    CJI ચંદ્રચૂડે ‘જય શ્રીકૃષ્ણ’ અને ‘કેમ છો?’ સાથે સંબોધનની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે કહ્યું, “આ સંતો-મહંતોની પવિત્ર ભૂમિ ઉપર આવવાનું મારું સદભાગ્ય સમજું છું. મને જે માહિતી મળી છે તે મુજબ આ રંગીલા રાજકોટની સ્થાપના 1610 ADમાં કરવામાં આવી હતી. આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અહીં આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં ભણેલા. આ શહેર એક સમયે સૌરાષ્ટ્ર રાજ્યનું પાટનગર હતું.”

    આગળ તેમણે કહ્યું, “રાજકોટમાં જેટલા લોકગાયકોના ડાયરા, ગરબા, રેસકોર્સના મેદાનમાં ભરાતો 5 દિવસનો જન્માષ્ટમીનો મેળો, રાજકુમાર કોલેજ, ડીઝલ એન્જિન, સબમર્સિબલ પંપ, ફોર્જિંગ, કાસ્ટિંગ, બેરિંગ, મશીન ટૂલ્સ વગેરેના ઉદ્યોગો, સોના-ચાંદીના દાગીના, પટોળા અને બાંધણી માટે  પ્રખ્યાત છે તેટલું જ ફાફડા-ગાંઠિયા અને જલેબી માટે પણ પ્રખ્યાત છે. આખા રાજકોટમાં ચાની દુકાનો-લારીઓ અને પાનના ગલ્લા ગણવા બેસીએ તો રાત પડી જાય.” 

    આગળ તેમણે હળવા મૂડમાં કહ્યું, “મેં એવું સાંભળ્યું છે કે આ શહેર કાયદેસર રોજ બપોરે 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી સૂઈ જાય છે અને પછી રાત્રે 1 વાગ્યા સુધી રેસકોર્સની પાળી ઉપર બેસીને મોજ કરે છે. જલારામ બાપા અને ઘેલા સોમનાથ મહાદેવના અહીંના લોકો ઉપર હંમેશા આશીર્વાદ રહ્યા છે. આ ભવ્ય ન્યાયમંદિર થકી રાજકોટની યશકલગીમાં એક વધુ પીછું ઉમેરાયું છે.” 

    CJI ચંદ્રચૂડ શનિવારે ગુજરાત આવી પહોંચ્યા હતા, જ્યાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે તેમનું સ્વાગત કર્યું હતું. જ્યાંથી CJI દ્વારકા પહોંચ્યા હતા, જ્યાં દ્વારકાધીશ જગતમંદિરે ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં