Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદુનિયા આખી કોરોનાથી બચવા મથી રહી છે ત્યારે ચીનની આ મહિલાએ સામે...

    દુનિયા આખી કોરોનાથી બચવા મથી રહી છે ત્યારે ચીનની આ મહિલાએ સામે ચાલીને કોરોનાને આમંત્રણ આપ્યું: સંક્રમિત થયા બાદ વિચિત્ર કારણ આપ્યું; ચીનીઓ લાલઘૂમ

    વાયરસ સામે લડતા ચીનીઓને આ મહિલાની હરકતો અને તર્ક બંને પસંદ આવ્યાં ન હતા અને સોશિયલ મીડિયા પર તેની ઝાટકણી કાઢી હતી.

    - Advertisement -

    પાડોશી દેશ ચીનમાં ફરી કોરોના વકરવા માંડ્યો હોવાના સમાચાર છે. દેશની સ્થિતિ કપરી બનતી જતી હોવાનું પણ મીડિયા જણાવી રહ્યું છે. લોકો વાયરસથી સંક્રમિત ન થઇ જાય તેની કાળજી રાખી રહ્યા છે. ત્યારે ચીનની એક ગાયિકા જાણીજોઈને, સામે ચાલીને કોરોનાને આમંત્રણ આપીને સંક્રમિત થઇ ગઈ હતી. આ માટે તેણે કારણ પણ બહુ વિચિત્ર આપ્યું હતું. 

    આ ગાયિકાનું નામ જેન ઝાંગ (Jane Zhang) છે. તેણે ચીનની માઈક્રોબ્લોગિંગ વેબસાઈટ Weibo પર જણાવ્યું કે, તે તેના એક કોરોના પોઝિટિવ મિત્રને મળવા માટે ગઈ હતી અને ત્યારબાદ પોતે પણ સંક્રમિત થઇ ગઈ. તે જાણીજોઈને કોરોના પોઝિટિવ મિત્રને મળવા માટે ગઈ હતી જેથી પોતાને પણ ચેપ લાગી શકે. 

    આ પાછળનું કારણ આપતાં તેણે કહ્યું કે, ન્યૂ યરની સાંજે (1 જાન્યુઆરી 2023) તેની એક કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે. તેને એ ડર હતો કે ક્યાંક તેના એક-બે દિવસ પહેલાં જ તે કોરોનાથી સંક્રમિત થઇ જાય તો તેની કોન્સર્ટ પર અસર થશે અને રદ કરવી પડશે. એટલે તે પહેલાં જ કોરોનાથી સંક્રમિત થઇ ગઈ, જેથી તેને પહેલી તારીખ સુધી સ્વસ્થ થવા માટે સમય મળી રહે અને ત્યાં સુધીમાં ઠીક પણ થઇ જાય. તેણે કહ્યું કે, “તેથી હું કોરોના પોઝિટિવ લોકોને મળી આવી, કારણ કે હમણાં મારી પાસે સ્વસ્થ થવાનો સમય છે.”

    - Advertisement -

    ચીનની આ ગાયિકા આગળ જણાવે છે કે, કોરોના સંક્રમિત દર્દીને મળ્યા પછી તેને તાવ આવ્યો હતો અને ગળામાં ખારાશ પણ અનુભવાઈ ઉપરાંત શરીરમાં દુઃખાવો પણ થયો હતો. આ તમામ લક્ષણો કોરોનાના છે. જોકે, તેણે કહ્યું કે, આ લક્ષણો માત્ર એક જ દિવસ માટે અનુભવાયાં હતાં. તે આગળ કહે છે, “એક દિવસ પછી આ તમામ લક્ષણો ગાયબ થઇ ગયાં. મેં વધુમાં વધુ પાણી પીધું અને વિટામિન સીની ગોળીઓ ખાધી હતી. તે સિવાય કોઈ દવા લીધી ન હતી. 

    જોકે, વાયરસ સામે લડતા ચીનીઓને આ મહિલાની હરકતો અને તર્ક બંને પસંદ આવ્યાં ન હતા અને સોશિયલ મીડિયા પર તેની ઝાટકણી કાઢી હતી. ત્યારબાદ ગાયિકાએ પણ માફી માંગી લીધી હતી. જોકે, માફી માંગતાં-માંગતાં પણ તેણે કહ્યું કે, તે નહતી ઇચ્છતી કે કોન્સર્ટ દરમિયાન તેના કારણે કોઈ બીજી વ્યક્તિ સંક્રમિત થઇ જાય. 

    તેણે એક નવી પોસ્ટ કરીને કહ્યું, ‘પાછલી પોસ્ટ મૂકવા પહેલાં મેં પરિસ્થિતિ અંગે વિચાર કર્યો ન હતો. હું લોકોની માફી માંગું છું.’

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં