Friday, May 24, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટચીનમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગનો વિરોધ, ‘તાનાશાહ’ અને ‘ગદ્દાર’ લખેલાં બેનરો લાગ્યાં: ભડકી...

  ચીનમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગનો વિરોધ, ‘તાનાશાહ’ અને ‘ગદ્દાર’ લખેલાં બેનરો લાગ્યાં: ભડકી ઉઠેલી સરકારે વિરોધીઓનો અવાજ દબાવવા જોર લગાવ્યું

  શી જિનપિંગનો વિરોધ ખાસ કરીને તેમની ઝીરો કોવિડ પોલિસીને લઈને થઇ રહ્યો હોવાનું અહેવાલો જણાવી રહ્યા છે. 

  - Advertisement -

  પાડોશી દેશ ચીન હાલ ચર્ચામાં છે. 20મી નેશનલ કોંગ્રેસ શરૂ થયા બાદ શી જિનપિંગ ત્રીજી ટર્મ માટે પણ રાષ્ટ્રપતિ બને તેવી ચર્ચાઓ શરૂ થઇ ગઈ છે. 2012માં રાષ્ટ્રપતિ બનેલા શી જિનપિંગનો આ બીજો કાર્યકાળ ચાલી રહ્યો છે, જે માર્ચ 2023માં પૂર્ણ થશે. જોકે, શી જિનપિંગનો કાર્યકાળ લંબાશે તેવું જાણવા મળતાં ચીનમાં ઠેરઠેર તેમનો વિરોધ શરૂ થઇ ગયો છે. 

  રાજધાની બેઇજિંગમાં જિનપિંગને રાષ્ટ્રપતિ પદેથી હટાવવા માટેની માંગ કરતાં બેનરો લગાવવામાં આવ્યાં હતાં તો કેટલાંક જાહેરસ્થળોએ વોશરૂમમાં તેમની વિરુદ્ધનાં સૂત્રો ચીતરવામાં આવ્યાં હતાં. શી જિનપિંગનો વિરોધ ખાસ કરીને તેમની ઝીરો કોવિડ પોલિસીને લઈને થઇ રહ્યો હોવાનું અહેવાલો જણાવી રહ્યા છે. 

  પાંચ વર્ષે એક વખત થતી નેશનલ કોંગ્રેસ શરૂ થતાંની સાથે જ 13 ઓક્ટોબરથી જ બેઇજિંગમાં લોકોએ પ્રશાસન સામે વિરોધ શરૂ કરી દીધો હતો. બેઇજિંગની કેટલીક તસ્વીરો પણ સોશિયલ મીડિયા પર ફરી રહી છે, જેમાં બ્રિજ પર બેનર લટકાવેલું જોવા મળે છે. જેમાં જિનપિંગને ‘ગદ્દાર’ અને ‘તાનાશાહ’ ગણાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, કેટલાક લોકોએ ટાયર સળગાવીને પણ વિરોધ કર્યો હતો. 

  - Advertisement -

  ચીનનાં લગભગ આઠ જેટલાં શહેરોમાં શી જિનપિંગનો વિરોધ કરતાં બેનરો લગાવવામાં આવ્યાં છે. જેમાં શેનઝેન, શાંઘાઈ, બેઇજિંગ, ગોંગઝૂ અને હેન્ગકૉન્ગ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સિનેમાઘરો અને મૉલ વગેરેના વોશરૂમમાં તેમજ શાળાઓના નોટિસબોર્ડ ઉપર પણ શી જિનપિંગની વિરુદ્ધમાં સૂત્રો ચીતરવામાં આવ્યા હતા. 

  આખા વિશ્વને ભરડામાં લેનાર કોરોના વાયરસ સૌથી પહેલાં ચીનમાં જ જોવા મળ્યો હતો અને અહીં અસર પણ વધુ થઇ હતી. કોરોનાના સમયમાં વાયરસને કાબૂમાં લેવા માટે જિનપિંગ સરકારે ‘ઝીરો કોવિડ પોલિસી’ અમલમાં મૂકી હતી, જેનો કારણે આખા દેશમાં વિરોધ થયો હતો અને હાલ પણ લોકોએ સમય ભૂલ્યા હોય તેમ લાગી રહ્યું નથી. આ પોલિસી હેઠળ, કોરોના પોઝિટિવ આવતા હજારો લોકોને તેમના પરિવારથી વિખૂટા કરી દેવામાં આવ્યા હતા અને સ્વાસ્થ્ય સેવાઓ પણ પડી ભાંગી હતી. 

  જોકે, દેશમાં થઇ રહેલા વિરોધની જાણ બહાર ન થાય તે માટે પહેલેથી જ સોશિયલ મીડિયા પર સેન્સરશિપ લગાવીને બેઠેલા ચીને વધુ કડકાઈ રાખવાનું શરૂ કર્યું છે. ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ WeChat પરથી વિરોધ પ્રદર્શનોની તસ્વીરો હટાવવામાં આવી રહી છે તો આવા ફોટા-વિડીયો શૅર કરનારાઓનાં અકાઉન્ટ પણ બંધ કરવામાં આવી રહ્યાં છે. 

  આ ઉપરાંત, અન્ય એક રિપોર્ટને લઈને પણ ચીન ચર્ચામાં છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે દુનિયાભરમાં ગેરકાયદેસર પોલીસ સ્ટેશનો શરૂ કર્યા બાદ હવે ચીને અન્ય દેશોમાં વાણિજ્ય દૂતાવાસ અને કોર્ટની પણ સ્થાપના કરવા માંડી છે. એક રિપોર્ટ અનુસાર, ચીને તેના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિએટિવ (BRI) હેઠળ કોર્ટ અને લીગલ સ્ટેશનો શરૂ કર્યાં છે, જેઓ ચૂંટણીઓમાં પણ હસ્તક્ષેપ કરે છે, સ્થાનિક રાજકારણને અસર કરવા ઉપરાંત યુવાનોને સામ્યવાદ તરફ પ્રભાવિત કરે છે તેમજ ચીનની બહારથી રાષ્ટ્રપતિ શી જિનપિંગ વિરુદ્ધના અસંતોષને પણ નિયંત્રિત કરે છે. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં