Wednesday, October 16, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમિશન ચંદ્રયાન: વિક્રમ લેન્ડરે ચંદ્રના એ ભાગની તસ્વીરો મોકલી જે પૃથ્વી પરથી...

    મિશન ચંદ્રયાન: વિક્રમ લેન્ડરે ચંદ્રના એ ભાગની તસ્વીરો મોકલી જે પૃથ્વી પરથી ક્યારેય નથી દેખાયો, જે કેમેરાએ આ પરાક્રમ કર્યું તે બન્યો છે અમદાવાદમાં

    ISROએ X (ટ્વિટર) પર પોસ્ટ કરીને ચંદ્રયાને મોકલેલી તસ્વીર દેશવાસીઓ સાથે શૅર કરી. આ તસ્વીરોમાં ચંદ્રની સપાટી સ્પષ્ટ નજરે પડે છે.

    - Advertisement -

    ચંદ્રયાન-3 લેન્ડ થવામાં હવે થોડા જ કલાકો બાકી રહ્યા છે. હાલ યાન ચંદ્રની સપાટીની એકદમ નજીક પહોંચી ગયું છે અને ધીમે-ધીમે સપાટી તરફ આગળ વધી રહ્યું છે. આ સાથે તેણે ચંદ્રની તસ્વીરો પણ મોકલવાની શરૂ કરી છે. 

    ISROએ X (ટ્વિટર) પર પોસ્ટ કરીને ચંદ્રયાને મોકલેલી તસ્વીર દેશવાસીઓ સાથે શૅર કરી. આ તસ્વીરોમાં ચંદ્રની સપાટી સ્પષ્ટ નજરે પડે છે. ખાડા-ટેકરાવાળી આ તસ્વીરોની બીજી એક ખાસિયત એ છે કે તે ચંદ્રના એ ભાગ પરથી લેવામાં આવી છે જે પૃથ્વી તરફથી દેખાતો નથી. ફોટોમાં ક્યાંક મેદાની પ્રદેશ દેખાય છે, ક્યાંક મોટા ખાડા જોવા મળે છે. 

    અમદાવાદમાં બન્યો છે કેમેરો, જે લેન્ડરને ઉતરવામાં મદદ કરશે 

    ઇસરોએ જણાવ્યા અનુસાર આ ફોટો વિક્રમ લેન્ડરમાં લગાવવામાં આવેલા લેન્ડર હેઝાર્ડ ડિટેક્શન એન્ડ એવોઇડન્સ કેમેરા (LHDAC) દ્વારા લેવામાં આવ્યા છે. આ કેમેરા લેન્ડરને ચંદ્ર પર ઉતરવા માટેની સુરક્ષિત જગ્યા શોધવામાં પણ મદદ કરશે, જેથી તે મેદાની પ્રદેશમાં કોઈ પણ અડચણ વગર ઉતરી શકે. વધુ મહત્વની વાત એ છે કે આ કેમેરો સ્વદેશી છે અને ઈસરો દ્વારા બનાવવામાં આવ્યો છે. અમદાવાદ સ્થિત સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટર (SAC) ખાતે તેને બનાવવામાં આવ્યો છે. આ સિવાય લેન્ડર પોઝિશન ડિટેક્શન કેમેરા, લેઝર અલ્ટીમિત્ર, લેઝર ડેવલોપર વેલોસિટીમીટર અને લેન્ડર હોરિઝોન્ટલ વેલોસિટી કેમેરા જેવાં યંત્રો પણ મદદ કરશે. આ તમામ યંત્રો સપાટીથી 500 મીટર પહેલાં જ સક્રિય થઇ જશે અને યોગ્ય સ્થળ શોધીને લેન્ડિંગમાં મદદ કરશે.

    - Advertisement -

    લેન્ડિંગનો ચોક્કસ સમય ઈસરોએ પહેલેથી જ જાહેર કરી દીધો છે. જે અનુસાર બુધવારે (23 ઓગસ્ટ, 2023) સાંજે 6:04 કલાકે લેન્ડર ચંદ્રની સપાટી પર લેન્ડિંગ કરશે. રિપોર્ટ્સ અનુસાર, આ સમયે તેની ઝડપ 2 મીટર પ્રતિ સેકન્ડ આસપાસ હશે જ્યારે હોરિઝોન્ટલ ગતિ 0.5 મીટર/સેકન્ડ જેટલી હશે. 

    ઉલ્લેખનીય છે કે ગત 14 જુલાઈ, 2023ના રોજ ચંદ્રયાન-3 શ્રીહરિકોટાથી મોકલવામાં આવ્યું હતું. અવકાશમાં એક મહિના કરતાં વધુ સફર કર્યા બાદ હવે તે મિશનના અંતિમ તબક્કામાં છે. અત્યાર સુધી બધું જ સમુંસૂતરું પાર પડ્યું છે, હવે સૌથી મહત્વનો સમયગાળો નજીક છે. પરંતુ દેશને ઈસરોની શક્તિ પર વિશ્વાસ છે કે આ મિશન જરૂરથી સફળ થશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં