Saturday, April 27, 2024
More
    હોમપેજરાજકારણઆંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની ધરપકડ, ભ્રષ્ટાચારના કેસમાં કાર્યવાહી: વેનિટી વેનમાં આરામ...

    આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની ધરપકડ, ભ્રષ્ટાચારના કેસમાં કાર્યવાહી: વેનિટી વેનમાં આરામ કરી રહ્યા હતા, જગાડીને લઈ ગઈ CID

    આ કેસ આંધ્રપ્રદેશના સ્કિલ ડેવલપમેન્ટ કૌભાંડ મામલેનો છે, જેમાં 250 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો આરોપ છે. આ મામલે નાયડુને આરોપી નંબર 1 બનાવવામાં આવ્યા છે.

    - Advertisement -

    આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને તેલુગુ દેશમ પાર્ટીના વડા ચંદ્રબાબુ નાયડુની ધરપકડ કરી લેવામાં આવી છે. રાજ્યના નાંદયાલ જિલ્લામાં શુક્રવારે એક સભા સંબોધ્યા બાદ તેઓ વેનિટી વેનમાં આરામ કરી રહ્યા હતા ત્યારે પોલીસ અને CIDની ટીમ પહોંચી હતી અને વહેલી સવારે ધરપકડ કરી લેવામાં આવી. 

    આ ધરપકડ સ્કિલ ડેવલપમેન્ટ કૌભાંડ કેસ મામલે કરવામાં આવી હોવાનું મીડિયા અહેવાલો મારફતે જાણવા મળ્યું છે. CIDની ટીમે વહેલી સવારે પહોંચીને ચંદ્રબાબુ નાયડુને અરેસ્ટ વૉરન્ટ પકડાવ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું છે કે તેમની ધરપકડ IPCની કલમ 120(B), 166, 167, 418, 420, 468, 465, 471, 409, 201, 109, 34 અને 37 તેમજ પ્રિવેન્શન ઑફ કરપ્શન એક્ટની કલમ 12, 13(2) તથા 13(1)(c)&(d) હેઠળ કરવામાં આવી છે. સાથે કહેવામાં આવ્યું કે આ ગુનો બિનજામીનપાત્ર હોવાના કારણે તેઓ જામીન પર મુક્ત થઈ શકે નહીં અને તેના માટે તેમણે કોર્ટનો સંપર્ક કરવો પડશે. 

    વાસ્તવમાં ચંદ્રબાબુ નાયડુ હાલ આંધ્રપ્રદેશની યાત્રા કરી રહ્યા છે. શુક્રવારે નાંદયાલ જિલ્લાના બનગનપલ્લીમાં એક જનસભા સંબોધ્યા બાદ તેઓ પોતાની વેનિટી વેનમાં આરામ કરી રહ્યા હતા. લગભગ સાડા ત્રણ વાગ્યે CID અને સ્થાનિક પોલીસ તેમની ધરપકડ માટે પહોંચી હતી પરંતુ પાર્ટી કાર્યકર્તાઓએ તેમને ઘેરી લીધા અને હોબાળો મચાવ્યો હતો. નાયડુની સુરક્ષા માટે હાજર જવાનોએ પણ પોલીસને તેમના સુધી પહોંચવા દીધા ન હતા અને કહ્યું કે તેઓ 6 વાગ્યા પછી જ મળી શકશે. 

    - Advertisement -

    આખરે 6 વાગ્યે પોલીસે ચંદ્રબાબુના વાહનનો દરવાજો ખખડાવ્યો અને તેમને નીચે બોલાવવામાં આવ્યા. ત્યારબાદ અરેસ્ટ વૉરન્ટ આપીને ધરપકડ કરી લેવામાં આવી. ધરપકડ બાદ તેમને મેડિકલ તપાસ માટે લઇ જવામાં આવ્યા હતા. હવે પોલીસ તેમને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગ કરશે. પોલીસે જણાવ્યું છે કે મામલાની વધુ વિગતો અને રિમાન્ડ રિપોર્ટ પૂછપરછ બાદ આપવામાં આવશે. 

    આ કેસ આંધ્રપ્રદેશના સ્કિલ ડેવલપમેન્ટ કૌભાંડ મામલેનો છે, જેમાં 250 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો આરોપ છે. આ મામલે નાયડુને આરોપી નંબર 1 બનાવવામાં આવ્યા છે. જોકે, ડિસેમ્બર 2021માં જ્યારે FIR દાખલ થઈ હતી ત્યારે તેમ તેમનું નામ ન હતું, પરંતુ પોલીસે જણાવ્યું કે તપાસમાં તેમનું નામ પણ ખુલ્યું છે, જેને લઈને આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

    73 વર્ષીય ચંદ્રબાબુ નાયડુ હાલ આંધ્રપ્રદેશ વિધાનસભામાં વિપક્ષ નેતા છે. તેઓ 1995થી 2004 અને ત્યારબાદ 2014થી 2019 એમ બે વખત આંધ્રપ્રદેશના સીએમ રહી ચૂક્યા છે. તેઓ તેલુગુ દેશમ પાર્ટીના વડા પણ છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં