Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટચંદીગઢ યુનિવર્સીટી કાંડ: આરોપી યુવતીની બોયફ્રેન્ડ સાથેની ચેટ વાયરલ, કૉલ-સ્ક્રીનશોટ ડિલીટ કરી...

    ચંદીગઢ યુનિવર્સીટી કાંડ: આરોપી યુવતીની બોયફ્રેન્ડ સાથેની ચેટ વાયરલ, કૉલ-સ્ક્રીનશોટ ડિલીટ કરી નાંખવા કહ્યું હતું: ત્રણની ધરપકડ

    પંજાબની ચંદીગઢ યુનિવર્સીટીમાં MMS કાંડ મુદ્દે હજુ વિરોધ યથાવત, યુનિવર્સીટી જ બંધ કરી દેવાઈ.

    - Advertisement -

    પંજાબના મોહાલી સ્થિત ચંદીગઢ યુનિવર્સીટીની હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓના નહાતી વખતેના વિડીયો ઉતારીને વાયરલ કરવા મામલે પોલીસે આરોપી યુવતી તેમજ તેના બે મિત્રોને અટકમાં લઇ લીધા છે. જેમનાં નામ સન્ની મહેતા અને રંકજ વર્મા છે. 

    આરોપી યુવતીના મોબાઈલમાંથી સન્ની મહેતાનો નંબર મળી આવ્યો હતો, જે બાદ પોલીસે તેનું લોકેશન ટ્રેસ કરીને હિમાચલ પ્રદેશના સિમલામાંથી ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ મોડી રાત્રે રંકજ વર્મા પણ પકડાયો હતો. તેની જ તસ્વીર આરોપી યુવતીએ બતાવી હતી, જેનો વિડીયો વાયરલ થતાં તસ્વીર પણ સોશિયલ મીડિયા પર ફરતી થઇ ગઈ હતી. 

    દરમ્યાન, દૈનિક ભાસ્કરના એક રિપોર્ટ અનુસાર, કેટલીક ચેટ સામે આવી છે જેમાં આરોપી યુવતીનો બોયફ્રેન્ડ તેને સ્ક્રીનશોટ અને કૉલ હિસ્ટ્રી ડીલીટ કરવા માટે કહે છે. હવે પોલીસ એ માહિતી મેળવી રહી છે કે આરોપીઓએ આમ કરવા પાછળ તેમનો શું મકસદ હતો અને આ હરકત પૈસા પડાવવા માટે કરવામાં આવી છે કે કેમ? 

    - Advertisement -

    આ અંગે પંજાબઆ ડીજીપીએ જણાવ્યું છે કે, પોલીસે વિદ્યાર્થીની અને હિમાચલ પ્રદેશના બે યુવકો એમ કુલ ત્રણ લોકોની ધરપકડ કરી છે. તેમના ઇલેક્ટ્રોનિક ડિવાઇસ જપ્ત કરી લેવામાં આવ્યાં છે. તેમણે એમ પણ જણાવ્યું કે, મુખ્યમંત્રીના આદેશ પર એક ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવશે તેમજ આ માટે ત્રણ સભ્યોની SIT રચવામાં આવશે. જેની અધ્યક્ષતા વરિષ્ઠ આઇપીએસ ઓફિસર કરશે. 

    બીજી તરફ, વિવાદને પગલે ચંદીગઢ યુનિવર્સીટી 24 સપ્ટેમ્બર સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે વિદ્યાર્થીઓ ઘરે જઈ રહ્યા છે. જોકે, ગઈકાલે પણ ચંદીગઢ યુનિવર્સીટીમાં વિરોધ પ્રદર્શન ચાલુ જ રહ્યું હતું અને વિદ્યાર્થીઓએ ન્યાયની માંગણી કરી હતી. 

    એક તરફ હોસ્ટેલ વોર્ડનનાં નિવેદન, વાયરલ વિડીયો અને ચેટ કંઈક અલગ ઈશારો કરી રહ્યાં છે ત્યાં બીજી તરફ પંજાબ પોલીસ અને ચંદીગઢ યુનિવર્સીટીનો દાવો અલગ છે. યુનિવર્સીટી અને પોલીસ કહી રહ્યા છે કે છોકરીએ અન્ય વિદ્યાર્થીનીઓના વિડીયો ઉતાર્યા ન હતા અને માત્ર પોતાનો એક જ વિડીયો ઉતારીને સેન્ડ કર્યો હતો. 

    બીજી તરફ, પોલીસ અને યુનિવર્સીટીએ આત્મહત્યા થઇ હોવાનો કે તે માટેના કોઈ પ્રયાસ થયા હોવાની બાબતનો પણ સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, કોઈ પણ વિદ્યાર્થીએ આપઘાત કર્યો નથી કે કોઈ મૃત્યુ પણ થયું નથી. માત્ર એક વિદ્યાર્થીની બેભાન થઇ ગઈ હતી, જેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં