Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટચંદીગઢ યુનિવર્સીટીમાં યુવતીએ સાથી વિદ્યાર્થીનીઓના આપત્તિજનક વિડીયો ઉતારીને યુવકને સેન્ડ કર્યાના આરોપ...

    ચંદીગઢ યુનિવર્સીટીમાં યુવતીએ સાથી વિદ્યાર્થીનીઓના આપત્તિજનક વિડીયો ઉતારીને યુવકને સેન્ડ કર્યાના આરોપ બાદ હોબાળો, પણ પોલીસે અલગ થિયરી રજૂ કરી

    પંજાબના મોહાલીની ખાનગી યુનિવર્સીટીની હોસ્ટેલની ઘટના, હાલ પોલીસે વિગતે તપાસ હાથ ધરી.

    - Advertisement -

    પંજાબના મોહાલીની ચંદીગઢ યુનિવર્સીટી ખાતે હોસ્ટેલની જ એક વિદ્યાર્થીનીએ નહાતી વિદ્યાર્થીનીઓના વિડીયો બનાવીને શૅર કર્યા હોવાની વાત સામે આવતાં ચકચાર મચી ગઈ  હતી. જે બાદ હોસ્ટેલની અન્ય વિદ્યાર્થીનીઓએ પ્રદર્શન કર્યું હતું. બીજી તરફ, આરોપી વિદ્યાર્થીનીની ધરપકડ બાદ પોલીસે બીજી જ થિયરી સામે મૂકી છે. 

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મામલો શનિવારે મોડી રાત્રે સામે આવ્યો હતો. જ્યારે પંજાબની એક ખાનગી યુનિવર્સીટીમાં અનેક વિદ્યાર્થીનીઓએ પ્રદર્શન  કરીને તેમની જ હોસ્ટેલમાં રહેતી એક વિદ્યાર્થીની પર તેમના આપત્તિજનક વિડીયો ઉતારીને સેન્ડ કરવાનો આરોપ લગાવ્યો હતો. 

    વિદ્યાર્થીનીઓએ આરોપ લગાવ્યો હતો કે, આરોપી યુવતીએ તેની સાથી વિદ્યાર્થીનીઓના નહાતી વખતેના વિડીયો ઉતારી લીધા હતા, જે સિમલામાં રહેતા કોઈ શખ્સને શૅર કરતી હતી. પ્રદર્શન બાદ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. ત્યારબાદ પોલીસે કાર્યવાહી શરૂ કર્યા બાદ પ્રદર્શન સ્થગિત કરી દેવામાં આવ્યું હતું. 

    - Advertisement -

    શરૂઆતના અહેવાલોમાં પણ એવું પણ સામે આવ્યું હતું કે, મામલો સામે આવ્યા બાદ કેટલીક વિદ્યાર્થીનીઓએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે આ વાત નકારી દીધી છે. પોલીસે જણાવ્યું કે, કોઈએ આપઘાતનો પ્રયાસ કર્યો નથી અને માત્ર એક વિદ્યાર્થીની બેભાન થઇ ગઈ હતી, જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. 

    આ ઘટના બાદ કેટલાક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. જેમાં એકમાં સાથી વિદ્યાર્થીનીઓએ દબાણ કરતાં આરોપી યુવતીએ સ્વીકાર્યું હતું કે તેણે વિડીયો બનાવ્યા હતા. જોકે, તેણે તે ડીલીટ કરી નાંખ્યા હોવાનું પણ કહ્યું હતું. ઉપરાંત, તે કોઈ સિમલામાં રહેતા શખ્સના ઈશારે આમ કરતી હોવાનું પણ જણાવ્યું હતું. 

    રવિવારે બપોરે મોહાલીના જિલ્લા પોલીસ અધિકારીએ કરેલી પ્રેસ કોન્ફરન્સમાં નવી જ બાબતો સામે આવી હતી. તેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થીનીએ પોતાનો એક જ વિડીયો બનાવ્યો હતો, અન્ય કોઈના વિડીયો બનાવીને શૅર કર્યા નથી. 

    પ્રેસ કોન્ફરન્સમાં મોહાલીના એસપીએ જણાવ્યું કે, અત્યાર સુધીની તપાસ અને પૂછપરછમાં આરોપીનો પોતાનો એક જ વિડીયો સામે આવ્યો છે. તેણે બીજા કોઈના પણ વિડીયો ઉતાર્યા નથી. કે વિદ્યાર્થીનીએ પોતે પણ એવું નથી જણાવ્યું કે તેણે બીજાના વિડીયો બનાવ્યા છે. ઇલેક્ટ્રોનિક ડિવાઇસ અને મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યાં છે, અને જેને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવશે. 

    પોલીસ અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે, આ મામલે ગઈકાલે રાત્રે FIR દાખલ કરવામાં આવી હતી. જે બાદ વિદ્યાર્થીનીની ધરપકડ કરી લેવામાં આવી હતી અને હાલ મહિલા પોલીસ અધિકારી દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. 

    પોલીસે ઉમેર્યું કે, એવી અફવા ફેલાઈ ગઈ હતી કે અન્ય લોકોના પણ વિડીયો બનાવવામાં આવ્યા છે. જે બાદ કેટલાક વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો. અત્યાર સુધીમાં અહીં કોઈ પણ મૃત્યુ થયું નથી કે મેડિકલ રિપોર્ટ પરથી આત્મહત્યાના પ્રયાસ કરવામાં આવ્યા હોય તેવી પણ બાબત સામે આવી નથી. તેમણે અફવાઓ ઉપર ધ્યાન ન આપવા માટે અપીલ કરી હતી. 

    આ અંગે ચંદીગઢ યુનિવર્સીટી દ્વારા પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. યુનિવર્સીટીએ જણાવ્યું કે સાત વિદ્યાર્થીનીઓએ આપઘાત કર્યાની અફવા ફેલાઈ રહી છે, પરંતુ સત્ય એ છે કે એક પણ છોકરીએ આવું પગલું ભર્યું નથી. કે આ બનાવમાં કોઈ વિદ્યાર્થીનીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી નથી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં