લોકસભા ચૂંટણી પહેલાં ભારતીય જનતા પાર્ટીએ કરેલો એક મોટો વાયદો હવે નવી નરેન્દ્ર મોદી સરકારે પૂર્ણ કર્યો છે. બુધવારે (11 સપ્ટેમ્બર) મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં 70 વર્ષથી વધુ વયના તમામ વૃદ્ધોને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આવરી લેવાના નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી.
મોદી સરકારના આ નિર્ણયથી 6 કરોડ વરિષ્ઠ નાગરિકો (સિનિયર સિટિઝન્સ) સહિત કુલ 4.5 કરોડ પરિવારોને ફાયદો થશે. આ વૃદ્ધોને કોઇ પણ આવકના બાધ વગર કે સામાજિક-આર્થિક સ્ટેટ્સને ધ્યાનમાં લીધા વગર આ યોજના હેઠળ 5 લાખ સુધી નિઃશુલ્ક હેલ્થ ઈન્સ્યોરન્સ કવર પૂરું પાડવામાં આવશે.
70+ વૃદ્ધોને આ યોજના હેઠળ નવાં કાર્ડ ઈસ્યુ કરવામાં આવશે. તેમજ જે પરિવારો પહેલેથી જ આયુષ્માન ભારત યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે તેમાં જે 70+ વૃદ્ધો હોય તેમને વાર્ષિક ₹5 લાખ સુધી વધારાનું ટોપ-અપ કવર આપવામાં આવશે. ઉપરાંત, જણાવવામાં આવ્યું છે કે જે વૃદ્ધો હાલ સેન્ટ્રલ ગવર્નમેન્ટ હેલ્થ સ્કીમ, એક્સ સર્વિસમેન કોન્ટ્રીબ્યુટરી હેલ્થ સ્કીમ, આયુષ્માન સેન્ટ્રલ આર્મદ પોલિસ ફોર્સ વગેરે જેવી સરકારી યોજનાનો લાભ મેળવી રહ્યા છે તેઓ કાં તો એ યોજના ચાલુ રાખવી શકશે અથવા તો આયુષ્માન ભારત પણ પસંદ કરી શકશે. ઉપરાંત, પ્રાઇવેટ હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી કે સરકારી ઇન્સ્યોરન્સ યોજના હેઠળ આવતા વરિષ્ઠ નાગરિકો પણ આ આયુષ્માન ભારત યોજનાનો લાભ લઇ શકશે.
નોંધનીય છે કે આયુષ્માન ભારત યોજના વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય વીમા યોજના છે, જે પ્રતિ પરિવાર ₹5 લાખ સુધીનું કવર પૂરું પાડે છે. જેનાથી કુલ 12.34 કરોડ પરિવારો અને 55 કરોડ વ્યક્તિઓને ફાયદો પહોંચ્યો છે. આ યોજના હેઠળ કુલ 7.37 કરોડ હોસ્પિટલ એડમિશન નોંધાયાં છે અને તેમાંથી 49% મહિલાઓ છે. ગુજરાત જેવાં અમુક રાજ્યોમાં આ લાભ ₹10 લાખ સુધી પણ કરવામાં આવ્યો છે.
કેબિનેટના નિર્ણયની ઘોષણા કરતાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, “આયુષ્માન ભારત યોજનામાં આજે એક નવો અધ્યાય જોડાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાયદો કર્યો હતો કે 70થી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકોને કવરેજ આપવામાં આવશે. અનેક પરિવારો એવા છે, જેમાં વરિષ્ઠ નાગરિકોને આવરી જ લેવામાં આવ્યા છે. તેમને વાર્ષિક પાંચ લાખનું ટોપ અપ કવરેજ આપવામાં આવશે.”
#WATCH | After the Cabinet meeting, Union Minister Ashwini Vaishnaw says, "PM Narendra Modi had made a commitment that all senior citizens above the age of 70 years will be given coverage under Ayushman Bharat PM Jan Arogya Yojana. There are many families which are already… pic.twitter.com/4MZRmDSaaf
— ANI (@ANI) September 11, 2024
તેમણે જણાવ્યું કે, જે પરિવારો આયુષ્માન ભારત યોજના હેઠળ આવતા ન હતા, તેમાં પણ જેઓ વરિષ્ઠ નાગરિકો (70+) છે તેઓ વાર્ષિક ₹5 લાખનો લાભ મળશે. આ નિર્ણયને મહત્વપૂર્ણ અને માનવતાવાદી ગણાવીને તેમણે કહ્યું કે, સમાજમાં હવે જે રીતે સંયુક્તમાંથી ન્યુક્લિયર પરિવારો થતા જાય છે તેને જોતાં સીનિયર સિટીઝનની સુરક્ષા અને સ્વાસ્થ્ય માટે આ અત્યંત જરૂરી છે.”