Saturday, March 14, 2026
More
    હોમપેજગુજરાતકોમનવેલ્થ ગેમ્સ 2030ની દાવેદારી માટે કેન્દ્રીય કેબિનેટની લીલી ઝંડી, અમદાવાદ હશે યજમાન:...

    કોમનવેલ્થ ગેમ્સ 2030ની દાવેદારી માટે કેન્દ્રીય કેબિનેટની લીલી ઝંડી, અમદાવાદ હશે યજમાન: બિડ સ્વીકારાય તો ગુજરાત માટે ગ્રાન્ટને પણ મંજૂરી

    PM નરેન્દ્ર મોદી વારંવાર 2036ની ઓલમ્પિક્સ ગેમ્સ ભારતમાં યોજવાની વાત કરી ચૂક્યા છે. ત્યારે CWGનું આયોજન એ ઉદ્દેશ્ય તરફ એક પગલું તરીકે જોવામાં આવે છે.

    - Advertisement -

    27 ઑગસ્ટે PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક મળી હતી, જેમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં કેબિનેટે કોમનવેલ્થ ગેમ્સ (CWG) 2030 માટે બિડ સબમિટ કરવા માટે યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. સૌથી મહત્વની બાબત એ છે કે ગુજરાતનું અમદાવાદ શહેર આ આંતરરાષ્ટ્રીય રમતોનું મુખ્ય યજમાન શહેર તરીકે પસંદ કરવામાં આવ્યું છે. આ નિર્ણય ભારતની રમતગમતની ક્ષમતાઓ અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વિશ્વ સમક્ષ રજૂ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

    નોંધનીય છે કે બેઠકમાં સંબંધિત મંત્રાલયો, વિભાગો અને સત્તાવાળાઓ તરફથી જરૂરી ગેરંટી સાથે હોસ્ટ કોલાબ્રેશન એગ્રીમેન્ટ (HCA) પર હસ્તાક્ષર કરવા અને બિડ સ્વીકારાય તો ગુજરાત સરકારને જરૂરી ગ્રાન્ટ-ઇન-એઇડ મંજૂર કરવાની મંજૂરી પણ આપી છે. આ અંગે સરકારે એક પ્રેસનોટ પણ જારી કરી છે. જેમાં ઉલ્લેખ છે કે, “કોમનવેલ્થ ગેમ્સમાં 72 દેશોના ખેલાડીઓ ભાગ લેશે. તેમાં રમતો દરમિયાન ભારતની મુલાકાત લેનારા મોટી સંખ્યામાં રમતવીરો, કોચ, ટેકનિકલ અધિકારીઓ, પ્રવાસીઓ, મીડિયા કર્મચારીઓ અને અન્ય લોકોની ભાગીદારીનો પણ સમાવેશ થશે, જેનાથી સ્થાનિક વ્યવસાયોને ફાયદો થશે અને આવક થશે.”

    નોંધનીય છે કે ભારત એક સમાવિષ્ટ કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવાનો પણ પ્રયાસ કરશે, જેમાં 2026 ગેમ્સમાંથી કાઢી નાખવામાં આવેલી ઘણી મેડલ ઇવેન્ટ્સ પાછી લાવવામાં આવશે. 2026ની કોમનવેલ્થ ગેમ્સમાંથી હૉકી, ક્રિકેટ, બેડમિન્ટન, કુસ્તી, ટેબલ ટેનિસ, ડાઇવિંગ, રગ્બી સેવન્સ, બીચ વોલીબોલ, માઉન્ટેન બાઇકિંગ, સ્ક્વોશ અને રિધમિક જિમ્નેસ્ટિક્સને કાઢી નાખવામાં આવી છે.

    - Advertisement -

    અમદાવાદની પસંદગી અને તૈયારીઓ

    અમદાવાદ ગુજરાતનું આર્થિક અને સાંસ્કૃતિક કેન્દ્ર છે. 2030ની કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટે અમદાવાદને મુખ્ય શહેર તરીકે પસંદ કરવામાં આવ્યું છે. શહેર પહેલેથી જ વિશ્વ-કક્ષાનાં સ્ટેડિયમ અને રમતગમતની સુવિધાઓથી સજ્જ છે, જેમાં વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ– નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જેવા અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અમદાવાદ 2023 ICC ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલનું સફળતાપૂર્વક આયોજન કરીને તેની ક્ષમતા દર્શાવી ચૂક્યું છે.

    આ ઉપરાંત, શહેરની સારી કનેક્ટિવિટી, આધુનિક હોટેલો અને પરિવહન સુવિધાઓ તેને આવા મોટા આયોજન માટે આદર્શ બનાવે છે. કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે આ ગેમ્સનું આયોજન ભારતની આર્થિક અને રમતગમતની પ્રગતિને વિશ્વ સમક્ષ રજૂ કરવાની તક આપશે. આ ઉપરાંત, આ વૈશ્વિક ઈવેન્ટથી સ્થાનિક અર્થતંત્રને, ખાસ કરીને પ્રવાસન, હોટેલ્સ અને નાના-મોટા ઉદ્યોગોને નોંધપાત્ર રીતે બળ મળશે.

    2036ના ઓલમ્પિક્સ તરફનું પગલું

    ઉલ્લેખનીય છે કે PM નરેન્દ્ર મોદી વારંવાર 2036ની ઓલમ્પિક્સ ગેમ્સ ભારતમાં યોજવાની વાત કરી ચૂક્યા છે. ત્યારે CWGનું આયોજન એ ઉદ્દેશ્ય તરફ એક પગલું તરીકે જોવામાં આવે છે. આ સિવાય એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ આ વર્ષની શરૂઆતમાં ભુવનેશ્વરમાં કોન્ટિનેન્ટલ ટૂર બ્રોન્ઝ-લેવલ મીટનું આયોજન કર્યું હતું. 2029 અને 2031 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ માટે અનુક્રમે ભુવનેશ્વર અને અમદાવાદમાં બિડ લગાવવાની યોજના ચાલી રહી છે.

    ભારતે આ પહેલાં 2010માં નવી દિલ્હી ખાતે કોમનવેલ્થ ગેમ્સનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. 2030ની ગેમ્સ ભારત માટે ફરી એકવાર વિશ્વ કક્ષાએ પોતાની યજમાનીની ક્ષમતા અને રમતગમતની પ્રતિભાને ઉજાગર કરવાની તક બનશે.

    કેન્દ્રીય કેબિનેટની મંજૂરી બાદ હવે ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA) અને ગુજરાત સરકાર કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન (CGF) સાથે મળીને બિડ પ્રક્રિયાને આગળ વધારશે. આયોજન માટે વિગતવાર યોજનાઓ, બજેટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની તૈયારીઓ ટૂંક સમયમાં શરૂ થશે. 2030ની કોમનવેલ્થ ગેમ્સ ભારત અને ખાસ કરીને અમદાવાદ માટે એક ઐતિહાસિક ક્ષણ બનવાની સંભાવના છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં