અયોગ્યતા રદ થતા NCP નેતા મોહમ્મદ ફૈઝલને સાંસદનું પદ પરત મળી ગયું છે. લોકસભા સચિવાલયે તેના અગાઉના આદેશને રદ કરી દીધો છે અને ફૈઝલનું લોકસભા સભ્યપદ ફરીથી પ્રસ્થાપિત કર્યું છે. તાજેતરમાં જ ફૈઝલનું લોકસભાનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. આ પછી લોકસભા સચિવાલયે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલા જ આ આદેશ જાહેર કરી દીધો હતો.
NCP નેતા મોહમ્મદ ફૈઝલને કેરળ હાઈકોર્ટે 10 વર્ષની જેલની સજા સંભળાવ્યા બાદ લોકસભા સચિવાલયે તેમને સંસદ પદ પરથી અયોગ્ય જાહેર કર્યા હતા. આ પછી ચૂંટણી પંચે પણ આ બેઠક પર પેટાચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી. આ મામલે સુપ્રીમ કોર્ટમાં બુધવારે (29 માર્ચ 2023) સુનાવણી થવાની હતી.
The Lok Sabha membership of Lakshadweep MP Mohammad Faizal restored by Lok Sabha Secretariat after the High court stayed his conviction in a criminal case. pic.twitter.com/gqQa4qj6xR
— ANI (@ANI) March 29, 2023
જો કે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થાય તે પહેલા જ લોકસભા સચિવાલયે પોતાનો અગાઉનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો અને ફૈઝલના સભ્યપદને પૂર્વવત કરી દીધુ હતું. આ પછી સુપ્રીમ કોર્ટે પણ આ અરજીનો નિકાલ કર્યો હતો. આ સાથે ચૂંટણી પંચે તે બેઠક પર પેટાચૂંટણીનો નિર્ણય પણ રદ કરી દીધો હતો.
લોકસભા સચિવાલયના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા ફૈઝલે કહ્યું કે સભ્યપદ પુનઃસ્થાપિત કરવામાં વિલંબ પ્રશંસનીય નથી. તેમણે જણાવ્યું કે, “મારી સજા જાહેર થયાના બીજા જ દિવસે લોકસભા સચિવાલયે ઉતાવળે મને ગેરલાયક ઠરાવવાનો નિર્ણય કર્યો હતો. કમસેકમ મારું રદ થયેલ સભ્યપદ પણ એટલી ઝડપથી જ પુન:સ્થાપિત થવું જોઈએ.”
#WATCH | This delay in revoking my membership is not appreciated. The Secretariat took the decision of disqualifying me, the very next day my conviction was declared, at least that swiftness should have been shown for revoking my membership: Lakshadweep MP Mohammad Faizal pic.twitter.com/E8kvau6ucH
— ANI (@ANI) March 29, 2023
વાસ્તવમાં ફૈજલને હત્યાના પ્રયાસના કેસમાં લક્ષદ્વીપની કોર્ટે 10 વર્ષની જેલની સજા સંભળાવી હતી. આ કેસ 2009 માં એક વ્યક્તિની હત્યાના પ્રયાસના કેસ સાથે સંબંધિત છે. લક્ષદ્વીપની સેશન્સ કોર્ટે 11 જાન્યુઆરી 2023ના રોજ તેને સજા સંભળાવી હતી.
ત્યારબાદ લોકસભા સચિવાલયે 13 જાન્યુઆરી, 2023 ના રોજ એક જાહેરનામું બહાર પાડીને બે ટર્મના સાંસદ મોહમ્મદ ફૈઝલને ગેરલાયક ઠેરવ્યા હતા. ફૈઝલની સંસદમાં વિદાય બાદ ચૂંટણી પંચે તે બેઠક પર લોકસભાની પેટા ચૂંટણીની જાહેરાત કરી હતી.
આ નિર્ણય સામે મોહમ્મદ ફૈઝલે કેરળ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. 25 જાન્યુઆરી 2023ના રોજ કેરળ હાઈકોર્ટની સિંગલ બેંચે મોહમ્મદ ફૈઝલની સજાને સ્થગિત કરી દીધી હતી. ન્યાયાધીશ બેચુ કુરિયન જોસેફે જણાવ્યું હતું કે સાંસદની નજીક કોઈ ઘાતક હથિયાર મળી આવ્યું નથી અને પીડિતાને ગંભીર ઈજાઓ પણ નહોતી પહોંચી.
લક્ષદ્વીપ સરકારે કેરળ હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે પણ આ મામલાનો સ્વીકાર કરીને સુનાવણીની તારીખ 29 માર્ચ 2023 નક્કી કરી હતી. જો કે સુનાવણી શરૂ થાય તે પહેલા જ લોકસભા સચિવાલયે પોતાનો નિર્ણય ફેરવી તોળ્યો હતો અને ચૂંટણી પંચે પેટાચૂંટણી પણ રદ કરી દીધી હતી.
નોંધનીય છે કે આવા જ એક કિસ્સામાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની સદસ્યતા રદ કરવામાં આવી છે. તેમને આપેલું સરકારી મકાન ખાલી કરવાની નોટિસ પણ આપવામાં આવી છે. આ અંગે દેશભરમાં હંગામો ચાલી રહ્યો છે. આ દરમિયાન મોહમ્મદ ફૈઝલનો મામલો સામે આવ્યા બાદ કોંગ્રેસના નેતાઓમાં આશા જાગી છે.