ગુજરાતની બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું સંખ્યાબળ વધુ હોવાથી છેલ્લી બે ટર્મથી કોંગ્રેસનો દબદબો રહ્યો છે. જિલ્લામાં સાંસદ ભાજપના હોવા છતાં પણ જિલ્લાની આઠ પૈકી ચાર બેઠકો પર હજુય કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટાઈ આવ્યા છે. આમ લોકચાહના છતાં વહીવટમાં કોંગ્રેસમાં ક્યાંક ક્ષતિ રહી જતી હોય અથવા આંતરિક ગજગ્રાહને કારણે હંમેશા કોંગ્રેસને નુકશાન વેઠવુ પડે છે. ત્યારે મંગળવારે પણ બજેટ માટે યોજાયેલ સાધારણ સભામાં ખુદ શાસક સમર્થક નવ સભ્યોની ગેરહાજરીને કારણે રૂા. 27 કરોડથી વધુનું પુરાંતવાળુ બજેટ નામંજુર થયુ છે.
અહેવાલો મુજબ મંગળવારે બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં વર્ષ 2025-2024 નુંઅંદાજપત્ર મંજુર કરવા માટે જિલ્લા પંચાયતના સભાખંડમાં યોજવામાં આવેલ સાધારણ સભામાં ચૂંટાયેલ કુલ 66 પૈકી 56 સભ્યો જ ઉપસ્થિત રહ્યા હતા. તેમાં ભાજપના 29 અને કોંગ્રેસના 27 સભ્યોની હાજરીમાં પ્રમુખસ્થાનેથી બજેટ રજુ કરવા માટે સુચના આપવામાં આવતા જ વિપક્ષે બહુમતી અનુસાર નિર્ણય લેવા જણાવેલ તેમાં કોંગ્રેસનુ કુલ સંખ્યા બળ 36 હોવા છતાં પણ મંગળવારે નવ સભ્યો ગેરહાજર રહેતા કોંગ્રેસ રજુ કરેલ બજેટ દરમ્યાન કોંગ્રેસના નવ સભ્યોની ગેરહાજરીને કારણે કોગ્રેસને મ્હાત મળી હતી. અને ભાજપના 9 સભ્યોએ હાજર રહી અને વિરોધ કરતાં કોંગ્રેસ દ્વારા રજુ કરાયેલ બજેટમાં બહુમતિના અભાવે બજેટ મંજુર થઇ શક્યુ નહોતું.
આથી તાત્કાલિક કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અને મોવડી મંડળ સમક્ષ મામલો રજુ કરવામાં આવતાં સત્તાની મુદત પુરી થાય તે પહેલા બજેટ મંજુર કરાવવા માટે સભ્યો સાથે બેઠક યોજી ખાસ સાધારણ સભા બોલાવી મુદત પૂર્ણ થાય તે પહેલા બજેટ મંજૂર કરાવવા માટે જિલ્લા પ્રમુખ સાથે બેઠક કરવામાં આવી હતી.
આ મહિનાની 16 તારીખ પહેલા બજેટ મંજુર કરવા આયોજન કરવામાં આવી રહ્યુ છે. જો કે કોંગ્રેસ પ્રમુખ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે બે સભ્યો રજા પર હતાં અને બાકીના સમર્થન આપનારા સભ્યો આજે હોળીના તહેવારની ઢુંઢમાં ગયા હોવાથી આવી શક્યા ન હતાં.
ભાજપે લીધો બદલો
નોંધનીય છે કે એવી વાતો પણ થઇ રહી છે કે ગત વખતે ભાજપની બોડી હતી તે વખતે કોંગ્રેસે બજેટની હોળી કરીને વિરોધ નોંધાવ્યો હતો. આ વખતે ભાજપે તેનો બદલો લીધો છે. આમ વિરોધ પક્ષમાં હોવા છતાંય ભાજપની ચાણક્યનીતિ હાલ પૂરતી કામ કરી ગઈ હોય તેવું ભાસી રહ્યું છે.
જોકે નાણાપંચ અને સ્વભંડોળની ગ્રાન્ટો બાબતે ભાજપ કોંગ્રેસ એક થયા સર્વાનુમતે નિર્ણયને બહાલી આપી હતી. 16 માર્ચે જિલ્લા પંચાયતની ટર્મ પૂરી થાય છે, નિયમ મુજબ નવ દિવસમાં બીજી બેઠક બોલાવી શકાય છે, એટલે હવે ફરી 16 માર્ચે બજેટ માટે બેઠક મળશે. સભ્યો ગેરહાજર રહેવા મુદ્દે કોંગ્રેસી નેતાઓએ કહ્યું ઢુંઢના કાર્યક્રમ હોવાથી કેટલાક સભ્યો ગેરહાજર રહ્યા હતા.