બોમ્બે હાઈકોર્ટે કાયદાનો અભ્યાસ કરનારા ચાર વિદ્યાર્થીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી એક અરજીને ફગાવી દીધી છે. દાખલ કરવામાં આવેલી આ અરજીમાં મહારાષ્ટ્ર સરકારના 22 જાન્યુઆરીએ રજા જાહેર કરવાના આદેશને પડકારવામાં આવ્યો હતો. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, રાજ્ય સરકારનો આ નિર્ણય બંધારણની વિરુદ્ધ પણ છે અને દેશના સેક્યુલરિઝમ માટે પણ જોખમ છે. કોર્ટે રવિવારે (21 જાન્યુઆરી, 2024) તેની ઉપર સુનાવણી હાથ ધરીને ફગાવી દીધી હતી.
રવિવારે (21 જાન્યુઆરી) બોમ્બે હાઈકોર્ટે કાયદાનો અભ્યાસ કરતાં ચાર વિદ્યાર્થીઓની અરજી ફગાવી દીધી છે. અરજીમાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાને લઈને 22 જાન્યુઆરીએ મહારાષ્ટ્ર સરકારના રજા જાહેર કરવાના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો. ન્યાયમૂર્તિ જીએસ કુલકર્ણી અને ન્યાયમૂર્તિ નીલા ગોખલેની વિશેષ પીઠે સુનાવણી દરમિયાન કહ્યું કે, ‘રાજ્ય દ્વારા સત્તાનો આવી રીતે પ્રયોગ કરવો તે મનસ્વીપણું નહીં પરંતુ પંથનિરપેક્ષ સિદ્ધાંતોને અનુરૂપ છે. સાથે કોર્ટે એવું પણ કહ્યું હતું કે, “કોર્ટનો મત એ છે કે, આવો કોઈપણ નિર્ણય વહિવટી તંત્રના અધિકાર ક્ષેત્ર હેઠળ આવે છે.’
Breaking | Bombay High Court Rejects PIL Challenging Maharashtra Govt's Declaration Of Public Holiday On Ram Mandir Consecration Day
— Live Law (@LiveLawIndia) January 21, 2024
reports @CourtUnquote #RamMandir #Publicholiday #BombayHighCourt https://t.co/lyztusEXDE
સાથે જ કોર્ટ દ્વારા એ પણ કહેવામાં આવ્યું હતું કે, “અમારા માટે એ માનવું મુશ્કેલ છે કે કાયદાના વિદ્યાર્થીઓ કે જેમણે હજુ આ વ્યવસાયમાં પ્રવેશ પણ કર્યો નથી, તેમણે અરજીમાં આવા આક્ષેપો કર્યા છે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી કે આ PIL કોઈ બીજાં જ અપ્રસ્તુત કારણોસર દાખલ કરવામાં આવી છે.” સાથે કોર્ટે વધુમાં કહ્યું હતું કે, “આ અરજી ક્ષુલ્લક છે અને તેમાં કોર્ટના હસ્તક્ષેપની કોઇ જરૂર નથી.”
કોર્ટે આ દરમિયાન એક દલીલને ટાંકીને એમ પણ કહ્યું કે, આ અરજી રાજકીય ઈરાદાઓથી પ્રેરિત અને પબ્લિસિટી મેળવવા માટેનું એક સાધન હોય તેમ લાગે છે.
Order
— Live Law (@LiveLawIndia) January 21, 2024
We find weight in the submission of Dsr. Saraf that the petition has political overtones. It appears to be politically motivated and publicity- seeking petition. The glare for publicity appears to be apparent. #RamMandir #BombayHC
શું હતો વિવાદ?
મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે 22 જાન્યુઆરીએ જાહેર રજા આપવાનું એલાન કર્યું હતું. જેની વિરુદ્ધ બૉમ્બે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ અરજી ચાર કાયદાશાસ્ત્રનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓએ કરી હતી. મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણયને પડકારવામાં આવ્યો હતો અને ‘સેક્યુલરિઝમ’નો હવાલો આપવામાં આવ્યો છે. સાથે એવી પણ દલીલ કરવામાં આવી હતી કે આવો આદેશ બંધારણની વિરુદ્ધ છે. આ અરજી પર તાત્કાલિક સુનાવણી કરવા માટે માંગ કરવામાં આવી હતી.
અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે, સમાજના કોઇ એક વર્ગ કે ચોક્કસ ધાર્મિક સમુદાયના તુષ્ટિકરણ માટે આ પ્રકારે રજા જાહેર કરી શકાય નહીં. એવું પણ કહેવામાં આવ્યું હતું કે, ધાર્મિક કામો માટે સરકારી ખજાનાનો ઉપયોગ કરવો એ બંધારણના આર્ટિકલ 27નું ઉલ્લંઘન છે અને સરકાર કોઇ ધર્મ સાથે પોતાને સાંકળી શકે નહીં કે તેનો પ્રચાર કરી શકે નહીં. કહેવાયું હતું કે, ‘એક હિંદુ મંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં જાહેરમાં સહભાગી થઈ ઉજવણી કરી, એક ચોક્કસ ધર્મ સાથે પોતાને સાંકળવાનો સરકારનો પ્રયાસ એ સેક્યુલરિઝમ (પંથનિરપેક્ષતા)ના સિદ્ધાંતો પર સીધો હુમલો છે.’