બોલીવુડ એક્ટર અક્ષય કુમાર તેની કેનેડાની નાગરિક્તાને લઈને ઘણીવાર આલોચકો દ્વારા ટ્રોલ થતાં રહ્યા છે. આખરે દેશના 77મા સ્વતંત્રતા દિવસના અવસર પર અક્ષય કુમારને ભારતની નાગરિકતા મળી ગઈ છે.
તેમણે ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ નાગરિકતાના દસ્તાવેજો સાથે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી છે. ‘OMG-2’ એક્ટરે X (ટ્વિટર) પર લખ્યું, “દિલ અને નાગરિકતા, બંને હિંદુસ્તાની. સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ! જય હિંદ!”
Dil aur citizenship, dono Hindustani.
— Akshay Kumar (@akshaykumar) August 15, 2023
Happy Independence Day!
Jai Hind! 🇮🇳 pic.twitter.com/DLH0DtbGxk
ભારતીય નાગરિકતા માટે 2019માં કર્યું હતું આવેદન
‘OMG-2’ એક્ટર અક્ષય કુમારે થોડા સમય પહેલા એક ઈન્ટરવ્યૂમાં જાણકારી આપી હતી કે તેમણે ભારતીય નાગરિકતા માટે 2019માં જ આવેદન કર્યું હતું અને જલ્દીથી જ તેને દેશની નાગરિકતા મળી જશે.
લગભગ 33 વર્ષ પહેલા તેમણે વર્ષ 1990માં ભારતની નાગરિકતા છોડી હતી. તે દરમિયાન તેમની ફિલ્મો ભારતમાં ચાલી રહી નહોતી. આ કારણે તેમણે કેનેડાની નાગરિકતા લીધી હતી. એ દરમિયાન તે કામને લીધે કેનેડામાં રહેવાનું વિચારી રહ્યા હતા. ત્યારબાદ બોલીવુડમાં પણ તેમનું કરિયર ખીલવા લાગ્યું અને તેમણે કેનેડા જવાનો નિર્ણય છોડી દીધો.
તેમણે પોતે એક ઈન્ટરવ્યૂ દરમિયાન કેનેડાની નાગરિકતા લેવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “જ્યારે મારી ફિલ્મો ચાલી રહી નહોતી, ત્યારે વિચાર્યું હતું કે હું બીજે જઈને કામ કરીશ. કેનેડામાં મારો એક મિત્ર હતો. તે કહેતો હતો કે અહી આવી જા. મને લાગ્યું કે મારુ નસીબ અહી કામ નથી કરતું તેથી હું ત્યાં ગયો.”
આ સમય દરમિયાન જ તેમણે ત્યાંની નાગરિકતા માટે અરજી કરી હતી અને તેને ત્યાંની નાગરિકતા મળી હતી. તેમણે જણાવ્યું હતું કે આ પછી બોલીવુડમાં તેની ફિલ્મો ચાલવા લાગી હતી. પછી તેમણે વિચાર્યું કે તે અહી (ભારતમાં) જ રહેશે.
કેનેડાના નાગરિક હતા અક્ષય કુમાર
બોલીવુડ એક્ટર અક્ષય કુમાર ભારતની નાગરિકતા મળ્યા પહેલા કેનેડાના નાગરિક હતા. આ કારણે તે ઘણીવાર ટ્રોલિંગનો શિકાર થતાં રહ્યા છે. લાંબા સમયથી પોતાની નાગરિક્તાને લઈને તેઓ ભારતમાં આલોચકોના નિશાના પર રહ્યા હતા.
તેમને સોશિયલ મીડિયા પર પણ ‘કેનેડા કુમાર’ કહીને ટ્રોલ કરવામાં આવતા હતા. આજતકને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે આ અંગેનું પોતાનું દુખ વ્યક્ત કર્યું હતું. તેમણે ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જ્યારે લોકો તેમની કેનેડીયન નાગરિકતાનું કારણ જાણ્યા વગર કઈ પણ બોલે છે ત્યારે તેમને ખૂબ જ ખરાબ લાગે છે.
અક્ષય કુમારને એક સાથે મળી બે ખુશખબરી
આ દિવસોમાં તે પોતાની ફિલ ‘OMG-2ને લઈને ચર્ચામાં છે. અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠીની આ ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મે શુક્રવાર (11 ઓગસ્ટ) કરતાં સોમવારે (14 ઓગસ્ટે) વધુ કમાણી કરી હતી. ‘બોલીવુડ હંગામા’ના રિપોર્ટ અનુસાર, ‘OMG-2’એ સોમવારે 11-12 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ત્યારબાદ અક્ષય કુમારની ફિલ્મનું ચાર દિવસનું ટોટલ કલેક્શન 54 કરોડ રૂપિયા થઈ ગયું છે.
આ સાથે જ અક્ષય કુમારને ભારતની નાગરિકતા આપવામાં આવતા તેમની ખુશીમાં વધારો થયો છે. આ ખુશીની વચ્ચે તે ફિલ્મમાં ભગવાન શંકરના રોલને લઈને થયેલા વિરોધનો ગમ પણ ભૂલી ગયા છે. આ ફિલ્મમાં તે શિવજીના ગણના રોલમાં છે. ફિલ્મમાં મહાકાલના પૂજારીના પરિજનને યૌન શોષક બતાવવામાં આવ્યો છે. તેને લઈને હિંદુ સંગઠનોએ વિરોધ કર્યો હતો.