હૈદરાબાદમાં ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા નેતા ટી રાજા સિંહ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. રામનવમી શોભાયાત્રા દરમિયાન તેમણે આપેલા ભાષણને ‘ભડકાઉ’ ગણાવીને તેમની સામે FIR દાખલ કરવામાં આવી છે. અફઝલગંજ પોલીસે SI જે વીરા બાબૂની ફરિયાદના આધારે આઈપીસી કલમ 153-એ (ધર્મ, જાતિ, જન્મ સ્થાન, નિવાસ સ્થાન, ભાષા વગેરેના આધારે વિવિધ સમૂહો વચ્ચે દુશ્મનાવટ પેદા કરવી) અને 506 (ફોજદારી ધમકીની સજા) હેઠળ આ કેસ નોંધ્યો છે.
એસઆઈના જણાવ્યા મુજબ, તેઓ એસએ બજારમાં ડ્યુટી પર તૈનાત હતા એ દરમિયાન ટી રાજા સિંહે રામનવમીના દિવસે ત્યાં રેલીને સંબોધિત કરી હતી. ફરિયાદમાં જણાવવામાં આવ્યું કે 30 માર્ચે રાજા સિંહે વાંધાજનક ભાષણ આપ્યું હતું અને જેમાં તેમણે કોઈના બાપથી ન ડરીને ભગવાન રામને ગાળો દેનારાઓનું મોં બંધ કરવા માટે કહ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે, હિંદુત્વ માટે લડતાં-લડતાં મૃત્યુ પણ આવ્યું તો તેઓ ખુશી-ખુશી તેનો પણ સ્વીકાર કરશે.
ફરિયાદમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો કે તેમણે પોલીસકર્મીઓને સંબોધીને કહ્યું હતું કે, તેઓ નિવૃત્ત થશે તો તેમની બેન-દીકરીઓ પણ લવ જેહાદ અને અપહરણનો શિકાર બનશે. તેમણે પોતાને અને પરિવારને મળેલી ધમકીઓનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, પરિવાર તરફ આંખ ઉઠાવનારાઓનું નામનિશાન ખતમ કરી નાંખશે. પોલીસે આ નિવેદનોને ભડકાઉ અને શાંતિ-સદ્ભાવ બગાડનારાં ગણાવીને કેસ દાખલ કર્યો છે.
મને ધમકી મળે તો કોઈ એફઆઈઆર નથી કરતું
પોતાના પર થયેલી એફઆઈઆર મામલે રાજા સિંહે ઑપઇન્ડિયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે, મને દેશ-વિદેશથી મોતની ધમકી મળે છે પણ હૈદરાબાદ પોલીસ તેની FIR નથી કરતી. તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆરને આઠમા નિઝામ અને હૈદરાબાદ પોલીસને રઝાકારોની ફોજ ગણાવતા રાજા સિંહે કહ્યું કે, ‘પોલીસને માત્ર મારા નિવેદનો વાંધાજનક લાગે છે.’ રાજા સિંહનો દાવો છે કે તેમને મળતી ધમકીઓના પુરાવા સ્થાનિક પોલીસ, ડીજીપી અને કમિશનરને મોકલ્યા હોવા છતાં કોઈ કેસ નોંધવામાં નથી આવ્યો.
ભાજપ નેતા ટી રાજા સિંહ દાવો કરે છે કે, રામનવમીની શોભાયાત્રામાંથી પરત ફરી રહેલા તેમના સમર્થકો પર ઓવૈસીના પ્રભુત્વવાળા ચારમિનાર વિસ્તારમાં હુમલો કરવામાં આવ્યો હતો, જેના પર પોલીસે નામ માત્ર કેસ નોંધ્યો છે. પોતાના આરોપોના સમર્થનમાં રાજા સિંહે અમને એક વીડિયો પણ મોકલ્યો છે જેમાં ભગવા પહેરેલા કેટલાક યુવકો પર એક ટોળાએ હુમલો કર્યો હતો.