Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆસામ : ગુવાહાટી નગર નિગમની ચૂંટણીમાં NDAનો ભવ્ય વિજય : 60 માંથી...

    આસામ : ગુવાહાટી નગર નિગમની ચૂંટણીમાં NDAનો ભવ્ય વિજય : 60 માંથી 58 બેઠકો કબજે કરી, કોંગ્રેસનું ખાતું પણ ન ખૂલ્યું!

    આસામના સહુથી મોટા શહેર ગુવાહાટીની નગર નિગમની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ ખૂબ મોટી જીત મેળવી છે જ્યારે કોંગ્રેસે તેનું ખાતું પણ ખોલાવ્યું નથી.

    - Advertisement -

    આસામના પાટનગર ગુવાહાટીની નગર નિગમની ચૂંટણીમાં ભાજપ ગઠબંધનને (NDA) પ્રચંડ જીત મળી છે. ગુવાહાટી નગર નિગમની ચૂંટણી દરમ્યાન કુલ 60 બેઠકોમાંથી 58 બેઠકો ભાજપ ગઠબંધનને મળી છે, જ્યારે દેશની બીજી સૌથી મોટી અને દાયકાઓ સુધી આસામમાં શાસન કરનારી પાર્ટી કોંગ્રેસ પોતાનું ખાતું પણ ખોલી શકી ન હતી.

    ગુવાહાટી નગર નિગમ ચૂંટણી પરિણામમાં NDAને મળેલી કુલ 58 બેઠકો પૈકી 52 બેઠકો પર ભાજપના ઉમેદવારનો વિજય થયો છે. જેમાંથી પણ ત્રણ બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જીત્યા હતા. જ્યારે ભાજપની સહયોગી પાર્ટી અસોમ ગણા પરિષદે બાકીની છ બેઠકો મેળવી હતી. જ્યારે કોંગ્રેસ પાર્ટીને એક પણ બેઠક મળી ન હતી. કોંગ્રેસ કરતાં સારું પ્રદર્શન આમ આદમી પાર્ટીનું રહ્યું હતું, જેણે એક બેઠક મેળવી હતી.

    વિકાસના એજન્ડા પર નિર્માણ માટે જનતાએ જનાદેશ આપ્યો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

    - Advertisement -

    ચૂંટણીમાં જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને પાર્ટી કાર્યકર્તાઓ અને જનતાને અભિનંદન પાઠવ્યા હતા. વડાપ્રધાને કહ્યું કે, “વિકાસના એજન્ડા પર નિર્માણ માટે ગુવાહાટીની જનતાએ ભાજપને મોટો જનાદેશ આપ્યો છે, તેમજ તેની સાથે જનતાએ રાજ્ય સરકારની મહેનતને પણ આશીર્વાદ આપ્યા છે. જે માટે ગુવાહાટીના લોકોનો આભાર. સખત મહેનત માટે દરેક ભાજપ કાર્યકર્તાનો હું આભાર વ્યક્ત કરું છું.”

    ઐતિહાસિક જીત બદલ જનતાને નમન : આસામ સીએમ

    આ ઉપરાંત, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પણ ભાજપ અને સહયોગી પાર્ટીને જીત અપાવવા બદલ જનતાનો આભાર માનતા કહ્યું કે, “આ ઐતિહાસિક જીત અપાવવા બદલ હું ગુવાહાટીના લોકોને નમન કરું છું. આ વિશાળ જનાદેશ થકી લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં અમારી વિકાસયાત્રામાં તેમના વિશ્વાસની પુષ્ટિ કરી છે.”

    આ પહેલાંની ચૂંટણીમાં કોંગ્રેસ જીતી હતી

    અહીં એ પણ નોંધવું જોઈએ કે, આ પહેલાં ગુવાહાટી નગર નિગમની ચૂંટણી 2013 માં થઇ હતી. તે સમયે કોંગ્રેસ પાર્ટીએ કુલ 31 માંથી 19 વોર્ડ જીત્યા હતા. ત્યારે ભાજપને ફાળે 11 બેઠકો આવી હતી. આ વખતે વોર્ડની સંખ્યા વધારીને 60 કરવામાં આવી હતી, જેમાંથી પચાસ ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી હતી. 60 બેઠકો પર કુલ 200 ઉમેદવારો ઉભા રહ્યા હતા.

    નગર નિગમની ચૂંટણીમાં ભાજપે પોતાના 53 ઉમેદવારોને મેદાને ઉતાર્યા હતા, જેમાંથી 52 પર પાર્ટી જીતી હતી. જ્યારે ભાજપની સહયોગી પાર્ટી એજીપીએ સાત બેઠકો પર ચૂંટણી લડી, તેમાંથી 6 પર જીત મેળવી હતી. કોંગ્રેસ પાર્ટીએ કુલ 55 બેઠકો પર ચૂંટણી લડી હતી, પરંતુ એક પણ સીટ નસીબમાં આવી ન હતી. આમ આદમી પાર્ટીએ 39 વોર્ડમાં પોતાના ઉમેદવારો ઉતાર્યા હતા, જેમાંથી માત્ર એક બેઠક પર તેમને જીત મળી હતી.

    કોંગ્રેસ પાર્ટીનો ગઢ કહેવાતું હતું આસામ, આજે એક બેઠક પણ ન મળી

    સ્વતંત્રતા બાદથી ઘણાં દાયકાઓ સુધી આસામમાં કોંગ્રેસ પાર્ટીનું જ શાસન રહ્યું હતું અને રાજ્ય કોંગ્રેસનો ગઢ કહેવાતું હતું. સૌથી વધુ વર્ષો સુધી આસામમાં સત્તા પર રહેવાનો રેકોર્ડ કોંગ્રેસના સ્વર્ગીય નેતા તરૂણ ગોગોઈના નામે બોલે છે. તેઓ 2001 થી 2016 એમ પંદર વર્ષ સુધી આસામના સીએમ રહ્યા હતા.

    જોકે, 2016 માં યોજાયેલી આસામ વિધાનસભા ચૂંટણીમાં સૌપ્રથમ વખત 86 બેઠકો મેળવીને ભાજપે સત્તા મેળવી હતી અને સર્બાનંદ સોનાવાલ મુખ્યમંત્રી બન્યા હતા. જે બાદ 2021 માં ભાજપ હિમંતા બિસ્વા સરમાના ચહેરા પર ચૂંટણી લડ્યું હતું અને ફરીથી બહુમતીથી સત્તા મેળવી લીધી હતી. હાલ હિમંતા સરમા આસામના મુખ્યમંત્રી છે.

    એ પણ નોંધવું જોઈએ કે હિમંતા બિસ્વા સરમા અગાઉ કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતા ગણાતા હતા અને તરૂણ ગોગોઈ સરકારમાં વિવિધ મંત્રાલય પણ સંભાળી ચૂક્યા હતા. જોકે, વર્ષ 2015 માં કોંગ્રેસ હાઈકમાન્ડ અને રાહુલ ગાંધી સાથે વિવાદ થતાં તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા અને 2016 ની ચૂંટણીમાં ભાજપ માટે પ્રચાર કર્યો હતો અને પાર્ટીને સત્તા સુધી પહોંચાડી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં