Friday, October 11, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબિપરજોય: ગૃહમંત્રી અમિત શાહ આજે પહોંચશે કચ્છ, મુખ્યમંત્રી સાથે વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોનો...

    બિપરજોય: ગૃહમંત્રી અમિત શાહ આજે પહોંચશે કચ્છ, મુખ્યમંત્રી સાથે વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોનો મેળવશે તાગ, હવાઈ નિરીક્ષણ પણ કરી શકે

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી અમિત શાહ કચ્છના ભુજ ખાતે પહોંચશે અને પરિસ્થિતિનો તાગ મેળવશે.

    - Advertisement -

    ‘બિપરજોય’ વાવાઝોડાના સંકટમાંથી ગુજરાત હેમખેમ બહાર નીકળ્યું છે. કચ્છના જખૌ ખાતે વાવાઝોડું લેન્ડફૉલ થયા બાદ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે તારાજી સર્જાઈ હતી. જોકે, તંત્રની સતર્કતા તેમજ રાહત અને બચાવ કામગીરીની આગોતરી તૈયારીને પગલે જાનમાલનું કોઈ મોટું નુકસાન નથી થયું. પરંતુ, વૃક્ષો, વીજ થાંભલા વગેરે મોટી સંખ્યામાં ધરાશાયી થયા છે અને કેટલાક વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો છે. જે રિસ્ટોર કરવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે. દરમિયાન, આજે (17 જૂન, 2023) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કચ્છના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે તેવા અહેવાલો મળી રહ્યા છે.

    કચ્છ પર બિપરજોયની ઘાત જોતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ ગૃહમંત્રીએ મોરચો સંભાળ્યો હતો અને આ આફતના લેન્ડફૉલના બે દિવસ પહેલાં 13 જૂને તેલંગાણાનો પ્રવાસ રદ કરીને દિલ્હીમાં સમીક્ષા બેઠક કરી હતી. અહેવાલ અનુસાર, આજે 9થી 10 વાગ્યા સુધીમાં તેઓ અમદાવાદ આવી શકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી અમિત શાહ કચ્છના ભુજ ખાતે પહોંચશે અને પરિસ્થિતિનો તાગ મેળવશે. ગઈકાલે રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરીને હાલની સ્થિતિ વિશે જાણકારી મેળવી હતી.

    ગૃહમંત્રી અમિત શાહ હવામાન અનુકૂળ રહ્યું તો કચ્છમાં હવાઈ નિરીક્ષણ પણ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, બિપરજોયથી કચ્છ અને સૌરાષ્ટ્રમાં એકપણ માનવીય મૃત્યુ નથી થયું પરંતુ, 92 જેટલા પશુઓનાં મોત થયાં છે. તો વાવાઝોડાને કારણે 3,700 કિમીનો રોડ ક્ષતિગ્રસ્ત થયો હોવાનું પણ સામે આવ્યું છે. તોફાનમાં 34 લોકો ઈજાગ્રસ્ત થયા છે. કચ્છમાં બિપરજોય લેન્ડફૉલ થયા બાદ સૌથી મોટો પડકાર વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાનો છે. 125થી 150 કિમી પ્રતિ કલાકની પવનની ગતિને લીધે લગભગ 19,500 વીજપોલ ધરાશાયી થયા છે, જેમાંથી 1,500 જેટલા થાંભલા ફરી ઊભા કરવામાં આવ્યા છે.

    - Advertisement -

    કચ્છ-સૌરાષ્ટ્રમાં વાવાઝોડાને કારણે થયેલા નુકસાન અંગે મુખ્યમંત્રીએ જિલ્લાના ડીએમ પાસે રિપોર્ટ માગ્યો છે. મુખ્યમંત્રીએ વાવાઝોડાના લેન્ડફોલની રાત્રે અને બીજા દિવસે કંટ્રોલ રૂમમાંથી મીટિંગ કરી હતી અને રાહત-બચાવમાં લાગેલા કર્મીઓની પણ પ્રશંસા કરી હતી. વાવાઝોડાને પગલે સ્થળાંતર કરાયેલા લોકોને કૅશ ડોલ્સ એટલે કે સહાય રકમ આપવામાં આવશે.

    વાવાઝોડાથી અસરગ્રસ્ત જિલ્લાના કલેક્ટરો દ્વારા રિસ્ટોરેશનની કામગીરી શરુ કરવામાં આવી છે. પંચાયત વિભાગના ઈજનેરોને કચ્છ સહિતના જિલ્લાઓમાં મોકલવામાં આવ્યા છે, જે નુકસાનીનો સર્વે કરશે. ઉલ્લેખનીય છે કે, વાવાઝોડાની શરૂઆતથી જ તંત્રએ પ્રશંસનીય કામ કર્યું છે. બીજી તરફ હવામાન વિભાગે આજે રાજ્યના 12 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં