Sunday, October 13, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબિહારમાં ફરી લઠ્ઠાકાંડ: મોતિહારીમાં ઝેરી દારૂએ 15થી વધુ લોકોનો ભોગ લીધો, અનેક...

    બિહારમાં ફરી લઠ્ઠાકાંડ: મોતિહારીમાં ઝેરી દારૂએ 15થી વધુ લોકોનો ભોગ લીધો, અનેક બીમાર 

    મૃતકોના પરિજનોનું કહેવું છે કે ગુરુવારે સાંજે એક ગામમાં ઘઉંના પાકની લણણી બાદ ખેતરમાં દારૂની પાર્ટી થઇ હતી, ત્યારબાદ સવારે બધાની તબિયત બગડવાની શરૂ થઇ હતી.

    - Advertisement -

    બિહારમાં ફરી લઠ્ઠાકાંડ થયો છે. રાજ્યના મોતીહારીમાં ઝેરીલો દારૂ પીવાના કારણે 15થી વધુ લોકોનાં મોત થયાં છે, જ્યારે અન્ય અનેક લોકો ગંભીર રીતે બીમાર છે, જેમની સારવાર ચાલી રહી છે. પોલીસે 6 લોકોનાં મોતની પુષ્ટિ કરી છે. 

    રિપોર્ટ્સ અનુસાર, મૃતકોના પરિજનોનું કહેવું છે કે ગુરુવારે સાંજે એક ગામમાં ઘઉંના પાકની લણણી બાદ ખેતરમાં દારૂની પાર્ટી થઇ હતી. ત્યારબાદ રાત્રે તેઓ ઘરે આવીને ઊંઘી ગયા. સવારે ઉઠીને અનેક લોકોની તબિયત બગડવા માંડી હતી. પહેલાં એક પિતા અને પુત્રે હોસ્પિટલમાં સારવાર માટે દમ તોડી દીધો હતો. 

    જુદા-જુદા અહેવાલોમાં મૃતકોનો આંકડો જુદો-જુદો જણાવવામાં આવી રહ્યો છે. બીજી તરફ, પોલીસે 6 લોકોનાં મોત થયાં હોવાનું અને 10 લોકો બીમાર હોવાનું જણાવ્યું હતું. જેમાંથી બે વ્યક્તિની હાલત ગંભીર છે અને તેમને હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેમ પોલીસે ઉમેર્યું હતું. 

    - Advertisement -

    એક તરફ સ્થાનિકો કહી રહ્યા છે કે આ તમામનાં મોત ઝેરીલા દારૂના કારણે થયાં છે ત્યાં બીજી તરફ તંત્રનું કહેવું છે કે આ લોકો ડાયેરિયાના કારણે મૃત્યુ પામ્યા છે. હાલ આ મામલે પોલીસે સાત લોકોને હિરાસતમાં લઈને પૂછપરછ શરૂ કરી છે. 

    અહેવાલો મુજબ, છેલ્લા 24 કલાકમાં જિલ્લાના જુદા-જુદા વિસ્તારોમાં 14 જેટલા લોકોનાં મોત સંદિગ્ધ પરિસ્થિતિઓમાં થયાં છે. શુક્રવારની સાંજે પહેલી ઘટના તુરકૌલિયાના લક્ષ્મીપુરામાં ઘટી હતી, અહીં એક ખાનગી હોસ્પિટલમાં રામેશ્વર નામના વ્યક્તિનું મોત થઇ ગયું હતું. ત્યારબાદ આ જ ગામના ધ્રુવ પાસવાને મોતીહારીની ખાનગી હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો. ત્યારબાદ અશોક પાસવાન અને છોટુ પાસવાન નામના વ્યક્તિઓએ મુઝફ્ફરપુર સ્થિત મેડિકલ કોલેજમાં અંતિમ શ્વાસ લીધા હતા. આ સિવાય પણ અન્ય વિસ્તારોમાં કેટલાક લોકોનાં સંદિગ્ધ મોત થયાં છે. જ્યારે હાલ અમુકની સારવાર ચાલી રહી છે. 

    હાલ જિલ્લા તંત્ર અને પોલીસની ટીમો બીમાર લોકોને શોધી રહી છે તો જિલ્લામાં દારૂના અડ્ડા પર દરોડા પાડવામાં આવી રહ્યા હોવાનું પણ જણાવાયું છે. આ સિવાય, જિલ્લા અધિકારીએ મોતીહારીનાં ગામોમાં મેડિકલ ટીમો મોકલી છે ઉપરાંત, મામલાની તપાસ કરીને રિપોર્ટ સોંપવા માટે જણાવવામાં આવ્યું છે. 

    બિહારમાં થયેલા આ લઠ્ઠાકાંડ અંગે રાજ્યના મુખ્યમંત્રી નીતીશ કુમારનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે આ ઘટનાને દુઃખદ ગણાવી છે અને તેના વિશે માહિતી મંગાવી છે. બીજી તરફ, વિપક્ષ ભાજપે નિશાન સાધ્યું છે અને કહ્યું કે, રાજ્યમાં ગેરકાયદેસર ચાલતા દારૂના ધંધા સામે કાર્યવાહી થવી જોઈએ. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં