Sunday, May 12, 2024
More
    હોમપેજરાજકારણબિહારના શિક્ષણ મંત્રીએ ફરી આપ્યું વિવાદિત નિવેદન: રામચરિતમાનસને ગણાવ્યું 'પોટેશિયમ સાઈનાઈડ', આ...

    બિહારના શિક્ષણ મંત્રીએ ફરી આપ્યું વિવાદિત નિવેદન: રામચરિતમાનસને ગણાવ્યું ‘પોટેશિયમ સાઈનાઈડ’, આ પહેલાં કહ્યો હતો નફરત ફેલાવનાર ગ્રંથ

    બિહારના શિક્ષણ મંત્રીએ રામચરિતમાનસને પોટેશિયમ સાઈનાઈડ ગણાવતા કહ્યું હતું કે, "55 પ્રકારના વ્યંજન પીરસીને તેમાં પોટેશિયમ સાઈનાઈડ ભેળવી દો તો શું થશે? રામચરિતમાનસના પણ આ જ હાલ છે."

    - Advertisement -

    હિંદુ ધર્મગ્રંથોનું અપમાન કરીને ચર્ચામાં આવેલા બિહારના શિક્ષણ મંત્રીએ ફરી એક વાર રામચરિતમાનસને અપમાનિત કર્યું છે. આ વખતે તેમણે આ મહાગ્રંથને ‘પોટેશિયમ સાઈનાઈડ’ કહી દીધું છે. પોટેશિયમ સાઈનાઈડ એક તીવ્ર અને ખતરનાક ઝેર છે અને સનાતન સંસ્કૃતિના ધર્મગ્રંથની તુલના તેની સાથે કરીને બિહારના શિક્ષણ મંત્રી ચંદ્રશેખર યાદવે કહ્યું હતું કે જ્યાં સુધી તે રહેશે, ત્યાં સુધી તેનો વિરોધ કરતો રહીશ.

    મળતી માહિતી અનુસાર, બિહારના શિક્ષણ મંત્રીએ રામચરિતમાનસને પોટેશિયમ સાઈનાઈડ ગણાવતા કહ્યું હતું કે, “55 પ્રકારના વ્યંજન પીરસીને તેમાં પોટેશિયમ સાઈનાઈડ ભેળવી દો તો શું થશે? રામચરિતમાનસના પણ આ જ હાલ છે.” આ નિવેદન તેમણે બિહાર હિન્દી ગ્રંથ અકાદમીના કાર્યક્રમમાં રામચરિતમાનસના અરણ્ય કાંડની ચોપાઈ ‘પૂજહી વિપ્ર સકલ ગુણ હીના, શુદ્ર ન પૂજહુ વેદ પ્રવિણા’ની ચર્ચા કરતી વખતે આપ્યું હતું.

    આ ચોપાઈને ટાંકીને તેમણે કાર્યક્રમમાં હાજર લોકોને પૂછ્યું હતું કે આ શું છે? શું આમાં જાતિને લઈને ખોટી વાત નથી કરવામાં આવી? બિહારના શિક્ષણ મંત્રી ચંદ્રશેખરે કહ્યું કે, “ગઈ વખતે રામચરિતમાનસના સુંદરકાંડના દોહા પર જીભ કાપવાની કિંમત 10 કરોડ લગાવવામાં આવી હતી, તો મારા ગળાની કિંમત શું હશે?” તેમણે લોકોને કહ્યું હતું કે શું ગુણહિન વિપ્ર (બ્રાહ્મણ) પૂજનીય અને ગુણયુક્ત શુદ્ર વેદોનો જાણકાર હોવા છતાં અપૂજ છે. તેમણે આ દરમિયાન ડૉ. રામ મનોહર લોહિયા અને નાગાર્જુનનો પણ ઉલ્લેખ કર્યો હતો.

    - Advertisement -

    બિહારના શિક્ષણ મંત્રી પર ભાજપ આકરા પાણીએ

    બિહારના શિક્ષણ મંત્રીએ રામચરિતમાનસને પોટેશિયમ સાઈનાઈડ ગણાવતા ભારતીય જનતા પાર્ટી આક્રમક જોવા મળી રહી છે. આ મામલે ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું હતું કે I.N.D.I ગઠબંધનની (I.N.D.I. Alliance) અંદર હિંદુ ધર્મને લઈને ઝેર ભરેલું છે. કોઈ કહી રહ્યું છે કે હિંદુ ધર્મ ડેન્ગ્યુ-મલેરિયા છે તો કોઈ તેને એડ્સ કહી રહ્યું છે. ચંદ્રશેખર યાદવે રામચરિતમાનસને પોટેશિયમ સાઈનાઈડ કહ્યું છે. પાત્રાએ કહ્યું કે, “જે રામ નામને લઈને આપણે પરલોક જઈએ છીએ, તેને આ લોકો ઝેર કહે છે. કરોડો લોકોની અસ્થા છે કે ‘રામ નામ સત્ય છે’ કહીને પરલોક જાય છે. તેને ઝેર કહેવાવાળા આ દેશની મૂળ અસ્થાને ઠેસ પહોંચાડી રહ્યા છે.”

    ‘મર્યાદા પુરુષોત્તમ હતા મોહમ્મદ પયગંબર’: બિહારના શિક્ષણ મંત્રી ચંદ્રશેખર

    આ કોઈ પ્રથમ ઘટના નથી કે બિહારના શિક્ષણ મંત્રી ચંદ્રશેખર દ્વારા વિવાદિત નિવેદન આપવામાં આવ્યું હોય. તાજેતરમાં જ તેમણે ઇસ્લામના મોહમ્મદ પયગમ્બરને મર્યાદા પુરષોત્તમ કહ્યા હતા. ‘રાષ્ટ્રીય જનતા દળ (RJD)’ના ધારાસભ્ય અને શિક્ષણ મંત્રી બિહારના નાલંદા જિલ્લાના હિલસા ખાતે જન્માષ્ટમી પર આયોજિત એક કાર્યક્રમમાં ભાષણ આપી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, “જયારે દુનિયામાં શેતાનિયત વધી ગઈ, ઈમાન ખત્મ થઇ ગયું, બેઈમાન અને શેતાન વધી ગયા ત્યારે મધ્ય એશિયાના વિસ્તારમાં ઈશ્વરે, પ્રભુએ, પરમાત્માએ મર્યાદા પુરૂષોત્તમ પયગમ્બર મોહમ્મદ સાહેબને પેદા કર્યા….ઈમાનવાળા લાવવા માટે. ઇસ્લામ ઈમાનવાળા લોકો માટે આવ્યો. ઇસ્લામ બેઈમાની અને શેતાનીના વિરુદ્ધમાં આવ્યો. પણ બેઈમાન પણ પોતાને મુસ્લિમ કહે તો તેની પરવાનગી ખુદા નથી આપતો.”

    ‘રામચરિતમાનસમાં છે કચરો, સફાઈ કરવી જરૂરી’: બિહારના શિક્ષણ મંત્રી ચંદ્રશેખર

    તે પહેલાં તેમણે રામચરિતમાનસ પર વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે રામચરિતમાનસ પર કહ્યું હતું કે, “જે કચરો છે તેને સાફ કરવાની જરૂર છે. હું રામચરિતમાનસ પર બોલતો રહીશ, હું ચૂપ રહેવાનો નથી.” તેમણે એમ પણ કહ્યું કે હવે શુદ્ર શિક્ષિત છે, તે શાસ્ત્રોમાં જણાવેલ બાબતોને સમજી શકે છે. હવે વાંધાજનક અને અપમાનજનક વસ્તુઓને આશીર્વાદ અને અમૃત કેવી રીતે માનવું? તેમણે કહ્યું કે “રામ મનોહર લોહિયાએ પણ કચરો હટાવવાનું કહ્યું હતું. હું લોહિયા કે આંબેડકરથી મોટો ન હોઈ શકું.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં