Sunday, April 28, 2024
More
    હોમપેજદેશબિહારમાં દૈનિક જાગરણના પત્રકારની હત્યા, ઘરમાં ઘૂસીને અંધાધૂધ ગોળીઓ ચલાવી..: ચાર આરોપીઓની...

    બિહારમાં દૈનિક જાગરણના પત્રકારની હત્યા, ઘરમાં ઘૂસીને અંધાધૂધ ગોળીઓ ચલાવી..: ચાર આરોપીઓની ધરપકડ

    પત્રકાર વિમલ યાદવ દૈનિક જાગરણમાં કામ કરતા હતા. શુક્રવારે તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી.

    - Advertisement -

    બિહારમાં આવેલા અરરિયા જિલ્લામાં પત્રકાર વિમલ યાદવની શુક્રવારે (18 ઓગસ્ટ, 2023) તેમના જ ઘરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ હત્યાકાંડમાં સામેલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ મામલે વધુ જાણકારી આપવા માટે જિલ્લાના એસપીએ શનિવારે પ્રેસ કોન્ફરન્સ પણ યોજી હતી.

    પત્રકાર વિમલ યાદવ દૈનિક જાગરણમાં કામ કરતા હતા. શુક્રવારે તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બિહાર પોલીસ અનુસાર હુમલાખોરોએ સવારે 5.30ના સમયે યાદવના ઘરનો દરવાજો ખખડાવ્યો અને જેવો તેમણે દરવાજો ખોલ્ય કે હુમલાખોરોએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. હુમલા બાદ વિમલ યાદવ ઢળી પડ્યા અને ત્યાં જ દમ તોડી દીધો હતો. જાણકારી મળતાં જ જિલ્લા પોલીસ વડા અને સંબંધિત પોલીસ સ્ટેશનના અધિકારી સ્થળ પર પહોંચ્યા હતા.

    બિહાર પોલીસે જણાવ્યું કે, ઘટનાની યોગ્ય તપાસ અને આગળની કાર્યવાહી હાથ ધરી 19 ઓગસ્ટના રોજ ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે બાકીના ચારમાંથી 2 આરોપીઓ પહેલેથી જ ન્યાયિક કસ્ટડીમાં (જેલમાં) છે. હાલ આગળની તપાસ ચાલી રહી છે.

    - Advertisement -

    અરરિયાના પોલીસ અધિક્ષક અશોકકુમાર સિંહે જણાવ્યું હતું કે, ‘મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. તપાસ શરૂ છે. ફોરેન્સિક ઇન્ટેલિજન્સ અને સ્નિફર ડોગને બોલાવવામાં આવ્યા છે. જાણવા મળ્યું છે કે વિમલ યાદવનો પોતાના પડોસી સાથે જૂનો વિવાદ હતો. બધા પાસાંઓની તપાસ થઈ રહી છે.”

    બાઈક પર આવ્યા હતા હત્યારા

    બિહારમાં થયેલા આ હત્યાકાંડમાં પત્રકાર વિમલ યાદવના પત્ની પૂજા દેવીએ જણાવ્યું હતું કે શુક્રવારની સવારે તેમના પતિને અવાજ લગાવીને દરવાજો ખખડાવવામાં આવ્યો હતો, વિમલે જઈને દરવાજો ખોલ્યો હતો. ત્યારબાદ તરત જ પૂજાએ ગોળીનો અવાજ સાંભળ્યો હતો. તેઓ દોડીને ગેટ પાસે પહોંચ્યાં અને જોયું તો વિમલ લોહીલુહાણ હાલતમાં નીચે પડ્યા હતા. આ ભયાનક દ્રશ્ય જોઈને તે જોરજોરથી રડવા લાગ્યા અને બૂમાબૂમ કરવા લાગ્યા જેથી ત્યાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ ચારે બાઈક સવાર હત્યા કરીને ત્યાંથી ભાગી ગયા હતા. પત્રકાર વિમલ યાદવનો 15 વર્ષનો દિકરો અને 13 વર્ષની દીકરી છે.

    આ પહેલાં વિમલ કુમારના ભાઈ શશિભૂષણ યાદવની પણ વર્ષ 2019માં હત્યા કરી નાખવામાં આવી હતી. આ મામલે હાલ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. વિમલ કુમાર ભાઈની હત્યાના એકમાત્ર સાક્ષી હતા. બદમાશોએ અનેક વખત તેમને જુબાની ન આપવા ધમકી આપી હતી પરંતુ તેઓ ડર્યા ન હતા અને કોર્ટ કાર્યવાહીમાં ભાગ લીધો હતો. આ હત્યાને આ કેસ સાથે જોડવામાં આવી રહી છે. જોકે, વધુ વિગતો તપાસ બાદ જ સામે આવી શકશે.

    વિપક્ષના નિશાને નીતીશ સરકાર

    પત્રકાર વિમલ યાદવની હત્યાને લઈને નીતીશ સરકાર ફરી એકવાર વિપક્ષના નિશાને આવી ગઈ છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે બિહાર સરકાર પર નિશાનો સાધતા કહ્યું હતું કે, “એવું લાગી રહ્યું છે કે નીતીશ બાબૂનું ‘મુંગેરીલાલનું હસીન સપનું’ બિહાર માટે દુસ્વપ્ન બની ગયું છે, અરાજકતનું રાજ થઈ ગયું છે. હત્યાઓનો અંતહીન સિલસિલો શરૂ થઈ ગયો છે, ઇન્સ્પેકટર, પત્રકાર અને ધારાસભ્યો બધા જ જંગલરાજનો માર સહન કરી રહ્યા છે.”

    સાથે જ બિહારના ભાજપ પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરીએ પણ કહ્યું કે, “અપરાધીઓ મુક્તપણે ફરી રહ્યા છે જ્યારે બિહારમાં નિર્દોષ નાગરિકો, પત્રકારો અને પોલીસકર્મીઓની પણ હત્યા થઈ રહી છે. અરરિયામાં જે થયું છે તે ખરેખર દુખદ છે. પરંતુ રાજ્યના મુખ્યમંત્રી નીતીશ કુમાર અને રાજદ પ્રમુખ લાલુ પ્રસાદના નેતૃત્વના ‘ઘમંડિયા’ મહાગઠબંધનની સરકાર બન્યા બાદ આવી ઘટનાઓ સામાન્ય બની ગઈ છે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં