Saturday, November 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘અડધો ગ્લાસ પાણી’ મુદ્દે ટ્રોલ થયા હતા પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા,...

    ‘અડધો ગ્લાસ પાણી’ મુદ્દે ટ્રોલ થયા હતા પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સ્પષ્ટતા કરીને ટ્વિટ પાછળનો મર્મ સમજાવ્યો

    સામાન્ય યુઝરોએ મજાક ઉડાવવાની શરૂ કર્યા બાદ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ પણ આ તક ઝડપી લીધી હતી. 

    - Advertisement -

    પૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ટ્રોલ થઇ રહ્યા છે. કારણ તેમનું એક ટ્વિટ છે. 9 ફેબ્રુઆરીના આ ટ્વિટમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા એક વ્યક્તિ સાથેની તસ્વીર પોસ્ટ કરીને લખવામાં આવ્યું હતું કે, ‘લાખણી સર્કિટ હાઉસ ખાતે ચોકીદારે અડધો ગ્લાસ પાણી આપ્યું, મેં તેને અભિનંદન આપ્યા.’

    ભુપેન્દ્રસિંહ ચુડાસમાના આ ટ્વિટ બાદ ટ્રોલિંગ થવું સ્વભાવિક હતું અને થયું પણ. સામાન્ય યુઝરોએ મજાક ઉડાવવાની શરૂ કર્યા બાદ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ પણ આ તક ઝડપી લીધી હતી. 

    ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના સાવ નબળા પ્રદર્શન બાદ પ્રદેશ પ્રમુખના પદ પરથી હટાવી દેવાયેલા આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ ટ્વિટ કરીને કટાક્ષભરી ટિપ્પણી કરી હતી. 

    - Advertisement -

    આ સિવાય કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે પણ કટાક્ષ કરીને પૂર્વ મંત્રીની મજાક ઉડાડી હતી.

    પ્રથમ દ્રષ્ટિએ પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું ટ્વિટ વાંચતાં તેનો કોઈ સંદર્ભ ખબર પડતો નથી અને એટલે ગેરસમજ થઇ શકે છે. પરંતુ પછીથી તેમણે એક ફેસબુક પોસ્ટ કરીને સ્પષ્ટતા કરી હતી અને સમજાવ્યું હતું કે કઈ રીતે ચોકીદારનું અડધો ગ્લાસ પાણી આપવું પણ તેમના માટે મહત્વની બાબત હતી. 

    વાસ્તવમાં, ભુપેન્દ્રસિંહ ચુડાસમા છેલ્લાં ઘણાં વર્ષોથી પાણીના વ્યય અટકાવવા અને તેનો બચાવ કરવા પર ભાર મૂકતા રહે છે. અવારનવાર આ વિશે સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કરે છે તો જાહેર કાર્યક્રમોમાં પણ ઘણી વખત ઉલ્લેખ કરે છે. આ પાણી બચાવો અભિયાન શરૂ કરવા પાછળનું કારણ પણ તેમણે ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું.

    તેમણે પોસ્ટમાં જણાવ્યું કે કઈ રીતે શરૂઆતનાં વર્ષોમાં તેમના વતન ધોલેરામાં તેમણે પાણીની તકલીફ વેઠી હતી અને દુષ્કાળના સમયમાં રેલ મારફતે પાણી પહોંચાડાતું જોયું હતું.

    તેમણે લખ્યું, એક મોટા ટેન્કરમાં ૫૦થી વધુ પાણી ખેંચવાની પાઇપ જોઈ છે, જ્યાં બહાર પાણી ભરવા ઊભેલી બહેનોનાં માટલાં અને માથાં ફૂટતાં જોયાં છે. 25 વર્ષ પહેલાં ગામડાની બહેનોને પાણી માટે બે-ત્રણ કિલોમીટર ચાલીને જતી જોઈ છે. 25 વર્ષ પહેલાં જ ગુજરાતની ઘણી નગરપાલિકાઓ પંદર દિવસે ચાલીસ મિનિટ પાણી આપતી જોઈ છે.”

    તાજેતરની ઘટનાને લઈને તેમણે કહ્યું કે, તેમણે પોતાની પોસ્ટમાં એક ચોકીદાર વ્યક્તિમાં જોઈએ તેટલું જ પાણી આપવાની સમજને તેમણે બિરદાવી હતી કારણ કે ભાગ્યે જ કોઈ વ્યક્તિ આખો ગ્લાસ પાણી પીવે છે અને બાકીનું ઢોળી દેવામાં આવે છે. સાથે તેમણે એમ પણ લખ્યું કે, મારા આ અભિયાનની મજાક લેનાર ઉપર જરા પણ ગુસ્સો નથી પણ દયા એ વાતની આવે છે કે આ વૈશ્વિક સમસ્યાથી અજાણ છે.

    એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, “કોઈ સામાન્ય માણસ પાણીનું મહત્વ સમજે એ મારા માટે ખૂબ મોટી વાત છે. મેં તેને અડધા ગ્લાસ પાછળનું કારણ પૂછ્યું ત્યારે તેણે જણાવ્યું કે, તેણે મારું એક ભાષણ સાંભળ્યું હતું જેમાં મેં આ વાત કરી હતી. હું ભૂલી ગયો હતો, કારણ કે હું જ્યાં જાઉં છું ત્યાં આ વાત કરતો હોઉં છું. કારણ કે આ વિષયનું મહત્વ હું સમજ્યો છું.” 

    જેથી, ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ તેમના અભિયાનમાં સહભાગી થનાર વ્યક્તિને બિરદાવવા માટે પોસ્ટ કરીને તેને અભિનંદન આપ્યાં હતાં, જેની પાછળ એક ચોક્કસ કારણ હતું. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં