થોડા દિવસ પહેલાં ભરૂચ શહેરમાંથી સામે આવેલા લવ જેહાદ કેસમાં પકડાયેલા આરોપી સિરાજ પટેલ સામે વધુ એક હિંદુ યુવતીએ ફરિયાદ નોંધાવી છે. યુવતીએ આરોપી સામે નામ બદલીને હિંદુ ઓળખ ધારણ કરીને ફસાવવાનો અને રૂપિયા પડાવી લેવાનો આરોપ લગાવ્યો છે. જે મામલે ભરૂચ પોલીસે ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકે યુવતીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, સિરાજે તેની સાથે ઇન્સ્ટાગ્રામ પર ‘ગૌતમ વસાવા’ બનીને મિત્રતા કરી હતી અને પોતે મુસ્લિમ હોવાનું અને 3 સંતાનોનો બાપ હોવાનું છુપાવીને હિંદુની ઓળખ આપીને તેને ફસાવી હતી. ફરિયાદ અનુસાર, મે મહિનામાં ભરૂચની એક હોટેલમાં તેને લઈને જઈને સિરાજે દુષ્કર્મ આચર્યું હતું અને ફોટા પણ પાડી લીધા હતા.
યુવતીએ ફરિયાદમાં આરોપ લગાવ્યો કે આ ફોટા વાયરલ કરવાની ધમકી આપીને તેની પાસેથી સિરાજે 67 હજાર રૂપિયા પડાવી લીધા હતા. જેથી તેણે બદનામીના ડરે પોતાનાં સોનાનાં ઘરેણાં વેચી દેવાં પડ્યાં હતાં. ફરિયાદમાં એમ પણ જણાવાવમાં આવ્યું કે, તાજેતરમાં એક દિવસે આરોપીએ તેને મળવા માટે બોલાવી હતી ત્યારે તે મુસ્લિમ પહેરવેશમાં આવ્યો હતો. ત્યારે તેણે પોતે મુસ્લિમ હોવાનો અને પરણિત તેમજે 3 સંતાનોનો પિતા હોવાનું કહીને યુવતી પર નિકાહ માટે દબાણ કર્યું હતું અને કહ્યું હતું કે, ઇસ્લામમાં ચાર નિકાહની પરવાનગી છે જેથી તે તેની બીજી પત્ની બની જાય.
પીડિત યુવતીની ફરિયાદના આધારે ભરૂચ પોલીસે IPCની કલમ 376, 386, 419, 506(2) અને આઇટી એક્ટ તેમજ એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી. અહીં ઉલ્લેખનીય છે કે આરોપી સિરાજ પહેલેથી જ એક લવ જેહાદના અન્ય કેસમાં જેલમાં બંધ છે.
અઠવાડિયા પહેલાં નોંધાયો હતો અન્ય એક ગુનો
થોડા દિવસ પહેલાં ભરૂચની જ એક હિંદુ યુવતીએ સિરાજ પટેલ સામે નામ બદલીને ફસાવવાનો આરોપ લગાવ્યો હતો. સિરાજ રૂસ્તમ પટેલે સોશિયલ મીડિયા પર ‘મેહુલ પટેલ’ નામથી આઈડી બનાવ્યું હતું. જેના થકી એક હિંદુ યુવતી સાથે મિત્રતા કરી હતી. એટલું જ નહીં, તેણે હિંદુ નામથી એક બોગસ આધાર કાર્ડ પણ બનાવી રાખ્યું હતું. લવ જેહાદ મામલે ગુનો દાખલ થયા બાદ ભરૂચ પોલીસે સિરાજની ધરપકડ કરી લીધી હતી.
આરોપી સિરાજ ભરૂચના પગુથણ ગામનો રહેવાસી છે અને પરણિત હોવા ઉપરાંત ત્રણ સંતાનોનો પિતા છે. એક હિંદુ યુવતીએ ફરિયાદ નોંધાવ્યા બાદ હવે વધુ એક પીડિત હિંદુ યુવતીએ તેની સામે ફરિયાદ નોંધાવતાં વધુ એક ગુનો દાખલ થયો છે.