Thursday, May 9, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટશું નશામાં હોવાથી પંજાબના મુખ્યમંત્રીને ફ્લાઇટમાંથી ઉતારી દેવાયા? દાવાના કારણે ભગવંત માન...

    શું નશામાં હોવાથી પંજાબના મુખ્યમંત્રીને ફ્લાઇટમાંથી ઉતારી દેવાયા? દાવાના કારણે ભગવંત માન ફરી ચર્ચામાં, આમ આદમી પાર્ટીએ રદિયો આપ્યો

    ભગવંત માન જર્મનીથી પરત ફરી રહ્યા હતા ત્યારે નશામાં હોવાના કારણે ફ્લાઇટમાંથી ઉતારી દેવાયા હોવાના દાવા બાદ આમ આદમી પાર્ટીએ આરોપો નકાર્યા.

    - Advertisement -

    પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન જર્મનીમાં તેમની આઠ દિવસની યાત્રા પૂર્ણ કરીને પરત ફર્યા છે. જોકે, તેમની આ યાત્રા વિવાદોમાં ઘેરાઈ છે. આરોપ લાગ્યા છે કે શનિવારે જ્યારે તેઓ જર્મનીથી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમને નશાની હાલતમાં હોવાના કારણે એરપોર્ટ પર ફ્લાઇટમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. જોકે, આમ આદમી પાર્ટીએ આ આરોપો નકારી દીધા છે. 

    એક રિપોર્ટ અનુસાર, જર્મનીની લુફથાન્સા એરલાઇન્સની વેબસાઈટ પર ઉપલબ્ધ જાણકારી મુજબ ફ્રેન્કફ્રૂટથી દિલ્હી આવનારી ફ્લાઇટ સ્થાનિક સમય અનુસાર શનિવારે બપોરે 1:40 વાગ્યે રવાના થવાની હતી અને રવિવારે મધ્યરાત્રિએ 12:55 વાગ્યે લેન્ડ થનાર હતી. પરંતુ ફ્લાઇટ મોડી પડી અને જર્મનીથી 5:52 વાગ્યે રવાના થઇ હતી. જે રવિવારે સવારે સાડા ચાર વાગ્યે દિલ્હી પહોંચી હતી. 

    ઇન્ડિયા નરેટિવના રિપોર્ટમાં ફ્લાઇટમાં હાજર એક ભારતીય મુસાફરના હવાલે દાવો કરવામાં આવ્યો હતો કે પંજાબ સીએમ નશામાં હોવાના કારણે મોડું થયું હતું. ભારતીય મુસાફરે નામ ન છાપવાની શરતે મીડિયા હાઉસને જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી આલ્કોહોલના નશામાં હોવાના કારણે બરાબર ઉભા પણ રહી શકતા ન હતા અને તેમણે પત્ની અને અન્ય સુરક્ષાકર્મીઓઓ સહારો લેવો પડી રહ્યો હતો. 

    - Advertisement -

    મુસાફરે વધુમાં જણાવ્યું હતું કે, ફ્લાઇટ ચાર કલાક મોડી પડી તેનું કારણ એ હતું કે મુખ્યમંત્રીનો સામાન ફરી ઉતારવામાં આવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે, પંજાબ સરકારના અધિકારીઓએ ફ્લાઇટ ક્રૂને વિનંતી કરીને તેમને પ્લેનમાંથી ન ઉતારવા માટે વિનંતી કરી હતી પરંતુ ફ્લાઇટ ક્રૂએ સુરક્ષા કારણોસર ઈનકાર કરી દીધો હતો.  

    જોકે, આ આદમી પાર્ટીએ આ દાવા નકારી દીધા છે અને કહ્યું છે કે આવું કશું જ થયું નથી. પાર્ટીએ મુખ્યમંત્રી ભગવંત માનની તબિયત બગડી હોવાનું જણાવ્યું હતું. 

    આમ આદમી પાર્ટીના પ્રવક્તા માલવિંદર સિંઘ કાંગે કહ્યું કે, રાજકીય પ્રતિસ્પર્ધીઓ દ્વારા મુખ્યમંત્રીને બદનામ કરવા માટે આવી તરકીબ અપનાવવામાં આવી રહી છે. મુખ્યમંત્રી પંજાબમાં રોકાણ વધારવા માટે મહેનત કરી રહ્યા છે તે તેમનાથી સહન થઇ રહ્યું નથી. મુખ્યમંત્રી નક્કી કરેલા કાર્યક્રમ પ્રમાણે જ પરત ફર્યા હતા. તેઓ રવિવારે રાત્રે આવવાના હતા, જે દિલ્હી પરત ફરી ચૂક્યા છે.

    બીજી તરફ, મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે અચાનક સ્વાસ્થ્ય બગડી જતાં ભગવંત માન જર્મનીથી દિલ્હી પરત ફરવા માટેની ફ્લાઇટ સમયસર પકડી શક્યા ન હતા. 

    ઉલ્લેખનીય છે કે ભગવંત માન 11 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર દરમિયાન આઠ દિવસ માટે જર્મનીની યાત્રાએ ગયા હતા. આ દરમિયાન તેમણે મ્યુનિક, ફ્રેન્કફ્રૂટ અને બર્લિનની મુલાકાત લીધી હતી. દરમ્યાન તેમની સાથે પત્ની, સુરક્ષાકર્મીઓ અને પંજાબ સરકારના અધિકારીઓ સામેલ હતા. તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે ફ્લાઇટમાં મોડું થવાના કારણે તેમને ફ્લાઇટમાંથી ઉતારી દેવામાં આવ્યા હોવાના દાવા કરવામાં આવ્યા બાદ ચર્ચા શરૂ થઇ હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં