Friday, May 3, 2024
More
    હોમપેજગુજરાતભાદરવી પૂનમના મેળાનું રંગેચંગે સમાપન: 7 દિવસમાં 45 લાખ લોકો આવ્યા, મંદિર...

    ભાદરવી પૂનમના મેળાનું રંગેચંગે સમાપન: 7 દિવસમાં 45 લાખ લોકો આવ્યા, મંદિર ટ્રસ્ટને 6.89 કરોડની આવક

    મેળાના અંતિમ દિવસે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કુલ 45.54 લાખ લોકોએ મેળાનો લાભ લીધો. જેમાંથી ભોજન પ્રસાદ કરનાર યાત્રિકોની સંખ્યા કુલ 3.73 લાખ છે. આ મેળા દરમિયાન કુલ 18.41 લાખ પ્રસાદનાં પેકેટ વહેંચવામાં આવ્યાં હતાં.

    - Advertisement -

    શક્તિપીઠ અંબાજી ખાતે યોજાતો પવિત્ર ભાદરવી પૂનમના મેળાની શુક્રવારે (29 સપ્ટેમ્બર, 2023) પૂર્ણાહૂતિ થઈ. બનાસકાંઠા જિલ્લા તંત્રના જણાવ્યા અનુસાર, એક સપ્તાહ ચાલેલા આ મેળામાં કુલ 45 લાખ લોકો આવ્યા હતા. 23 સપ્ટેમ્બરના રોજ શરૂ થયેલા ભાદરવી પૂનમના મેળાનું શુક્રવારે (29 સપ્ટેમ્બર) સમાપન કરવામાં આવ્યું.

    જિલ્લા તંત્ર અનુસાર, મેળાના અંતિમ દિવસે (શુક્રવાર) સાંજે પાંચ વાગ્યા સુધીમાં કુલ 45.54 લાખ લોકોએ મેળાનો લાભ લીધો. જેમાંથી ભોજન પ્રસાદ કરનાર યાત્રિકોની સંખ્યા કુલ 3.73 લાખ છે. આ મેળા દરમિયાન કુલ 18.41 લાખ પ્રસાદનાં પેકેટ વહેંચવામાં આવ્યાં હતાં. ચીકીના પ્રસાદનાં કુલ 71 હજાર પેકેટ વહેંચવામાં આવ્યાં હતા. કુલ મુસાફરોમાંથી બસમાં યાત્રા કરનાર યાત્રાળુઓની સંખ્યા 8.72 લાખ જેટલી નોંધાઈ છે. 56 હજાર યાત્રાળુઓએ રોપ-વેનો લાભ લીધો હતો. જ્યારે 1.15 લાખ યાત્રિકોને આરોગ્ય વિભાગે સારવાર આપી હતી. 3 હજાર યાત્રિકોએ મંદિરમાં માતાજીને ધજા અર્પણ કરી હતી. 

    ટ્રસ્ટ દ્વારા આવકને લઈને પણ જાણકારી આપવામાં આવી છે. જે અનુસાર, ભંડાર, ગાદી, ભેટ કાઉન્ટર, ધાર્મિક સાહિત્ય કેન્દ્ર વગેરે મળીને કુલ 2.27 કરોડની આવક થઈ છે. જ્યારે પ્રસાદ વિતરણ દ્વારા 4.61 કરોડની આવક નોંધાઈ હતી. આ સમગ્ર મેળા દરમિયાન મંદિર ટ્રસ્ટને કુલ 6 કરોડ 89 લાખ 72 હજાર 556 રૂપિયાની આવક થઈ છે. આ ઉપરાંત, સોનાં-ચાંદીનાં ઘરેણાં પણ ભેટ સ્વરૂપે મળ્યાં છે. 

    - Advertisement -

    મેળાના અંતિમ દિવસે ટ્રસ્ટના ચેરમેન અને બનાસકાંઠાના કલેક્ટર વરૂણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે તેમજ જિલ્લા વહિવટી તંત્રના અન્ય અધિકારીઓ મંદિરે પહોંચ્યા હતા અને માતાજીને ધજા ચડાવી હતી. કલેક્ટરે કહ્યું કે, સાત દિવસ સુધી ચાલેલા આ શ્રદ્ધાના મહાકુંભમાં લાખો યાત્રિકોની સેવા, સલામતી સુરક્ષા અને રહેવા-જમવાની તમામ સગવડો સુનિશ્ચિત કરવામાં આવી. મા અંબાના આશીર્વાદ વગર આટલા મોટા આયોજનને પહોંચી વળવું શક્ય ન હતું. તેમણે સહકાર બદલ રાજ્ય સરકાર, બનાસકાંઠા જિલ્લા તંત્રની ટીમ, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને સેવાભાવી સંસ્થાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. 

    ભાદરવી પૂનમના મેળાનું સમાપન કરતાં વહીવટી તંત્ર તરફથી DDO ખરેએ મા અંબાના મંદિરે ધ્વજારોહણ કર્યું હતું. દરમ્યાન, અધિકારીઓ ચાચર ચોકમાં ગરબે પણ ઘૂમ્યા હતા. માઈભક્તો સાથે જિલ્લા વિકાસ અધિકારી અને અન્ય અધિકારીઓ પણ ઢોલ નગારાની રમઝટમાં ઝૂમી ઉઠ્યા હતા અને મેળો સુખરૂપ સંપન્ન થતાં માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં