ઝારખંડમાં એક ગામમાં આવેલા મંદિરમાં ગૌમાંસ ફેંકવાની ઘટના સામે આવી છે. મામલો સામે આવતાં જ વિસ્તારમાં તણાવ વધ્યો હતો અને હિંદુઓ આક્રોશિત થઇ ગયા હતા. જે બાદ પરિસ્થિતિ જોતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બંદોબસ્ત ખડકી દીધો હતો.
દૈનિક જાગરણના એક રિપોર્ટ અનુસાર, ઝારખંડમાં લોહરદગા જિલ્લાના રામપુર ગામમાં આ ઘટના બની છે. અહીં આવેલા શિવમંદિરમાં કેટલાક અસામાજિક તત્વોએ ગૌમાંસ ફેંકી દીધું હતું. જે અંગે શનિવારે (9 જુલાઈ 2022) સ્થાનિકોને જાણ થઇ હતી. મંદિરમાં માણસ જોતાં જ સ્થાનિકો ભડકી ઉઠ્યા હતા અને થોડી જ ક્ષણોમાં મંદિરની આસપાસ ભીડ એકઠી થઇ ગઈ હતી.
BEEF thrown inside SHIVA TEMPLE in LOHARDAGA, JHARKHAND.
— Anshul (@anshul_aliganj) July 9, 2022
They have declared an OPEN w@r against HINDUS.
What the hell is going on in this country .
Leftovers of 1947 have created a Havoc pic.twitter.com/dFn7B2rgXD
ઘટના બાદ બંને પક્ષો સામસામે આવી ગયા હતા. જોકે, ત્યાં સુધીમાં પોલીસને જાણ કરી દેવામાં આવતા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બંને પક્ષોને સમજાવીને મામલો શાંત પાડ્યો હતો. જે બાદ ગામલોકોએ મંદિરની સાફ-સફાઈ કરી હતી અને શુદ્ધિકરણ પણ કર્યું હતું.
ગામના પંચાયત જનપ્રતિનિધિ શંભુ સિંહે જણાવ્યું હતું કે, ગામમાં અસામાજિક તત્વો દ્વારા કોઈને કોઈ પ્રકારે પ્રેમ-સૌહાર્દને ખરાબ કરવા માટેના પ્રયાસો કરવામાં આવતા રહ્યા છે. જેને લઈને પોલીસને અરજી પણ કરવામાં આવશે.
કથિત રીતે જાણકારી મળ્યા બાદ મુસ્લિમ સમુદાયના લોકો પણ સ્થળ પર પહોંચી ગયા હતા અને તેમણે પોલીસ તંત્રને આરોપીઓની તુરંત ધરપકડ કરીને કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી અને ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી.
પોલીસ અધિક્ષક આર રામ કુમારે જણાવ્યું કે, હાલ મામલાની તપાસ ચાલી રહી છે અને ચારેતરફ પોલીસબળ તહેનાત કરવામાં આવ્યું છે. જલ્દીથી જ અસામાજિક તત્વોને પકડીને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે અને જે પણ દોષી હશે તને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે.
જોકે, અસામાજિક તત્વો દ્વારા મંદિરમાં માંસના ટુકડા ફેંકવામાં આવ્યા હોય તેવો આ પ્રથમ કિસ્સો નથી. હિંદુ મંદિરોનું અપમાન કરવા માટે આવું થતું આવ્યું છે. કારણ કે મંદિરોમાં માંસ લઇ જવું વર્જિત છે, જેના કારણે હિંદુ આસ્થા પ્રત્યે નફરત દર્શાવવા અને અપમાન કરવા માટે મંદિરમાં માંસ ફેંકવામાં આવ્યું હોય તેવા કિસ્સાઓ અગાઉ પણ બન્યા છે.
આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં અમુક અજાણ્યા તત્વોએ ઝારખંડના સાહિબગંજ જિલ્લાના ફૂલબરિયા ગામમાં આવેલ દુર્ગા મંદિરમાં માંસ ફેંક્યું હતું. જે બાદ વિસ્તારમાં તણાવ વધી ગયો હતો.