Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમોરબીમાંથી પકડાયો બાંગ્લાદેશી ઘૂસણખોર, પાસપોર્ટ-વિઝા વગર જ ઘૂસી આવ્યો હતો: છેલ્લા ત્રણ...

    મોરબીમાંથી પકડાયો બાંગ્લાદેશી ઘૂસણખોર, પાસપોર્ટ-વિઝા વગર જ ઘૂસી આવ્યો હતો: છેલ્લા ત્રણ મહિનાથી ભારતમાં રહેતો હોવાનો ખુલાસો

    ત્રણ મહિના પહેલાં તે પોતાના ગામથી બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં અને ત્યાંથી બીજી ટ્રેનમાં અને જ્યાંથી એક બોટમાં બેસીને ભારતની સરહદ સુધી આવી પહોંચ્યો હતો.

    - Advertisement -

    મોરબી જિલ્લાના હળવદમાંથી એક બાંગ્લાદેશી ઘૂસણખોર પકડાયો છે. તે બાંગ્લાદેશ-ભારતની સરહદેથી ભારતમાં આવી ગયો હતો અને ટ્રેન મારફતે મોરબી આવી પહોંચ્યો હતો. આરોપીની ઓળખ તુહજલ ઉર્ફે ડેવિડરવિ મુસ્લિમ હુસૈન તરીકે થઇ છે. હાલ પોલીસ તેની પૂછપરછ અને વધુ તપાસ કરી રહી છે.

    મોરબી સ્થિત હળવદ પોલીસ મથકે નોંધાયેલી FIR અનુસાર, હળવદમાં એક બાંગ્લા ભાષા બોલતો ઈસમ નજરે પડ્યો હતો, જે બાદ સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે બાંગ્લાદેશી ઘૂસણખોર ઈસમની ધરપકડ કરીને પૂછપરછ કરી હતી પરંતુ તે હિંદી કે બીજી કોઈ ભારતીય ભાષા જાણતો ન હોવાના કારણે જવાબો મળી શક્યા ન હતા. ત્યારબાદ પોલીસે દુભાષિયાની મદદ લીધી હતી. 

    પ્રાપ્ત જાણકારી અનુસાર, આ 26 વર્ષીય યુવક બાંગ્લાદેશના સદરઘાટનો રહેવાસી છે. ત્રણ મહિના પહેલાં તે પોતાના ગામથી બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં અને ત્યાંથી બીજી ટ્રેનમાં અને જ્યાંથી એક બોટમાં બેસીને ભારતની સરહદ સુધી આવી પહોંચ્યો હતો અને ત્યાંથી રાત્રે બોર્ડર ફેન્સિંગ પાર કરીને પગપાળા ભારતની સરહદમાં ઘૂસ્યો હતો. 

    - Advertisement -

    ભારતમાં આવીને કોલકત્તા અને ત્યાંથી હાવડામાં રખડતો હતો. છેલ્લા આઠ દિવસમાં જુદી-જુદી ટ્રેનમાં બેસીને 21-22 જાન્યુઆરીની રાત્રે હળવદ આવી પહોંચ્યો હતો. જ્યાંથી 23 જાન્યુઆરીએ પોલીસના હાથે પકડાઈ ગયો હતો. 

    પોલીસ અનુસાર, તેની પાસેથી કોઈ પાસપોર્ટ, વિઝા કે ઓળખપત્ર મળી શક્યાં નથી. એક Vi કંપનીનું સિમ કાર્ડ, ભારતીય રેલવેની ટિકિટ, બાંગ્લા ભાષામાં લખેલ એક કાગળ અને રોકડા 500 રૂપિયા મળી આવ્યા છે. 

    આરોપી સામે હળવદ પોલીસે પાસપોર્ટ અને વિઝા વગર ત્રણ મહિનાથી ભારતમાં ઘૂસણખોરી કરી,  ગેરકાયદેસર રીતે રહેવાના આરોપસર ફોરેનર્સ એક્ટની યોગ્ય કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આરોપીનો કોરોના રિપોર્ટ કરાવતા નેગેટિવ આવ્યા બાદ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. 

    કોર્ટે તેના 6 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલ પોલીસ એ જાણવાના પ્રયાસ કરી રહી છે કે તે કયા કારણોસર ભારતમાં ઘૂસી આવ્યો હતો અને તેની સાથે કોઈ હતું કે કેમ. જોકે, હાલ સુધીની તપાસમાં તે એકલો જ હોવાનું જાણવા મળ્યું છે. 

    અહીં ઉલ્લેખનીય છે કે ભારત-બાંગ્લાદેશની સરહદેથી ઘૂસણખોરી સૌથી વધુ થાય છે. ડિસેમ્બર 2021માં કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, બાંગ્લાદેશમાંથી ઘૂસણખોરો આવવાનું પ્રમાણ સૌથી વધુ છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં