Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમહારાષ્ટ્ર કોંગ્રેસમાં ભડકો: બાળાસાહેબ થોરાટ પક્ષ પ્રમુખ નાના પટોળેથી થયાં નારાજ; આપ્યું...

    મહારાષ્ટ્ર કોંગ્રેસમાં ભડકો: બાળાસાહેબ થોરાટ પક્ષ પ્રમુખ નાના પટોળેથી થયાં નારાજ; આપ્યું રાજીનામું

    તાંબે પિતા-પુત્રની જોડી પોતાનાં અંગત સગાંમાં હોવા છતાં અહમદનગર જીલ્લાની સંગમનેર બેઠકથી વિધાનસભા અને કોંગ્રેસ વિધાનસભા પક્ષના અધ્યક્ષ એવાં બાળાસાહેબ થોરાટે આ મામલે સતત મૌન સેવ્યું હતું. આ સમગ્ર ઘટનાક્રમ બાદ નાના પટોળે બાળાસાહેબ થોરાટ પર ગુસ્સે થયાં હતાં.

    - Advertisement -

    મહા વિકાસ આઘાડીનું અસ્તિત્વ મહારાષ્ટ્રની સત્તા ગુમાવ્યા પછી રહ્યું છે કે નહીં તેની તો ખબર નથી પરંતુ મહારાષ્ટ્ર કોંગ્રેસ જરૂરથી પોતાનાં અસ્તિત્વની લડાઈ લડી રહ્યું છે. મહારાષ્ટ્રનાં કોંગ્રેસ વિધાનસભ્યોનાં નેતા અને વરિષ્ઠ કોંગ્રેસી નેતા બાળાસાહેબ થોરાટે રાજીનામું આપી દીધું છે.

    અનેક મીડિયા અહેવાલો એવું કહી રહ્યાં છે કે બાલાસાહેબ થોરાટે રાજીનામું એટલે આપ્યું છે કે તેઓ મહારાષ્ટ્ર વિધાનસભાનાં પૂર્વ સ્પિકર અને હાલનાં મહારાષ્ટ્ર કોંગ્રેસ પક્ષનાં પ્રમુખ નાના પટોળેથી નારાજ છે. આ તમામ ઘટનાક્રમ ત્યારે શરુ થયો જ્યારે નાસિકથી વિધાન પરિષદની એક બેઠકથી બાળાસાહેબ થોરાટના ભાણેજ અપક્ષ ઉમેદવારી કરીને ચૂંટણી લડ્યાં અને જીત્યાં.

    કોંગ્રેસે નાસિક મંડળ સ્નાતક વિસ્તારમાંથી MLC સુધીર તાંબેને ઉમેદવાર બનાવ્યાં હતાં, પરંતુ તાંબેએ ઉમેદવારી કરવાથી અસમર્થતા દેખાડી. તેમ છતાં કોંગ્રેસે સુધીર તાંબેને જ પોતાનાં ઉમેદવાર તરીકે જાહેર કર્યા અને તેમની સામે સુધીર તાંબેનાં દીકરા સત્યજીત તાંબેએ અપક્ષ તરીકે ઉમેદવારી પત્ર ભર્યું અને તેઓ જીતી ગયાં.

    - Advertisement -

    આમ આ રીતે આ ચૂંટણી હારી જવાથી મહારાષ્ટ્ર કોંગ્રેસને શરમજનક પરિસ્થિતિમાં મુકાવું પડ્યું હતું. તાંબે પિતા-પુત્રની જોડી પોતાનાં અંગત સગાંમાં હોવા છતાં અહમદનગર જીલ્લાની સંગમનેર બેઠકથી વિધાનસભા અને કોંગ્રેસ વિધાનસભા પક્ષના અધ્યક્ષ એવાં બાળાસાહેબ થોરાટે આ મામલે સતત મૌન સેવ્યું હતું. આ સમગ્ર ઘટનાક્રમ બાદ નાના પટોળે બાળાસાહેબ થોરાટ પર ગુસ્સે થયાં હતાં.

    નાના પટોળેનાં ગુસ્સાનું કારણ આપીને બાળાસાહેબ થોરાટે રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મોકલી આપ્યું હતું. પોતાનાં રાજીનામાંમાં થોરાટે જણાવ્યું હતું કે જો નાના પટોળે તેમનાંથી ગુસ્સે છે તો તેમણે આ પદ પર રહેવું જોઈએ નહીં. પોતાનાં રાજીનામાંનાં પત્રમાં બાળાસાહેબ થોરાટે લખ્યું છે કે તેમનાં સગાંઓને (તાંબે પિતા-પુત્ર) અપમાનિત કરવામાં આવ્યા છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન તેમનાં (થોરાટનાં) વ્યવહાર પર સતત શંકા કરવામાં આવી જેનાથી તેમને દુઃખ થયું છે. તેઓ પહેલાં પણ કોંગ્રેસી હતાં અને સદાય કોંગ્રેસી જ રહેશે.

    બીજી તરફ નાના પટોળેએ કહ્યું છે કે તેમને થોરાટના રાજીનામાંનો પત્ર મળ્યો નથી. પટોળેનું કહેવું હતું કે “તેઓ અમને મળતાં જ નથી, પણ મને લાગે છે કે થોરાટ (આવી બાબતે) રાજીનામું આપી દે એ પ્રકારનાં નેતા નથી.” મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી સુશીલ કુમાર શિંદેએ કહ્યું છે કે તેમને થોરાટના રાજીનામાં અંગે કોઈજ માહિતી નથી. તો એક અન્ય પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણે પોતાની પ્રતિક્રિયામાં કહ્યું છે કે જો તેમણે (થોરાટે) રાજીનામું આપ્યું હોય તો તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે, આમ નહોતું થવું જોઈતું.

    બાળાસાહેબ થોરાટે રાજીનામું આપ્યું હોવાનાં અહેવાલો બાદ પ્રદેશ ભાજપાના પ્રમુખ ચંદ્રશેખર બાવનકુળેએ પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે જો થોરાટ ભાજપામાં આવવા માંગતા હોય તો તેમનું સ્વાગત છે. પરંતુ તેઓ અનુભવી નેતા છે અને આમ કોઈનું કહેલું સાંભળીને પક્ષ બદલે તેમ લાગતું નથી. ભાજપામાં દરેક નેતાને પુરતું અને સમાન મહત્વ આપવામાં આવે છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં