Thursday, April 18, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટએશિયાના સૌથી મોટા ઍર શૉનું ઉદ્ઘાટન, ફાઈટર જેટ પર જોવા મળ્યા બજરંગબલી:...

  એશિયાના સૌથી મોટા ઍર શૉનું ઉદ્ઘાટન, ફાઈટર જેટ પર જોવા મળ્યા બજરંગબલી: પીએમ મોદીએ કહ્યું- અમૃત કાળનું ભારત ફાઈટર પાયલટની જેમ આગળ વધી રહ્યું છે

  સ્વદેશી સંસ્થા HALનું નવું ફાઇટર પ્લેન એચએલએફટી-42 આ શોનું મુખ્ય આકર્ષણ છે. તેને 5મી પેઢીનું અદ્યતન લડાકુ વિમાન માનવામાં આવે છે.

  - Advertisement -

  કર્ણાટકની રાજધાની બેંગ્લોરમાં આજથી (સોમવાર 23 ફેબ્રુઆરી, 2023) એશિયાનો સહુથી મોટો ઍર શૉ શરૂ થઈ ગયો છે. Aero India 2023 નામના આ શૉનું વડાપ્રધાન મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું. ભારતની વધતી આત્મનિર્ભરતા અને સ્વદેશી તાકાતોને દર્શાવતા આ ઍર શૉમાં 29 દેશોના વાયુસેના અધ્યક્ષ સહિત લગભગ 5 લાખ લોકો સામેલ થાય તેવી સંભાવનાઓ છે. 17 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થનાર આ શૉનું મુખ્ય આકર્ષણ ફાઈટર પ્લેન પર જોવા મળેલા બજરંગબલી રહ્યા, જેમની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

  મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 5 દિવસ સુધી ચાલનારા આ શૉમાં પહેલા 3 દિવસ બિઝનેસ ડીલ અને છેલ્લા 2 દિવસ જનતા દર્શન માટે રાખવામાં આવ્યા છે. આ શૉમાં 29 દેશોના એર ચીફની સાથે 73 મોટી કંપનીઓના સીઈઓ પણ ભાગ લઈ રહ્યા છે. ડેમો તરીકે વિમાનોના ફ્લાય પાસ્ટ પણ કરવામાં આવશે. જેમાં જહાજોને ઉડાડીને પ્રદર્શિત કરવામાં આવશે. આ એરો ઇન્ડિયાના 14માં ભાગમાં ભારત સ્વદેશી લડાકુ વિમાન, હેલિકોપ્ટર, મિસાઇલ, ડ્રોન અને અન્ય હથિયારોનું પ્રદર્શન કરશે. આ શૉ દર 2 વર્ષે એક વખત યોજવામાં આવે છે.

  ફાઈટર પ્લેન પર બજરંગબલી

  સ્વદેશી સંસ્થા HALનું નવું ફાઇટર પ્લેન એચએલએફટી-42 આ શોનું મુખ્ય આકર્ષણ છે. તેને 5મી પેઢીનું અદ્યતન લડાકુ વિમાન માનવામાં આવે છે. તેની ટેલ પર હવામાં ઉડતા બજરંગબલીનું ચિત્ર છાપવામાં આવ્યું છે. આ વિમાનને જ્યાં પાર્ક કરવામાં આવ્યું છે ત્યાં એક સંદેશ લખવામાં આવ્યો છે, જેમાં લખ્યું છે કે, ‘તૂફાનઆવી રહ્યું છે.’ આ વિમાનનો ઉપયોગ ફાઇટર પાયલટ્સને તાલીમ આપવા માટે કરવામાં આવશે.

  - Advertisement -

  ઉડતી ટેક્સીઓ પણ શામેલ

  આ શોમાં વર્ષ 2017માં આઈઆઈટી મદ્રાસ દ્વારા બનાવવામાં આવેલી ફ્લાઈંગ ટેક્સી પણ રાખવામાં આવી છે. આ 2 સીટર ટેક્સીનું વજન 2 ક્વિંટલ છે, જે એકવાર ફુલ ચાર્જિંગ બાદ 200 કિલોમીટર ઉડી શકે છે. આ 2 સીટર ટેક્સીને ઉડવા માટે વધારે જગ્યાની પણ જરૂર નથી પડતી. આ બધા ઉપરાંત શૉમાં એલસીએ માર્ક 2 અને નેવલ ટ્વિન એન્જિન ડેસ્ક બેઝ ફાઇટર એરક્રાફ્ટનું પણ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

  પીએમ મોદીએ ઉપલબ્ધિઓ ગણાવી

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે લગભગ 10:30 વાગ્યે આ શોનું ઉદ્ઘાટન કર્યું હતું. ઇતિહાસ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, એક સમયે ભારતમાં માત્ર શૉ જ થતા હતા અથવા તો તેને માત્ર સેલ ટૂ ઇન્ડિયા વિન્ડો જ માનવામાં આવતા હતા.

  પીએમ મોદીએ કહ્યું કે પોતાના સંરક્ષણ માટે સામાન બનાવવાનું વિચારી રહેલા દેશો હવે ભારતને એક મજબૂત ભાગીદારના રૂપમાં જોઈ રહ્યા છે. મોદીએ ભારતની સ્વદેશી વસ્તુઓને ઓછી ખર્ચાળ તેમજ ટકાઉ અને વિશ્વસનીય ગણાવી હતી. મોદીએ પોતાના સંબોધનમાં તેજસ અને નૌકાદળના યુદ્ધ જહાજ આઇએનએસ વિક્રાંતનું નામ સંરક્ષણ ક્ષેત્રમાં સ્વદેશી ઉત્પાદનના ઉદાહરણ તરીકે લીધું હતું. આંકડાઓનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, એક સમયે સંરક્ષણ સાથે સંબંધિત ચીજવસ્તુઓનું વિશ્વનું સૌથી મોટું ખરીદદાર ભારત અત્યારે 75 દેશોને સંરક્ષણનાં સાધનોનું વેચાણ કરી રહ્યું છે.

  પીએમ મોદીએ ઉમેર્યું કે, અમૃત કાળનું ભારત એક ફાઈટર જેટની જેમ આગળ વધી રહ્યું છે. ભારત એક એવો દેશ બની રહ્યો છે, જેને ઊંચાઈઓ સ્પર્શવાથી ડર નથી લાગતો કે જે સૌથી ઊંચી ઉડાન ભરવા માટે ઉત્સાહિત છે. તેમણે એમ પણ કહ્યું કે, ‘ઇઝ ઑફ ડૂઈંગ બિઝનેસ’ની દિશામાં ભારતે કરેલા બદલાવોની ચર્ચા આજે આખા વિશ્વમાં થઇ રહી છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં