ઉત્તર પ્રદેશના અયોધ્યામાં પ્રભુ શ્રીરામનું ભવ્ય મંદિર નિર્માણ પામી રહ્યું છે. આ રામમંદિર ત્રણ તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે, જેનો પહેલો તબક્કો એક વર્ષ પછી એટલે કે ડિસેમ્બર 2023માં પૂર્ણ થઇ જશે. જેમાં ગર્ભગૃહ તૈયાર કરી દેવામાં આવશે. ત્યારબાદ જાન્યુઆરી 2024ના મકરસંક્રાંતિના દિવસે રામલલા ગર્ભગૃહમાં બિરાજમાન થશે, જેમનું આસન સોનાનું હશે.
દૈનિક ભાસ્કરના એક રિપોર્ટ અનુસાર, ગર્ભગૃહમાં ભગવાન શ્રીરામનું આસન સંપૂર્ણ સોનામાં બનાવવામાં આવશે. જ્યારે મંદિરનું શિખર પણ સોનાનું બનાવવામાં આવે તેવી ચર્ચા ચાલી રહી છે. આ સુવર્ણ શિખર દાન કરવા માટે મહારાષ્ટ્રના એક ઉદ્યોગપતિએ ટ્રસ્ટને અપીલ કરી છે, પરંતુ હજુ સુધી ટ્રસ્ટે નિણર્ય લીધો નથી.
હાલ ભગવાન રામલલાની મૂર્તિ ઘણી નાની છે. જેના કારણે મોટા અને ભવ્ય મંદિરના ગર્ભગૃહમાં ભગવાન બિરાજમાન થયા બાદ શ્રદ્ધાળુઓ બરાબર દર્શન કરી શકે તે માટે તેની મોટી પ્રતિકૃતિ પણ તૈયાર કરવામાં આવશે, જે અઢીથી ત્રણ ફુટ ઊંચી હોય શકે છે. આ માટે દેશભરના મોટા મૂર્તિકારોનો સંપર્ક કરવામાં આવ્યો છે.
આ મૂર્તિ સંગેમરમરની હશે, જે માટે શિલાઓની ખરીદી પહેલેથી કરી રાખવામાં આવી છે. ઉપરાંત, ગ્રહગૃહમાં કર્ણાટકથી મંગાવવામાં આવેલા પથ્થરોનો ઉપયોગ પણ કરવામાં આવશે. જ્યારે દરવાજો લાકડાનો બનાવવામાં આવશે. ભગવાનના દર્શન 19 ફૂટ દૂરથી કરી શકાશે અને 10 કલાકમાં અઢી લાખ લોકો દર્શન કરી શકશે.
પ્રભુ શ્રીરામનું મંદિર 8 એકરમાં બની રહ્યું છે. મંદિરનું મુખ્ય ભવન 57,400 સ્કૅવર ફીટ વિસ્તારમાં બની રહ્યું છે, જેની લંબાઈ 360 ફીટ અને પહોળાઈ 235 ફૂટ હશે. મંદિરનું શિખર 161 ફૂટ ઊંચું હશે.
મંદિરનો પાયો એ રીતે બનાવવામાં આવ્યો છે કે મંદિર 1000 વર્ષ સુધી સુરક્ષિત રહેશે. તેનો પાયો 15 ફોટા ઊંડો છે અને સંપૂર્ણપણે પથ્થરથી બનાવવામાં આવ્યો છે. તમામ પથ્થરો 2 ટન વજનના છે અને એવા 17,000 પથ્થરો વડે પાયો બનાવવામાં આવ્યો છે.
મંદિરનું લગભગ 55 ટકા કામ પૂર્ણ થઇ ચૂક્યું છે. હાલ નિર્માણકાર્ય બહુ ઝડપથી ચાલી રહ્યું છે અને 350 જેટલા કારીગરો-શ્રમિકો દિવસ-રાત કામ કરી રહ્યા છે. જ્યારે એક હજાર લકો રાજસ્થાનમાં કામ કરી રહ્યા છે. અહીં મંદિરમાં ઉપયોગમાં લેવામાં આવતા પથ્થરોનું નક્શીકામ ચાલી રહ્યું છે.
મંદિરના પહેલા તબકનું કામ ડિસેમ્બર 2023 સુધીમાં, બીજા તબક્કાનું કામ ડિસેમ્બર 2024 સુધીમાં અને ત્રીજા તબક્કાનું કામ ડિસેમ્બર 2025 સુધીમાં પૂર્ણ થશે. મંદિરના નિર્માણ કાર્ય માટે 1,800 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોવાનું અનુમાન છે. જે માટે શ્રદ્ધાળુઓએ 9 હજાર કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.