લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે કોંગ્રેસ નેતા મણિશંકર ઐયરનું ‘પાકિસ્તાનનું સન્માન કરો’નું નિવેદન ચર્ચાનો વિષય બની ગયું છે. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાન પાસે પણ એટમ બૉમ્બ છે, તેથી તેમનું પણ સન્માન કરો. આ નિવેદન પર હવે રાજકારણ ગરમાયું છે. હવે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઇન્ડિયા ટીવીના ‘આપ કી અદાલત’ શૉમાં અનેક મુદ્દાઓ પર વાત કરી છે. તેમને મણિશંકર ઐયરના નિવેદન વિશે પૂછવામાં આવતા તેમણે સ્પષ્ટ જવાબ આપ્યો છે કે, આપણાં એટમ બૉમ્બ શું ફ્રિજમાં રાખવા માટે છે?
ઇન્ડિયા ટીવીના ‘આપ કી અદાલત’ શૉમાં યોગી આદિત્યનાથે મણિશંકર ઐયરના નિવેદન વિશે વાત કરતાં કહ્યું કે, “તો આપણાં એટમ બૉમ્બ શું ફ્રિજમાં રાખવા માટે છે? આ કોંગ્રેસના મણિ હોય શકે છે, ભારતના મણિ ના હોય શકે. આ નવું ભારત છે. નવું ભારત કોઈને છેડતું નથી, પરંતુ જો કોઈ છેડે તો તેને છોડતું પણ નથી. ઘરની અંદર ઘૂસીને જવાબ આપશે અને તે ભારતે કરીને પણ બતાવ્યું છે. પહેલાં આતંકવાદી હુમલા દરેક જગ્યાએ થઈ જાતા હતા. દિલ્હીમાં, અયોધ્યામાં, કાશીમાં લખનૌ, વારાણસી, ગોરખપુર, મુંબઈ, દેશની સંસદ પર હુમલો થયો. આ તમામ ઘટનાઓ અલગ-અલગ સમયમાં ઘટિત થઈ હતી.”
हमारे एटम बम फ्रिज में रखने के लिए हैं क्या! pic.twitter.com/boH7bjLHGe
— Yogi Adityanath (मोदी का परिवार) (@myogiadityanath) May 11, 2024
તેમણે વધુમાં કહ્યું કે, “તમે છેલ્લા 10 વર્ષમાં સુરક્ષાનું વાતાવરણ જોયું છે. આંતરિક સુરક્ષા વધી ગઈ છે. નક્સલવાદ ખતમ થયો છે અને હવે તો ફટાકડો પણ જો જોરથી ફૂટે તો પાકિસ્તાન સ્પષ્ટતા કરી દે છે કે, તેમાં મારો હાથ નથી. આ નવું ભારત છે. આ દેશની શક્તિ છે. પહેલાંની કોંગ્રેસ સરકારમાં દરેક હુમલા વખતે અમે સંસદમાં અવાજ ઉઠાવતા ત્યારે એક જ શબ્દ સાંભળવા મળતા. ‘સાહેબ, સરહદ પાર આતંકવાદ છે.’ જો સરહદ પાર છે, તો તમે તો કઈક કરો.”
‘જે પાકિસ્તાનનો રાગ આલાપે છે, તે જાય એ કંગાળ પાસે’
તેમણે કહ્યું કે, “કોંગ્રેસે દેશનું વિભાજન કર્યું. તે લોકોની ઓછી વસ્તી હોવા છતાં, વધુ ક્ષેત્રફળ આપ્યું. આજે પાકિસ્તાનની સ્થિતિ શું છે? હું કહેવા માંગીશ કે, જે પાકિસ્તાનના રાગ આલાપે છે. તે જાય એ કંગાળ પાસે. તેઓ પણ ત્યાં ભીખ માંગવામાં સામેલ થઈ જાય. એક તરફ ભારત છે, 80 કરોડ લોકોને વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ફ્રીમાં રાશનની સુવિધાનો લાભ આપી રહ્યું છે. બીજી તરફ 23-24 કરોડનું પાકિસ્તાન ભીખારીઓની જેમ દુનિયાની અંદર કટોરો લઈને ઘૂમી રહ્યું છે. કોઈ ભીખ પણ આપી રહ્યું નથી.”
'गजवा-ए-हिंद' का सपना कयामत के दिन तक भी सफल नहीं होने वाला है… pic.twitter.com/vs8H676W72
— Yogi Adityanath (मोदी का परिवार) (@myogiadityanath) May 11, 2024
નવનીત રાણાના ’15 સેકન્ડ’વાળા નિવેદન પર યોગીએ કહ્યું કે, “15 મિનિટ શા માટે? 15 સેકન્ડમાં જ થઈ જાય આરપાર. લાતોના ભૂત, વાતોથી ના માને. સ્વાભાવિક રીતે તે જે ભાષા સમજશે, તે જ ભાષામાં ડોઝ આપવો આવશ્યક છે. જે કહેવામાં આવ્યું છે તે યોગ્ય જ છે. આવા લોકોને આવા જ ડોઝ મળવા જોઈએ.” ગઝવા-એ-હિંદ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, “જુઓ ‘ગઝવા-એ-હિંદ’નું સપનું કયામતના દિવસ સુધી પણ સફળ નથી થવાનું. આ નોટ કરીને લખી લો. ઘણી પેઢીઓ સડી જશે, પરંતુ સપનું પૂરું થશે નહીં.”
‘પહેલાં માફિયા સત્તાનું સંચાલન કરતા હતા’
પહેલાંના યુપી અને હાલના યુપી વચ્ચેનો અંતર સમજાવતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, “જે મોટા-મોટા માફિયાઓ હતા, તે પહેલાં સત્તાનું સંચાલન કરતાં હતા, જેની સામે મુખ્યમંત્રી ઊભા રહી જતાં હતા. પરંતુ આજે એ લોકો કાંપી રહ્યા છે અને જીવની ભીખ માંગી રહ્યા છે.” ઔવેસીએ કહ્યું હતું કે, “તે લોકોના પગમાં માલિશ કરવામાં આવે છે અને અમને દંડાથી મારવામાં આવે છે.” તેના જવાબમાં યોગીએ કહ્યું કે, “દંડા એટલા માટે જ તો રાખ્યા છે. ક્યાંય પણ તોડફોડ કરશો, તો સાત પેઢી યાદ રાખશે. વસૂલી કરી લઈશ એટલી જ.”
यह कठमुल्लापन जब तक देश में चलता रहेगा, तब तक यह देश प्रगति नहीं कर सकता है… pic.twitter.com/87r1WWhYDe
— Yogi Adityanath (मोदी का परिवार) (@myogiadityanath) May 11, 2024
તેમણે કહ્યું કે, “વડાપ્રધાન મોદીએ ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ સૂત્રના આધારે દરેક મત-મઝહબને યોજનાઓના લાભ પણ આપ્યા. પરંતુ હમણાં જે ધ્રુવીકરણ કરવાનું કામ ચાલી રહ્યું છે, કેટલાક કઠમુલ્લાઓ દ્વારા મૌલવીઓ દ્વારા તેઓ ઈચ્છે છે કે, આ લોકો બસ લૂંગી પહેરીને જ દોડતા રહે. આ કઠમુલ્લાપણું જ્યાં સુધી દેશમાં ચાલતું રહેશે, ત્યાં સુધી દેશ પ્રગતિ કરી શકશે નહીં.”