Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅતિક અહમદને લઈને રવાના થઇ યુપી પોલીસ, નેટિઝન્સમાં ‘ગાડી પલટવાની’ ચર્ચા: મીમ્સ...

    અતિક અહમદને લઈને રવાના થઇ યુપી પોલીસ, નેટિઝન્સમાં ‘ગાડી પલટવાની’ ચર્ચા: મીમ્સ અને જોક્સથી ઉભરાયું ટ્વિટર

    એક તરફ અતિક અહમદને લઈને યુપી પોલીસ અમદાવાદથી રવાના થઇ છે તો બીજી તરફ લોકો સોશિયલ મીડિયા પર ચર્ચા કરી રહ્યા છે કે તે સલામત યુપી પહોંચશે કે કેમ.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના માફિયા ગેંગસ્ટર અતિક અહમદને લેવા માટે ઉત્તર પ્રદેશ પોલીસની એક ટીમ આજે અમદાવાદ પહોંચી હતી. અતિક અહમદ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે, જ્યાંથી તેને સડકમાર્ગે યુપી લઇ જવામાં આવનાર છે. એક તરફ અતિક અહમદ સમાચારોમાં છે તો બીજી તરફ સોશિયલ મીડિયા ઉપર ગાડી પલટવાની ચર્ચા ચાલી રહી છે અને લોકો મીમ્સ અને જોક્સ શૅર કરી રહ્યા છે. 

    ઘણા કિસ્સાઓમાં એવું બન્યું છે કે યુપી પોલીસ માફિયા કે રીઢા ગુનેગારોને લઈને જતી હોય અને અચાનક ગાડી પલટી જાય છે અને ગુનેગાર ભાગવા જતાં તેનું એનકાઉન્ટર કરવામાં આવે છે. જુલાઈ, 2020માં વિકાસ દૂબે નામના એક ગેંગસ્ટર સાથે આ જ પ્રકારની ઘટના બની હતી, જ્યારે તેને ઉજ્જૈનથી લઇ જવામાં આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં ગાડી પલટી ગઈ હતી અને તે ભાગવા જતાં પોલીસે તેને ઠાર કર્યો હતો. 

    આવા અન્ય પણ થોડા કિસ્સાઓ બન્યા બાદ યુપી પોલીસ જ્યારે-જ્યારે કોઈ રીઢા ગુનેગારને એક જેલમાંથી બીજી જેલમાં ટ્રાન્સફર કરે કે કોઈ ગુનામાં પકડીને મુખ્યમથકે લાવે ત્યારે આ ગાડી પલટવાની ચર્ચા શરૂ થઇ જાય છે. 2021માં મુખ્તાર અન્સારીને પંજાબની જેલમાંથી યુપી લાવવામાં આવ્યો ત્યારે પણ કંઈક આવું જ થયું હતું. 

    - Advertisement -

    એક તરફ અતિક અહમદને લઈને યુપી પોલીસ અમદાવાદથી રવાના થઇ છે તો બીજી તરફ લોકો સોશિયલ મીડિયા પર ચર્ચા કરી રહ્યા છે કે તે સલામત યુપી પહોંચશે કે કેમ. ઘણા યુઝરો પોલ કરીને એકબીજાનો મત જાણી રહ્યા છે. 

    એક યુઝરે વિકાસ દૂબેની તસ્વીર શૅર કરીને લખ્યું કે, ‘આ તો કંઈ નથી, મારી તો ગાડી પલટી ગઈ હતી.’ ઉલ્લેખનીય છે કે ગેંગસ્ટર વિકાસ દૂબેને ઉજ્જૈનથી કાનપુર લાવવામાં આવી રહ્યો હતો ત્યારે રસ્તે યુપી પોલીસના એનકાઉન્ટરમાં માર્યો ગયો હતો. તેની ગાડી પલટી ગઈ હતી. 

    સત્યમ સિંઘે એક વેબ સિરીઝના પાત્રના ચહેરા પર અતિકનો ચહેરો લગાવીને બનાવેલું મીમ શૅર કર્યું હતું. 

    એક વ્યક્તિએ ફિલ્મ શોલેના એક દ્રશ્ય પરથી મીમ બનાવ્યું અને જેમાં સીએમ યોગી આદિત્યનાથ અને ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યનાં પણ પાત્ર લીધાં હતાં. 

    એક યુઝરે ફિલ્મ ‘ફિર હેરા ફેરી’ના એક સીનનું જાણીતું મીમ શૅર કરીને જણાવ્યું કે યુપી પોલીસની કસ્ટડીમાં અતિક અહમદની સ્થિતિ કેવી હોવી જોઈએ. 

    જાણીતા ટ્વિટર યુઝર લાલાએ અતિક અહમદની આજની એક તસ્વીરનો ઉપયોગ કરીને મીમ બનાવ્યું હતું. 

    અન્ય પણ ઘણા યુઝરોએ મીમ શૅર કર્યાં હતા. 

    કટાક્ષભરી ટિપ્પણીઓ માટે જાણીતા યુઝર ‘ધ સ્કિન ડોક્ટરે’ પણ રમૂજી ટિપ્પણી કરી હતી. 

    અતિક અહમદ ઉત્તર પ્રદેશનો માફિયા ગેંગસ્ટર છે. તેની સામે હત્યા, ખંડણી, અપહરણ સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા છે. 2019થી તે અમદાવાદની સાબરમતી જેલમાં બંધ હતો. તાજેતરમાં યુપીના પ્રયાગરાજમાં ઉમેશ પાલ નામના એક વ્યક્તિની હત્યા કરી નાંખવામાં આવ્યા બાદ અતિકનું નામ સતત ચર્ચામાં રહ્યું છે. તેની ઉપર આ હત્યાનો પણ આરોપ લાગ્યો છે. જોકે, હાલ તેને જે કેસ માટે લઇ જવામાં આવી રહ્યો છે તે એક અપહરણનો મામલો છે, જેમાં 28 માર્ચે ચુકાદો આવનાર છે. જેના કારણે કોર્ટમાં રજૂ કરવા માટે યુપી પોલીસ તેને લેવા માટે સાબરમતી જેલ પહોંચી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં