Sunday, October 13, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆસામ: મદ્રેસામાં આતંકવાદી ગતિવિધિઓ ચલાવતા અકબર અલી અને અબુલ કલામ પકડાયા, મદ્રેસા...

    આસામ: મદ્રેસામાં આતંકવાદી ગતિવિધિઓ ચલાવતા અકબર અલી અને અબુલ કલામ પકડાયા, મદ્રેસા પણ તોડી પડાઈ

    આસામમાં આતંકવાદીઓ પકડાવાનો સિલસિલો ચાલુ જ છે ત્યાં આજે વધુ બે સંદિગ્ધ આતંકીઓ પકડાયા હતા.

    - Advertisement -

    આસામમાંથી આતંકવાદીઓની ધરપકડ સતત ચાલુ જ છે. હવે રાજ્યની પોલીસે બારપેટા જિલ્લામાંથી વધુ બે સંદિગ્ધ આતંવાદીઓની ધરપકડ કરી લીધી છે. અકબર અલી અને અબુલ કલામ આઝાદ આતંકવાદીઓ સાથે સાંઠગાંઠ ધરાવતા હોવાનું સામે આવ્યા બાદ પોલીસે તપાસ અભિયાન ચલાવ્યું હતું અને બંનેને ઝડપી લીધા હતા. ઉપરાંત, બંને જેમાં આતંકી ગતિવિધિઓ ચલાવતા તે મદ્રેસા પણ ધ્વસ્ત કરી દેવાઈ છે.

    બંને આતંકવાદીઓની શનિવારે રાત્રેથી પૂછપરછ ચાલી રહી હતી. જે બાદ રવિવારે પકડી લેવામાં આવ્યા હતા. પકડાયેલા બંને આતંકવાદીઓ અલ-કાયદા અને અંસારુલ્લાહ બાંગ્લા ટીમ સાથે સબંધ ધરાવતા હોવાનું જાણવા મળ્યું છે. આ બે આતંકવાદી સંગઠનો છે. અંસારુલ્લાહ બાંગ્લા ટીમ એ અલ-કાયદાની જ એક પાંખ છે, જે બાંગ્લાદેશમાં સક્રિય છે. ત્યાંની સરકારે તેને પ્રતિબંધિત પણ કર્યું છે. 

    આ બંને આતંકવાદીઓની ધરપકડ બાદ પોલીસે સ્થાનિક જિલ્લા તંત્રને સાથે રાખીને બારપેટા જિલ્લામાં આવેલી મદ્રેસા ધ્વસ્ત કરી દીધી હતી. આ મદ્રેસા અકબર અલી અને તેના ભાઈ અબુલ કલામ આઝાદ દ્વારા ચલાવવામાં આવતી હોવાનું પોલીસે જણાવ્યું છે. આ મદ્રેસા સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બાંધી દેવામાં આવી હતી. આખરે પોલીસે તેને ધ્વસ્ત કરી નાંખી હતી. 

    - Advertisement -

    બારપેટાના એડિશનલ ડેપ્યુટી કમિશનરે જણાવ્યું કે, આ સંસ્થા રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ અને જેહાદી પ્રવૃતિઓમાં લિપ્ત હતી. અમે તાત્કાલિક સ્થળે પહોંચ્યા અને ખરાઈ કરી તો જાણવા મળ્યું કે સંપત્તિ સરકારી જમીન પર બની છે. અમને કોઈ માલિક મળ્યો ન હતો. જેથી અમે તાત્કાલિક તેને તોડી પાડવાનું નક્કી કર્યું. 

    એક રિપોર્ટ અનુસાર, આ મદ્રેસામાં માર્ચમાં પકડાયેલા એક આતંકવાદી સુમન ઉર્ફ સૈફુલ ઇસ્લામ રહી ગયો હોવાનું જાણવા મળ્યું છે. તે ઉપરાંત તેના સાથીઓ પણ અહીં રહ્યા હતા. તેઓ હાલ ફરાર છે. જેને હાલ પકડાયેલા આતંકવાદીઓએ પણ મદદ કરી હતી. 

    બારપેટાના એસપી અમિતાવ સિન્હાએ આ કાર્યવાહીની પુષ્ટિ કરી હતી અને ઉમેર્યું હતું કે, પકડાયેલા સંદિગ્ધ આતંકવાદી આ મદ્રેસા સાથે સબંધ ધરાવતા હતા અને તે સરકારી જમીન પર ગેરકાયદે બાંધવામાં આવી હતી. તંત્રે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને UAPA એક્ટ હેઠળ મદ્રેસા તોડી પાડી છે. 

    આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમાએ આ કાર્યવાહીની જાણકારી આપતાં કહ્યું કે, આ બીજી મદ્રેસા છે, જે તોડી પાડવામાં આવી છે. તેનું કારણ જણાવતા તેમણે કહ્યું કે, પકડાયેલા આરોપીઓ તેમાં કોઈ સંસ્થા નહીં પરંતુ આતંકવાદી ઠેકાણું ચલાવતા હતા. તેમણે કહ્યું કે, દરેક મદ્રેસાઓ આમ ચાલતી હશે તેમ નથી પરંતુ કટ્ટરતાની ફરિયાદ મળશે તો યોગ્ય પગલાં લેવામાં આવશે.

    ઉલ્લેખનીય છે કે આસામની સરકાર રાજ્યમાંથી એક પછી એક જેહાદી મોડ્યુલ પકડી રહી છે અને આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં આસામમાં આતંકવાદી સંગઠનો સાથે સબંધ ધરાવતા કુલ 37 લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. જેમાંની મોટાભાગની ધરપકડ છેલ્લા એક મહિનામાં થઇ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં