લોકસભામાંથી હાલમાં જ ગેરલાયક ઠેરવવામાં આવેલા કોંગ્રેસ નેતા અને પૂર્વ સાંસદ રાહુલ ગાંધીએ એક ટ્વિટ કરીને વિવાદ સર્જ્યો છે. રાહુલે ટ્વિટ કરીને પાર્ટી છોડી ગયેલા નેતાઓને ટાર્ગેટ કર્યા હતા અને તેમને અદાણી સાથે જોડ્યા હતા.
વિદેશી ફર્મ હિંડનબર્ગે ભારતીય ઉદ્યોગ જૂથ અદાણી ઉપર રિપોર્ટ પ્રકાશિત કરીને આરોપો લગાવ્યા બાદથી જ રાહુલ ગાંધી સતત આ મુદ્દે સરકારને ઘેરવાના પ્રયાસો કરતા રહે છે. શનિવારે (8 એપ્રિલ, 2023) રાહુલ ગાંધીએ એક ટ્વિટ કર્યું જેમાં વર્ડ પ્લે પઝલનો ફોટો હતો.
सच्चाई छुपाते हैं, इसलिए रोज़ भटकाते हैं!
— Rahul Gandhi (@RahulGandhi) April 8, 2023
सवाल वही है – अडानी की कंपनियों में ₹20,000 करोड़ बेनामी पैसे किसके हैं? pic.twitter.com/AiL1iYPjcx
આ તસ્વીરમાં વચ્ચે Adani લખવામાં આવ્યું છે અને આ જ અક્ષરો સાથે એ નેતાઓનાં નામો જોડવામાં આવ્યાં છે જેઓ કોંગ્રેસ છોડી ચૂક્યા છે. આ તમામ નેતાઓ એક સમયે રાહુલ ગાંધીના નજીકના સાથીઓ હતા. જેમાં ગુલામ નબી આઝાદ, જ્યોતિરાદિત્ય સિંધિયા, કિરણ રેડ્ડી, હિમંત સરમા અને અનિલ એન્ટનીનો સમાવેશ થાય છે.
રાહુલ ગાંધીના ટ્વિટ બાદ આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમાએ વળતો પ્રહાર કર્યો છે. તેમણે લખ્યું કે એ તેમની શિષ્ટતા હતી કે તેમણે ક્યારેય રાહુલ ગાંધીને બોફોર્સ અને નેશનલ હેરાલ્ડ કૌભાંડો વિશે પૂછ્યું નહીં. આ સાથે તેમણે રાહુલ ગાંધીને કહ્યું કે તેઓ તેમને કોર્ટમાં મળશે.
It was our decency to have never asked you, on where have you concealed the proceeds of crime from the Bofors and National Herald Scams.
— Himanta Biswa Sarma (@himantabiswa) April 8, 2023
And how you allowed Ottavio
Quattrocchi to escape the clutches of Indian justice multiple times .
Any way we will meet in the Court of Law https://t.co/a9RGErUN1A
સાથે તેમણે એ પણ ઉમેર્યું કે, તેમણે ક્યારેય રાહુલને એ નહતું પૂછ્યું કે કઈ રીતે તેમણે ઓટ્ટાવિયો ક્વાત્રોચીને ભારતીય ન્યાયતંત્રના સકંજામાંથી બચવા દીધા હતા. અહીં ઉલ્લેખનીય છે કે ક્વાત્રોચીનું નામ બોફોર્સ કૌભાંડમાં સામે આવ્યું હતું. તેમને ગાંધી પરિવારના નજીકના માનવામાં આવતા હતા. બોફોર્સ તોપ દલાલીમાં નામ સામે આવ્યા બાદ રાતોરાત તેઓ ભારતથી ભાગી છૂટ્યા હતા. 1999માં તેમની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી પરંતુ ક્યારેય ભારતની કોર્ટમાં રજૂ કરવામાં આવી શક્યા નહીં. 2013માં તેમનું નિધન થયું હતું.
કોણ છે આ પાંચ નેતાઓ?
ગુલામ નબી આઝાદ રાજ્યસભામાં વિપક્ષ નેતા હતા પરંતુ ગત વર્ષે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું અને ત્યારથી તેઓ પાર્ટી નેતૃત્વને લઈને સવાલો ઉઠાવતા રહ્યા છે. જ્યોતિરાદિત્ય સિંધિયા રાહુલ ગાંધીના નજીકના સાથી હતા, પરંતુ 2020માં તેઓ ભાજપમાં આવી ગયા હતા. હાલ તેઓ કેબિનેટ મંત્રી છે. હિમંત બિસ્વ સરમા પણ એવું જ એક નામ છે. તેઓ આસામ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓમાંના એક હતા પરંતુ રાહુલ ગાંધી સાથે મતભેદો બાદ 2015માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. હાલ તેઓ આસામના મુખ્યમંત્રી છે.
કિરણ રેડ્ડી આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી છે. તેઓ શુક્રવારે જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. જ્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી એ. કે એન્ટનીના પુત્ર અનિલ એન્ટની પણ હાલમાં જ ભાજપમાં જોડાયા છે. તેમણે BBCની વિવાદિત ડોક્યુમેન્ટ્રીનો વિરોધ કર્યો હતો અને પીએમ મોદીનું સમર્થન કર્યું હતું, ત્યારથી જ તેઓ પાર્ટીમાંથી ટીકાનો સામનો કરી રહ્યા હતા. ગત જાન્યુઆરીમાં રાજીનામું આપ્યા બાદ બે દિવસ પહેલાં તેઓ ભાજપમાં જોડાયા હતા.