Monday, September 9, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટયુવતીની છેડતી બદલ થયેલી મારપીટને 'જય શ્રીરામ'ના નારા સાથે જોડીને આપ્યો ધાર્મિક...

    યુવતીની છેડતી બદલ થયેલી મારપીટને ‘જય શ્રીરામ’ના નારા સાથે જોડીને આપ્યો ધાર્મિક એંગલ: ઓવૈસી જેવા નેતાઓએ જેને પીડિત બતાવ્યો તે આસિમ હુસૈનની ધરપકડ

    પોલીસે હુસૈનને માર મારનાર બે યુવકોને દંડ કરતી વખતે પહેલા જ દિવસે આ કેસમાં ધાર્મિક દૃષ્ટિકોણને ફગાવી દીધો હતો. બાદમાં છેડતીનો ભોગ બનેલી યુવતી શાહજહાંપુરથી આવી અને તેણે જીઆરપી મુરાદાબાદમાં આસિમ હુસૈન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ પછી હુસૈનની ધરપકડ કરવામાં આવી છે.

    - Advertisement -

    ટ્રેનમાં યુવતીની છેડતી બદલ બદલ થયેલી મારપીટને ‘જય શ્રીરામ’ના નારા સાથે જોડીને ધાર્મિક એંગલ આપવાની કોશિશ કરનાર આરોપી આસિમ હુસૈનની ધરપકડ કરવામાં આવી છે. અસદુદ્દીન ઓવૈસી અને શફીકુર્રહેમાન જેવા નેતાઓ આ ઘટનામાંથી ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા તેની પાછળની વાસ્તવિકતા તો સાવ જુદી જ નીકળી છે.

    વાસ્તવમાં છેલ્લા બે-ત્રણ દિવસથી દેશના કેટલાક મુસ્લિમ નેતાઓ RSSના સરસંઘચાલક દ્વારા આપેલા નિવેદન બાદ વિચલિત જોવા મળી રહ્યા હતા. તેવામાં પદ્માવત એક્સપ્રેસમાં થયેલી મુસ્લિમ કારોબારીની મારપીટ બાદ તેમને નવો મુદ્દો મળી ગયો હતો અને દેશમાં મુસ્લિમ પીડિત હોવાનો પ્રોપગેંડા ચલાવવાની ચાવી મળી ગઈ હોય તેમ મોહન ભાગવત અને ભાજપ પર આકરા પ્રહારો કરી રહ્યા હતા. પણ હવે વાસ્તવિક ઘટનામાં ટ્રેનમાં યુવતીની છેડતી બદલ આસિમ હુસૈનની ધરપકડ થઈ હોવાનો નવો ખુલાસો થતા આ તમામ નેતાઓએ મૌન ધારણ કરી લીધું છે.

    અહેવાલો મુજબ બહુચર્ચિત ઘટનામાં વાસ્તવમાં જે પીડિત છે તે યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે હુસૈને તેને ટ્રેનમાં તેની બાજુમાં બેસવા માટે જગ્યા આપી અને પછી તેની છાતીને સ્પર્શ કરવા લાગ્યો હતો. પીડિત યુવતી શાહજહાંપુરની છે. નોઈડામાં તેના પરિવાર સાથે રહે છે. 12 જાન્યુઆરીની રાત્રે તે તેના ભાઈ સાથે ગાઝિયાબાદથી શાહજહાંપુર જવા માટે પદ્માવત એક્સપ્રેસના જનરલ ડબ્બામાં ચડી હતી. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે ડબ્બામાં ઘણી ભીડ હતી. બેસવાની જગ્યા નહોતી. તે કમ્પાર્ટમેન્ટની ગેલેરીમાં ઊભી હતી. આ દરમિયાન તેમની બાજુની સીટ પર બેઠેલા હુસૈને તેમને જગ્યા આપી હતી.

    - Advertisement -

    યુવતીએ જણાવ્યાં અનુસાર પ્રવાસ દરમિયાન મુલ્લાજી તેને છેડવા લાગ્યા હતા અને તેની હરકતો વધવા લાગી, ત્યાર બાદ તેણે યુવતીનો છાતીનો ભાગ પકડી લીધો હતો. પીડિતાના જણાવ્યા મુજબ, 40-45 વર્ષના મુલ્લાજીના આ કૃત્યથી તે રડી પડી હતી. આ પછી યુવકોએ હુસૈનને માર માર્યો હતો.

    આ ઘટના બાદ 14 જાન્યુઆરીના રોજ, AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી અને કોંગ્રેસના નેતા ઈમરાન પ્રતાપગઢીએ હુસૈનનો વીડિયો શેર કરીને દાવો કર્યો હતો કે ‘જય શ્રી રામ’ ન બોલવા બદલ મુસ્લિમ બિઝનેસમેનને માર મારવામાં આવ્યો હતો. આ દાવાઓને ફગાવતા, મુરાદાબાદના રેલ્વે પોલીસના નાયબ અધિક્ષકે કહ્યું હતું કે હુસૈનને ટ્રેનમાં યુવતીની છેડતી કરવા બદલ લોકોએ માર માર્યો હતો.

    પોલીસના જણાવ્યા અનુસાર, સામે બેઠેલા બે યુવકો પણ આસિમ હુસૈનની હરકતો જોઈ રહ્યા હતા. જે બદલ તેમણે આસિમને માર માર્યો હતો. આ દરમિયાન આસિમે માફી પણ માંગી હતી. ટ્રેનમાંથી ઉતર્યા બાદ આસિમ હુસૈન AIMIM કાર્યકર્તાઓ સાથે 24 કલાક પછી મુરાદાબાદ જીઆરપી પોલીસ સ્ટેશન આવ્યો હતો અને જય શ્રી રામ ન બોલવા બદલ મારપીટની ફરિયાદ નોંધાવી હતી. તેણે લોકો પર પૈસા લૂંટવાનો પણ આરોપ લગાવ્યો હતો. અધૂરામાં પૂરું મિલ્લત ટાઈમ્સ અને એબીપી ન્યૂઝ જેવા મીડિયા આઉટલેટ્સે પણ વાસ્તવિકતા જાણ્યા વગર તેમના દાવાઓને વેગ આપ્યો હતો.

    આટલું જ નહિ સમાજવાદી પાર્ટીના સાંસદ ડૉ. શફીકુર્રહેમાને પણ આ ઘટના બાદ તેનો ઉપયોગ રાજકીય રોટલા શેકવા માટે કર્યો હતો અને વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “આ મુસ્લિમ સમુદાય માટે પડકાર છે. મુસ્લિમ સમુદાયમાં બદલો લેવાની એટલી તાકાત નથી. મુસ્લિમોને પકડીને જય સિયારામ કહેવા માટે મજબૂર કરવામાં આવે છે, આ દેશ દરેકનો છે, તે ખોટું છે કે હિંદુઓએ વિચારવું જોઈએ કે તે અમારો છે અને મુસ્લિમોએ વિચારવું જોઈએ કે આ આપણો દેશ છે, આ દેશમાં રહેતી દરેક જાતિ, ધર્મ, સમુદાયનો આ દેશ છે. મુસ્લિમની દાઢી પકડીને ખેંચવી એ અમાનવીય વર્તન છે, આ સમગ્ર મુસ્લિમ સમુદાય માટે પડકાર છે, શું મુસ્લિમ સમુદાયમાં તેનો બદલો લેવાની હિંમત નથી?”

    નોંધનીય છે કે પોલીસે હુસૈનને માર મારનાર બે યુવકોને દંડ કરતી વખતે પહેલા જ દિવસે આ કેસમાં ધાર્મિક દૃષ્ટિકોણને ફગાવી દીધો હતો. બાદમાં છેડતીનો ભોગ બનેલી યુવતી શાહજહાંપુરથી આવી અને તેણે જીઆરપી મુરાદાબાદમાં આસિમ હુસૈન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ પછી હુસૈનની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તેને મારનાર યુવકોને પણ શોધી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં