Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપોલીસ કસ્ટડીમાંથી ભાગી રહ્યો હતો આશિકુલ ઇસ્લામ, માર્ગ અકસ્માતમાં મોત : પોલીસ...

    પોલીસ કસ્ટડીમાંથી ભાગી રહ્યો હતો આશિકુલ ઇસ્લામ, માર્ગ અકસ્માતમાં મોત : પોલીસ મથક સળગાવવાનો હતો આરોપ

    તપાસ અભિયાન પૂર્ણ થયા બાદ આરોપીએ રસ્તામાં કારમાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ત્યારે જ પાછળથી આવતું વાહન ભૂલથી તેની ઉપર ચડી ગયું હતું.

    - Advertisement -

    આસામના નૌગાંવ જિલ્લાના બટાદ્રવામાં પોલીસ મથકમાં આગચંપી કરનાર ટોળાને ઉશ્કેરનાર આરોપી આશિકુલ ઇસ્લામ માર્યો ગયો છે. પોલીસે જણાવ્યું કે આરોપી પોલીસ હિરાસતમાંથી ભાગવા જતો હતો તે દરમિયાન માર્ગ અકસ્માતમાં માર્યો ગયો હતો. જેમાં ત્રણ પોલીસકર્મી ઘાયલ થયા હતા. 

    નૌગાંવનાં પોલીસ અધિક્ષક લીના ડોલેએ જણાવ્યું કે, રવિવારે (29 મે, 2022) પોલીસે આરોપી આશિકુલ ઇસ્લામ સામે કેસ દાખલ કર્યો હતો અને પૂછપરછ માટે લઈ જવામાં આવ્યો છે. પૂછપરછ દરમિયાન આશિકુલે ગુનો કબૂલ્યો હતો અને કહ્યું હતું કે તેણે હથિયારો પોતાના ઘરે રાખ્યાં હતાં. 

    ડોલેએ આગળ કહ્યું કે, આરોપીએ ગુનો કબૂલ કર્યા બાદ અમારી ટીમ હથિયારોની તપાસ કરવા માટે નીકળી હતી. તપાસ અભિયાન પૂર્ણ થયા બાદ આરોપીએ રસ્તામાં કારમાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ત્યારે જ પાછળથી આવતું વાહન ભૂલથી તેની ઉપર ચડી ગયું હતું. તેને ગંભીર હાલતમાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો.

    - Advertisement -

    આ પહેલાં ડિસેમ્બર 2021 માં જોરહાતમાં એક વિદ્યાર્થી નેતાના લિન્ચિંગના મુખ્ય આરોપી નીરજ દાસનું પણ આ જ રીતે મોત થયું હતું. તે કથિત રીતે હિરાસતમાંથી ભાગવાના પ્રયત્નો કરતો હતો ત્યારે જ એક પોલીસ ગાડી ભૂલથી તેની ઉપર ચડી ગઈ હતી અને તે અકસ્માતમાં માર્યો ગયો હતો.

    ઉલ્લેખનીય છે કે આસામના નૌગાંવ જિલ્લાના બટાડરવા પોલીસ સ્ટેશનમાં કથિત રીતે શફીકુલ ઇસ્લામ નામના વ્યક્તિના મોત બાદ લગભગ 2000 કટ્ટરપંથીઓની ભીડે ગત અઠવાડિયે પોલીસ મથક પર હુમલો કરીને આગચંપી કરી દીધી હતી. આ મામલે જિલ્લા તંત્રે 22 મેના રોજ આરોપી પાંચ પરિવારોના ઘર પર બુલડોઝર ચલાવીને ધ્વસ્ત કરી દીધા હતા. આ મામલે અન્ય ત્રણ લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી.

    ઘટનાને લઈને આસામના ડીજીપી ભાસ્કર જ્યોતિ મહંતે કહ્યું હતું કે પોલીસ મોત મામલે ગંભીર છે અને તપાસ ચાલી રહી છે. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે પોલીસ મથકમાં આગ લગાવનાર લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. ડીજીપીએ રવિવારે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે શફીકુલ ઇસ્લામના (39) મોત મામલે બટાદ્રવા પોલીસ મથકના પ્રભારીને નિલંબિત કરી દેવામાં આવ્યા છે. 

    શફીકુલ સાલોનાબોરી ગામનો રહેવાસી હતો. તેના પરિજનોનો આરોપ છે કે પોલીસે તેને છોડવા માટે દસ હજાર રૂપિયાની લાંચ માંગી હતી. ગામલોકોનું કહેવું છે કે તેની પત્ની સવારે પૈસા લઈને પોલીસ મથકે પહોંચી તો તેને જાણવા મળ્યું કે તેના પતિની તબિયત બગડવાથી તેને સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો છે. જે બાદ તે હોસ્પિટલ પહોંચી તો ખબર પડી કે શફીકુલનું મોત થઇ ચૂક્યું છે. આ મામલે ગામલોકોએ પોલીસકર્મીઓ પર ટોર્ચર કરવાનો આરોપ લગાવીને પોલીસ મથકની ઘેરાબંધી કરી લીધી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં