Sunday, October 6, 2024
More
    હોમપેજરાજકારણવિધાનસભા ચૂંટણીમાં ઊંધા મોઢે પટકાયા બાદ હવે લોકસભા ચૂંટણીને લઈને ગુજરાતમાં ભાગ્ય...

    વિધાનસભા ચૂંટણીમાં ઊંધા મોઢે પટકાયા બાદ હવે લોકસભા ચૂંટણીને લઈને ગુજરાતમાં ભાગ્ય અજમાવશે AIMIM: અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી જાહેર કરશે પોતાના 2 ઉમેદવાર

    અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM ગુજરાતમાં ભાગ્ય અજમાવાનો પ્રયત્ન કરશે. કહેવામાં આવી રહ્યું છે કે ગાંધીનગર અને ભરૂચ બેઠક પર AIMIM પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતરશે. આ માટે અસદુદ્દીન ઓવૈસી અને AIMIM દ્વારા ઉમેદવારોની પસંદગી કરવાનું શરૂ કરી દીધું છે.

    - Advertisement -

    અગામી લોકસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચે તરીખો જાહેર કરી દીધી છે. તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ સહિત અનેક પાર્ટીઓએ ઉમેદવારો પણ જાહેર કરવાનું શરૂ કરી દીધું છે. ગુજરાતની 26 બેઠકોને લઈને ત્રીજા તબક્કામાં એટલે કે, 7 મેએ મતદાન યોજાશે. ગુજરાતની બે બેઠકો પર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન છે. આ બધા વચ્ચે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM પણ ગુજરાતમાં લોકસભા ઉમેદવાર જાહેર કરીને ચૂંટણી લડશે.

    મળતી માહિતી અનુસાર અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM ગુજરાતમાં ભાગ્ય અજમાવાનો પ્રયત્ન કરશે. કહેવામાં આવી રહ્યું છે કે ગાંધીનગર અને ભરૂચ બેઠક પર AIMIM પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતરશે. આ માટે અસદુદ્દીન ઓવૈસી અને AIMIM દ્વારા ઉમેદવારોની પસંદગી કરવાનું શરૂ કરી દીધું છે.

    ઉલ્લેખનીય છે કે અગામી લોકસભા ચૂંટણીને લઈને AIMIM પોતાનું ભાગ્ય અજમાવવા માંગે છે. મહત્વની વાત તે છે કે ગુજરાતમાં પગપેસરો કરવા અસદુદ્દીન ઓવૈસી માત્ર 2 જ ઉમેદવારો મેદાનમાં ઉતારવાના છે. જોકે ગાંધીનગર બેઠક પરથી ભાજપમાં અમિત શાહ અને ભરૂચ બેઠક પર મનસુખ વસાવા ઉમેદવાર જાહેર થયા છે.

    - Advertisement -

    જો ભરૂચ બેઠકની વાત કરીએ તો ત્યાં ભાજપમાંથી મનસુખ વસાવા, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન તરફથી ચૈતર વસાવા લોકસભા લડવાના હતા. ત્યારે હવે AIMIM અહીં પોતાનો ઉમેદવાર જાહેર કરશે. બીજી તરફ ગાંધીનગરમાં ભાજપમાંથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસમાંથી સોનલ પટેલ લોકસભા લડવાના છે અને હવે અહીં AIMIM પણ પોતાના ઉમેદવાર ઘોષિત કરશે. અહીં નોધવા લાયક વાત તે છે કે ગત વિધાનસભામાં પણ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMએ ચૂંટણી લડી હતી, પરંતુ તેઓ ઊંધા મોઢે પટકાયા હતા.

    વિધાનસભામાં મળ્યા હતા શૂન્ય બેઠક અને 0.3% કરતા ઓછા મત

    ઉલ્લેખનીય છે કે વર્ષ 2022માં વૈસીની પાર્ટી AIMIM એ વિધાનસભા ચૂંટણી લડી હતી. તે સમયે પણ AIMIMના 14 ઉમેદવારો ઉભા રાખીને ઓવૈસીએ પણગુજરાતમાં પોતાની કિસ્મત અજમાવી હતી. AIMIMએ ગુજરાતની એ 14 સીટો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા જ્યાં મુસ્લિમ મતદારો બહુમતીમાં અંથવા ખુબ મોટા પ્રમાણમાં હતા. 2017માં આ 14માંથી 7 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર અને 1 બેઠક પર કોંગ્રેસ સમર્થિત અપક્ષ ઉમેદવાર જીત્યા હતા. 2022માં આ 14માંથી 11 બેઠકો પર ભાજપે વિજય નોંધાવ્યો હતો.

    ઓવૈસીને પહેલાથી આશા હતી કે ગુજરાતના મુસ્લિમો ખુલ્લા હાથે તેમને આવકારશે. ઓવૈસીએ પ્રચાર દરમિયાન ગુજરાતની અનેકવાર મુલાકાત લીધી હતી અને ઘણી સભાઓ ગજવી હતી. તેમણે માંડવીથી મહંમદ ઇકબાલ માંજલીયા, ભુજથી શકીલ સમા, વડગામથી (SC) કલ્પેશ સુંઢિયા, સિદ્ધપુરથી અબ્બાસભાઈ નોડસોલા, વેજલપુરથી ઝૈનબબીબી શૈખ, બાપુનગરથી શાહનવાઝ પઠાણ, દરિયાપુરથી હસનખાન પઠાણ, જમાલપુર-ખાડિયાથી સાબિર કાબલીવાલા, દાણીલીમડાથી (SC) કૌશિકા પરમાર, ખંભાળિયાથી યાકુબ બુખારી, માંગરોળથી સુલેમાન પટેલ, ગોધરાથી મુફ્તી હસન કાચબા, સુરત પૂર્વથી વસીમ કુરેશી અને લિંબાયતથી અબ્દુલ બસીર શેખને વિધાનસભા ચૂંટણી લડાવી હતી. આ તમામ ઉમેદવારોને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

    સાત તબક્કામાં યોજાશે લોકસભા ચૂંટણી

    કેન્દ્રીય ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની તારીખોનું એલાન કરી દીધું છે. જે અનુસાર આ વખતે ચૂંટણી કુલ સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલના રોજ, જ્યારે અંતિમ તબક્કો 1 જૂનના દિવસે યોજાશે. પરિણામો 4 જૂનના રોજ ઘોષિત કરવામાં આવશે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન યોજાશે. 7મેના રોજ ગુજરાતમાં ચૂંટણી થઈ રહી છે.

    કુલ 26 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતની પણ 5 બેઠકો સામેલ છે. ગુજરાતમાં વિજાપુર, ખંભાત, વાઘોડિયા, માણાવદર અને પોરબંદર બેઠકો પર પેટાચૂંટણી યોજવામાં આવશે. આ સિવાય બિહાર, હરિયાણા, ઝારખંડ, મહારાષ્ટ્ર, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક અને તમિલનાડુમાં પણ જ્યાં-જ્યાં વિધાનસભા બેઠકો ખાલી હશે ત્યાં ચૂંટણી યોજાશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં